કારતક સુદ પુર્ણિમાએ દેવદિવાળી પણ કહેવાતી હોય આ દિવસે દ્વારકાધીશ જગતમંદિરમાં શ્રીજીના દર્શનનું અનેરું મહાત્મ્ય હોય છે. વળી પિતૃતર્પણનું પણ આ દિવસે મહત્વ હોય સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી ઠાકોરજીના દર્શને જગતમંદિરે પ્રયાણ કરતાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા હતા.
સવારે ૬ વાગ્યે મંગલા આરતીમાં તેમજ સવારની ૧૦.૪૫ કલાકે થતી શૃંગાર આરતી તેમજ રાજભોગ સમયે જગતમંદીર પરિસરમાં યાત્રીકોની સવિશેષ ભીડ જોવા મળી હતી. યાત્રીકોએ પવિત્ર ગોમતી સ્નાન તથા દ્વારકાધીશને શીશ ઝુકાવ્યા બાદ બેટ દ્વારકાધીશ, નાગેશ્ર્વર જ્યોર્તિલિંગ ગોપી તળાવ તથા રૂક્ષ્મણી માતાજીના મંદિરે પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.