113 પ્રોજેકટસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું: આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ‘વિકાસ’ના નામે લડવા ઈચ્છે છે
કોરોનાના કપરાકાળમાં પણ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં વિકાસ બંબાટ દોડી રહ્યો છે. છેલ્લા 41 દિવસમાં રાજયમાં 10,400 કરોડ રૂપિયાથી વધુના 113 લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. ગુજરાતને શા માટે વિકાસ મોડેલ કહેવામાં આવી રહ્યું છે તે રૂપાણી સરકારે ચરિતાર્થ કરી દીધું છે. આર્થિક ભીંસમાં પણ રાજયમાં વિકાસ કામો પર કોઈ અસર પડી નથી. આવતા વર્ષ ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી યોજાવાની છે તે પૂર્વે ભાજપ સરકાર ફરી એક વખત વિકાસના નામે જ જનતા પાસે મત માંગવા જવાનું મકકમ મન બનાવી ચૂકી છે. વિકાસના એક માત્ર મંત્રને રાજય સરકાર વળગી રહી છે અને વિકાસ કામોને લીલીઝંડી આપી રહી છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં વિકાસ કાર્યો ફાસ્ટ ટ્રેક પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર અને અમદાવાદમાં અંદાજે રૂ.1200 કરોડના ખર્ચે તૈયાર કેટલાક પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું હતું. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ 1લી જૂનથી ગુજરાતમાં અત્યાર સુધી કુલ 550 કરોડના 14 વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમૂહુર્ત કર્યા છે. જે ગુજરાતમાંથી જ કેન્દ્રમાં ગયેલા બંને નેતાઓનો આ ગુજરાત પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રી-ડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન અને આ આધુનિક સ્ટેશનની ટોચ પર છે. 318 રૂમથી સજ્જ ફાઈવ સ્ટાર બિઝનેસ હોટેલનું લોકાર્પણ કરાયું હતું. આ હોટલ રૂ.790 કરોડના ખર્ચે તૈયાર થયેલી છે. જ્યારે સાયન્સ સિટી ખાતે રૂ.260 કરોડના ખર્ચે તૈયાર એક્વાટિક ગેલેરી અને 127 કરોડના ખર્ચે તૈયાર રોબોટિક ગેલેરીનું પણ વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું હતું.
ગુજરાતમાં જૂન મહિનાથી સરકારે એક બાદ એક વિકાસ કાર્યોના લોકાર્પણો અને સમીક્ષાઓ શરૂ કરી હતી. ભાજપે 10,400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ, મંજૂરી, ખાત મુહૂર્ત કર્યા છે. 1લી જૂનથી 11 જુલાઈ સુધીમાં કુલ 41 દિવસ દરમિયાન 10,400 કરોડ રૂપિયાથી વધુના 113 લોકાર્પણ, મંજૂરી, ખાત મુહૂર્ત તથા ઉદ્ઘાટનના કાર્યો કરવામાં આવ્યા છે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ 21મી જૂને અમદાવાદમાં રૂ.80 કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ બાદ 11 જુલાઈએ તેમણે બોપલમાં રૂ.98 કરોડ અને રૂ.267 કરોડની બે યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.
પશ્ચિમ રેલ્વેમાં રૂ.17 કરોડના ખર્ચે અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ. ચાંદલોદિયા સ્ટેશન પર રૂ.4.05 કરોડના વિકાસ કામ. આંબલી રોડ સ્ટેશન પર રૂ.2.35 કરોડ, ખોડીયાર સ્ટેશન પર રૂ.1.72 કરોડ અને કલોલ સ્ટેશન પર રૂ.3.75 કરોડની મુસાફરોની સુવિધા. અમદાવાદના બોપલ ખાતે રૂ. 4 કરોડના ખર્ચે એયુડીએ દ્વારા બનાવેલા સિવિક સેન્ટરનુ લોકાર્પણ. બોપલ ખાતે અઞઉઅ દ્વારા 7 કરોડના ખર્ચે નવનિર્મિત વાંચનાલયનું લોકાર્પણ.
વેજલપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું લોકાર્પણ. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાણંદ, બાવળા અને દશક્રોઇમાં આંગણવાડી, સ્માર્ટ વર્ગખંડ, સીસી રોડ જેવા લગભગ 43 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નારદીપુર ગામ ખાતે રૂ.25 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યુ.