- મહિલાઓને એચ.પી.વી. વેક્સિનેશન અને મેમોગ્રાફી ટેસ્ટ ગિફ્ટ વાઉચરનું વિતરણ કરાશે : 108 બહેનો દેવી કવચના પાઠ કરશે
- રાજકોટ રંગીલું શહેર હોવાની ઓળખ ધરાવતું હોવાની સાથે સ્વાસ્થ્ય સંબંધિત તમામ પડકારોની સ્થિતિમાં પણ મોજ કરવા અને આફતને અવસરમાં પલટાવી નાખવાની પણ આગવી ઓળખ ધરાવતું શહેર છે.
દેશભરમાં કેન્સરગ્રસ્ત લોકોને પીડામુક્ત કરાવવા સંભવિત તમામ પ્રયાસો કરનાર રાજકોટની કેન્સર કેર ફાઉન્ડેશન-કેન્સર કલબ દ્વારા ગુજરાતભરના કેન્સરગ્રસ્ત દર્દીઓ-વોરિયર્સ માટે પ્રતિષ્ઠિત સંસ્થા ક્લબ યુવીના સૌજન્યથી નવરાત્રીના અવસરે 2, ઓકટોબર 2024ના રાજકોટના આંગણે નવતર ગરબા મહોત્સવ સહિતના મેગા કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
રાજકોટમાં સ્પિડવેલ પાર્ટી પ્લોટ, 150 ફૂટ રીંગ રોડ ખાતે 2, ઓકટોબર 2024ના સાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી યોજાનારા આ એક દિવસીય નવરાત્રિ મહોત્સવમાં ગુજરાતના કેન્સરગ્રસ્ત વોરિયર બહેનો, ભાઈઓ અને બાળકો માટે મયુર બુધ્ધદેવ અને એમના સાથી નામી કલાકારોના સંગાથે ગીત-સંગીત ગરબાની રમઝટ બોલાવશે. આ 3000 જેટલા કેન્સરગ્રસ્ત દર્દીઓ-વોરિયર માટે નવરાત્રી-ગરબા મહોત્સવ સાથે 108 બહેનો દ્વારા દેવી કવચના પાઠનું પણ આયોજન કરાયું હોવાનું કેન્સર કેર ફાઉન્ડેશન, રાજકોટના અશ્વિન સોલંકીએ જણાવ્યું હતું.
કેન્સર વોરિયર્સ તથા તેમના કુટુંબીજનો મળી 9000 થી વધુ અને 200 કેન્સર નિષ્ણાંતો અને વિવિધ શાખાના ડોકટરો અને એમના પરિવારના મેમ્બરો પણ કેન્સર હોસ્પિટલના સ્ટાફ મેમ્બરો સાથે આ નવરાત્રિ મહોત્સવમાં જોડાશે. તમામ જ્ઞાતિના લોકો આ ઉત્સવમાં જોડાઈ રહ્યા હોવા સાથે 1000થી વધુ સામાજિક સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટીઓ, એમના સભ્યો અને સર્વે દાતા, ઉદ્યોગપતિઓ અને સરકારી અને વિવિધ સંસ્થાઓના અધિકારીઓ પણ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. કોલેજો અને યુનિવર્સિટીના હોદ્દેદારો, સ્ટાફ અને વિદ્યાર્થી બહેનો-ભાઈઓ મોટી સંખ્યામાં જોડાશે.
કેન્સર બાબતે જાગૃતિ લાવવા આ પ્રસંગે ઉપસ્થિત રહેનારા તજજ્ઞો, નિષ્ણાંત તબીબો અને વિવિધ સંસ્થાઓ દ્વારા શકય તમામ પ્રયાસો કરવામાં આવશે.
આ ઉત્સવના ભાગરૂપે આ મેગા નવરાત્રી ઉત્સવ માટે સિસ્ટમ વ્યવસ્થા અને આધુનિક સંગીત લાઈટ, ડેકોરેશન બેઠક વ્યવસ્થા અને ખેલૈયાઓની તમામ જરૂરીયાતને સમજી શકતા કલબ યુવીના પ્રમુખ બિપીનભાઈ બેરા અને તેમની ટીમ ખૂબ જ જહેમત ઉઠાવી સહયોગ આપી રહ્યા છે. જ્યારે કેન્સર કેર ફાઉન્ડેશનના સભ્યો રુપલ કોટક, હંસાબેન પટેલ, જયોતી શાસ્ત્રી, અલ્પના રાવલ, દિગ્વિજયસિંહ જાડેજા, ભાવેશભાઈ માકડિયા, જલ્પાબેન કુબાવત સહિત આ કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય સહયોગ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ સંસ્થા દ્વારા કેન્સરમાંથી મુક્ત થયેલા દેશભરના કેન્સર વોરિયર મહિલાઓના ફેશન શો પણ યોજાયો હતો.
કેન્સર કેર ફાઉન્ડેશન અને કલબ યુવીના સૌજન્યથી રાજકોટમાં સમગ્ર ગુજરાતના કેન્સર પેશન્ટ બહેનો, ભાઈઓ અને બાળકો માટે ર, ઓકટોબર 2024ના યોજાઈ રહેલા આ નવરાત્રી ઉત્સવમાં જોડાવવા વધુ વિગતો માટે અહીં આપેલા મોબાઈલ નંબરો 94269 00894, 94282 72976, 96646 96501, 97140 66513, 98256 73344 પર સંપર્ક કરી શકાશે.