કાળીધાર, જૂના પાદર, ખાખીજાળિયા રોડ વિસ્તારની જમીનમાં માથાડુબ પાણી ફરી વળતા કરોડો રૂપિયાના પાકને નુકશાની

તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદ અને જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે મોજીરા પાસે આવેલ મોજ ડેમમાં પાણીની જોરદાર આવકને ડેમ સાઈડના અધિકારીઓ પારખી નહી શકતા ભાયાવદર પંથકની હજારો વિઘા જમીનમાં ધોવાણ થઈ જતા ખેડુતો પર આફત આવી પડી છે.

મોજ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આવકના પ્રમાણમાં પાટીયા સમયસર નહિ ખૂલતા મોજ ડેમનાં પાછળના ભાગેથી રૂપાવટી નદીમાં ભળતા નદી બે કાંઠે વહેવા લાગતા રૂપાવટી નદીના પાણી ભાયાવદરના કાળીધાર, જૂનાપાદર તરીકે ઓળખાતા ઘેલ રૂપાવતીના માર્ગ પર આવેલ અને ભાયાવદરથી ખાખીજાળીયા રોડ ઉપરની હજારો વિઘા જમીનમાં કમરડુબ પાણી ભરાઈ જતા જમીન ધોવાણ એટલી હદે થયેલ કે જમીન ચારથી પાંચ ફૂટ ધોવાઈ ગઈ છે. જમીનમાંથી પાથર તેમજ કાંકરા નીકળી ગયા છે. મોટા મોટા વૃક્ષો પણ મૂળીયામાંથી ઉખડી ગયા છે.

જો સમયસર પાટીયા ખોલવામાં આવ્યા હોત તો  ખેડુતોને રોવાનો વારો ન આવત

ભાયાવદર વિસ્તારની હજારો વીઘા જમીન ધોવાણ થયેલ છે. તેના મૂળમાં ડેમ સાઈડના અધિકારીની બેદરકારી કે સમયસર પાટીયા ન ખોલવાનો અભાવ જોવા મળ્યો હતો. ડેમમાં પાણી જાવક કરતા આવક બમણી હોવા છતા પહેલા રાઉન્ડમાં પાંચજ પાટીયા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે ડેમની પાછળના ભાગેથી પાણી રૂપાવટી નદીમાં ભળી જતા રૂપાવટી નદી ભયજનક રીતે વહેવા લ ગતા આ પરિણામ આવ્યું છે.

48 કલાક થવા છતા અરણી ગામના તણાયેલા વણકર યુવાનની લાશ નથી મળી

અરણી ગામના વણકર યુવાન અરવિંદ કાળાભાઈ વાવ પોતાની વાડીએ જતા મોટર સાયકલ સાથે તણાઈ ગયા હતા. એનડીઆરએફની ટીમ દ્વારા પડવલા અરણી વિસ્તારનાં ચેકડેમો, વોકળાઓ આસપાસ રેસ્કયુ કરવા છતા 48 કલાક બાદ પણ લાશ ન મળતા વણકર સમાજમાં દુ:ખની લાગણી અનુભવી રહ્યો છે.

ભાયાવદર ભાજપના આગેવાનોની મુખ્યમંત્રીને પત્ર પાઠવી સહાય માંગી

ભાયાવદર વિસ્તારની કાળીધાર, જૂનાપાદર, ખાખીજાળીયા માર્ગ પરની હજારો વીઘા જમીનમાં ધોવાણ થતા ભાયાવદર ભાજપ ટીમના જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા, શહેર ભાજપના પ્રમુખ અતુલભાઈ વાઘાણી, મહામંત્રી સરજુભાઈ માકડીયા, ધવલભાઈ ધમસાણીયા, હાર્દિકભાઈ રામાણીએ મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી તાત્કાલીક ધોરણે નુકશાનીનો સર્વે કરી સહાય ચૂકવવા માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.