કોઝવે ઓવર ફ્લો થતાં દરવાજા બંધ કરાયા પણ યંગસ્ટર્સ દરવાજા કુદી કોઝવે પર પહોંચ્યા
સિક્યુરીટીના અભાવે ગાર્ડનમાંથી યંગસ્ટર્સ કુદીને કોઝવે પર પહોંચી રહ્યાં છે
સુરતના રાંદેર-સિંગણપોર વચ્ચે તાપી નદી પર બનાવવામાં આવેલા કોઝવેના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કોઝવે ઓવર ફ્લો થયો છે.
કોઝવે ઓવર ફ્લો થતાં વાહન વ્યવહાર માટે કોઝવે બંધ કરીને તેના પર અવર જવર પર પ્રતિબંધ ફરમાવાયો છે. મ્યુનિ.નો આ પ્રતિબંધ કાગળ પર જ રહેતાં રોજ ઉભરાતા કોઝવેમાં બંધ દરવાજા ઓળંગીને સંખ્યાબંધ યંગસ્ટર્સ જોખમી રીતે સેલ્ફી લઈ રહ્યાં છે. કોઝવેમાં સેલ્ફી લેતાં તાજેતરમાં જ યુવાનો ડુબી ગયાં હતા. આવું જોખમ છતાં પણ સેલ્ફી માટે ક્રેઝી યંગસ્ટર્સ ઉભરાતા કોઝવેમાં જોખમી સેલ્ફી લેવાનું ચુકતા નથી.
સોશિયલ મિડિયામાં સેલ્ફી એન્ટર થયાં બાદ યંગસ્ટર્સ સેલ્ફી માટે ભારે ક્રેઝી બની રહ્યાં છે. સેલ્ફી માટે ક્રેઝી બનેલા સંખ્યાબંધ યુવાનોએ જીવ પણ ગુમાવ્યા છે. હાલ ઈદ દરમિયાન કોઝવેની પાળી પર ઉભા રહી સેલ્ફી લેવા જતાં એક યુવાન ડુબી ગયો અને જીવ ગુમાવવા પડયો હતો. કોઝવેમાં સેલ્ફીના કારણે જીવ ગુમાવ્યાની અત્યાર સુધી સંખ્યાબંધ ઘટના બની છતા યંગસ્ટર્સમાં જોખમી સેલ્ફીનો ક્રેઝ ઘટયો નથી.
છેલ્લા બે ત્રણ દિવસથી ઉપરવાસમાં વરસાદના કારણે કોઝવે ઓવર ફ્લો થતાં વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે બંધ કરવા માટે રાંદેર-સિંગણપોર બન્ને તરફના દરવાજા પણ બંધ કરી દેવાયા છે. જો કે, જોખમી સેલ્ફી લઈને થ્રીલ અનુભવતા કેટલાક યંગસ્ટર્સ ગાર્ડનની દિવાલને કુદીને ઓવર ફ્લો થતાં કોઝવેમાં જઈ રહ્યાં છે. જ્યાં કોઝવેનું પાણી ઓવર ફ્લો થાય છે ત્યાં જઈને યંગસ્ટર્સ જોખમી રીતે સેલ્ફી લઈ રહ્યાં છે. આવી જોખમી પ્રવૃત્તિ સામે મ્યુનિ.ની આંખ આઢા કાન કરવાની નીતિ ક્યારેક કોઈના જીવ માટે જોખમ પણ બની શકે છે.