અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડ્યાનાં આદેશથી શરૂ કરાયું ચેકીંગ: લોકડાઉનના ચુસ્ત અમલ માટે તંત્ર આકરા પાણીએ
લોકડાઉનના સમયમાં આવશ્યક સેવાઓ ચાલુ રાખવા માટે જિલ્લા કલેકટર દ્વારા ઇમરજન્સી પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ પાસના મિસયુઝ કરવામાં આવતા હોવાનું ધ્યાને આવતા અધિક કલેકટર પરિમલ પંડ્યાએ ચેકીંગના આદેશ આપ્યા છે અને પાસનો મિસયુઝ કરનારા સામે પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપી છે.
સમગ્ર દેશમાં હાલ લોકડાઉન અમલી છે. રાજકોટ જિલ્લામાં પણ લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે તંત્ર કમર કસી રહ્યું છે. જો કે ઘણી ચીજવસ્તુઓ તેમજ સેવાઓ લોકડાઉનમાં પણ જનતા માટે જરૂરી હોય આ માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના આદેશથી પાસ ઇસ્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે મુજબ અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૦૦થી વધુ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. ત્યારે આ પાસનો દુરૂપયોગ થતો હોવાની પણ ફરિયાદો મળતા અધિક કલેકટર પરિમલ પંડ્યાએ અધિકારીઓને પાસના મિસયુઝ કરનારા સામે પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપી છે. આમ હવે પાસનો દૂરઉપયોગ કરનારાઓને હવે જેલની હવા પણ ખાવી પડશે.