‘તુમ હે બહોત ઘમંડ થા અપના બુલંદો પર પર્વત, પર દેખ છોટા સા પક્ષી તુમ્હારે ઉપર સે ઉડ કે ચલા ગયાં’ , જો દિવ્યંગોને પાછળથી સપોર્ટ કરવામાં આવે તો દિવ્યાંગ આગળ વધી શકે છે, એ શબ્દો છે દિવ્યાંગ હોવા છતાં સંઘર્ષ કરીને MBBS ના અભ્યાસ સુધી પહોંચનાર વિદ્યાર્થી નગોથા વૈદીપના…. અધૂરા મહિને જન્મ થયો ને કાચની પેટીમાં રહ્યા બાદ નવજીવન મળ્યું. જોકે કમરમાં ગાંઠ થવાના કારણે પગનો વિકાસ જ બંધ થઈ ગયો. બે ઓપરેશન બાદ થોડું ચાલી શકાય તેવી સ્થિતિ થઈ. જોકે પરિવાર ઊંચકીને જ સ્કૂલે લઈ જતો હતો. માતા-પિતા અને પોતાના સંઘર્ષના કારણે હાલ આ દિવ્યાંગ વિદ્યાર્થી એમબીબીએસના અભ્યાસ સુધી પહોંચી ગયો છે અને ડોક્ટર બનીને પરિવાર માટે મદદરૂપ અને દિવ્યાંગો માટે પ્રેરણા રૂપ બનવાની ઈચ્છા છે.
દિવ્યાંગ વ્યક્તિઓને સમાન તક આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે ૩ જી ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસ મનાવવામાં આવે છે. વિકલાંગ(દિવ્યાંગ) વ્યક્તિઓનાં માનવ અધિકારો, સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને મનાવવામાં આવે છે.
મૂળ ભાવનગર જિલ્લાનું અને સુરતનામાં વર્ષોથી સ્થાયી થઈ ગયેલા દેહુરભાઈ નાગોથા પરિવારમાં 2003માં પરિવારમાં પહેલા દીકરાનો અધુરા મહિને એટલે કે ગર્ભના સાતમા મહિને જન્મ થઈ ગયો હતો. અધૂરા મહિને જન્મના કારણે બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી જેથી તેને નવ દિવસ કાચની પેટીમાં રાખવામાં આવ્યો. જેમ જેમ થોડા મહિનાઓ વીતવા લાગ્યા તેમ તેને કમરમાં ગાંઠ થઈ હોવાનું નિદાન થયું હતું. પહેલા ડોક્ટરો દ્વારા નોર્મલ જ ગાંઠ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે એક વર્ષનો થયા બાદ આ ગાંઠના કારણે પગનો વિકાસ જ બંધ થઈ ગયો હોવાનું નિદાન થયું હતું.
પરિવાર દ્વારા પહેલા પુત્રનું નામ વૈદીપ રાખવામાં આવ્યું હતું. આ ગાંઠના કારણે ચાલવાની તો દૂરની વાત બેસી પણ ન શકાય તેવી સ્થિતિ થઈ ગઈ હતી. ત્યારબાદ અમદાવાદ ખાતે આ ગાંઠને દૂર કરવા માટેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગાંઠ દૂર થયા ગયા બાદ પણ કોઈ ફેરફાર થયો ન હતો. પગનો વિકાસ ન થવાના કારણે પગ વાંકા વળતા ગયા હતા. જેમ સામાન્ય લોકોના સીધા પગ હોય છે તેવી ફૂડ પ્રિન્ટ ન રહી. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ ચાલવાનું બંધ થઈ ગયું અને બેસવાનું પણ બંધ થઈ ગયો હતો.
થોડા સમય બાદ અહીં સુરત પિતા પાસે આવી ગયા હતા. ત્યારબાદ મને સ્કૂલમાં અભ્યાસ માટે બેસાડવામાં આવ્યો હતો. પિતા દ્વારા દીકરાને ઊંચકીને સ્કૂલે લઈ જવામાં આવતો અને ઉચકીને જ ઘરે પરત લાવવામાં આવતો હતો. આ રીતે એક વર્ષ આખા પરિવારે સંઘર્ષ કર્યા બાદ સ્કૂલમાં રહેલા એક શિક્ષક મનસુખભાઈ ઝીંજાળાએ દિવ્યાંગ બાળકો માટેના એક કેમ્પ અંગે જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારે દીકરા વૈદીપ ને એક વર્ષ માટે ધરમપુર મોકલ્યો હતો અને જ્યાં તેનું તબ્બક્કાવાર ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ધરમપુરમાં ઓપરેશન બાદ થોડી ચાલી શકાય તેવી સ્થિતિ થઈ હતી. જોકે માતા-પિતાએ સ્કૂલે મૂકવા અને લેવાતો જવું જ પડતું હતું. પગનો ઓછા વિકાસના કારણે વધુ ચાલી શકાય તેવી સ્થિતિ ન હતી. આ રીતે વર્ષો વિતતા ગયા અને હું દસ વર્ષનો થતા જ મારા હાથમાં પણ વધુ એક ગાંઠ થઈ હતી જેનું ઓપરેશન કરાવવાના કારણે પરિવાર પણ આર્થિક રીતે તકલીફ થઈ અને મારે અભ્યાસમાં પણ ઘણું નુકસાન થયું હતું. પરિવારની પણ આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે હું સરકારી શાળામાં જ અભ્યાસ કરતો હતો. આ તમામ સ્કૂલની કામગીરીમાં મને લેવા મુકવા માટે પરિવાર સંઘર્ષ તો કરતો જ હતો.
ધોરણ 10 પાસ કર્યા બાદ મારે સાયન્સ પ્રવાહમાં જવાની ઈચ્છા હતી જો કે મને ક્યાંય સરકારી શાળામાં એડમિશન મળ્યું ન હતું. જેથી પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો હતો. આ માટે હેન્ડ વર્ક કરતા મારા માતા-પિતા દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. મારા માતા પિતાએ એવું વિચાર કર્યો કે જો આપણા દીકરાને સ્થિતિ સુધરતી હોય તો આપણે સંઘર્ષ કરવા તૈયાર છે. પ્રાઇવેટ સ્કુલની ફી પણ વધુ હતી અને ખર્ચો પણ વધુ હતો. પરિવારનો સંઘર્ષ જોઈને પણ મને પણ ખૂબ જ પ્રોત્સાહન મળતું હતું જેથી ધોરણ 12 માં મારી સારા માર્કસ આવ્યા અને ત્યારબાદ નીટની એક્ઝામમાં પણ સ્કોર કરીને એમબીબીએસમાં એડમિશન મેળવ્યું. હાલ સુરત સિવિલ હોસ્પિટલની સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસ નો અભ્યાસ કરી રહ્યો છું.
ડોક્ટર જ બનવાની ઈચ્છા એટલા માટે છે કે હું ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી એવો કોઈ ડોક્ટર બનવાની વિચાર ન હતો. જોકે મારી સ્થિતિ પ્રમાણે મારે કોઈ એવી ડિગ્રી લેવી જોઈએ જેનાથી હું બેઠા બેઠા પણ કામ કરી શકું. માતા પિતાની ઈચ્છા અને મેં વિચાર કર્યા બાદ સાયન્સ પ્રવાહ લીધો છે તો બી ગ્રુપ લઈને ડોક્ટર બનવાનું નિર્ણય કર્યો હતો. જો હું ડોક્ટર બનવું તો હું બેઠા બેઠા પણ કામ કરી શકું અને મારા માતા પિતાની જરૂરિયાત પણ પૂરી થઈ શકે. મારા જન્મથી જ મારા પરિવારમાં દર વર્ષે કોઈને કોઈ દવાખાનું આવ્યા જ કરે છે તો હું જો ડોક્ટર બનવું તો હું ડોક્ટર બનીને મારા પરિવારની સંભાળ રાખી શકો છો.
નાગોથા વૈદિપ દેહુરભાઈ સ્વામી વિવેકાનંદ નગર પ્રાથમિક શાળા ક્રમાંક- 271 માં ધોરણ-1 થી 8 નું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. આ સમય દરમિયાન પાયાના પથ્થર તરીકે સ્પેશિયલ એજયુકેટર ઝિઝાળા મનસુખભાઈએ કામ કર્યું તેમજ તેમને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું ત્યારબાદ એ ઈમારતનું ચણતર કામ સ્પેશિયલ એજયુકેટર જાની રણછોડભાઈ એ કામ કર્યું હતું. વૈદીપે સુમન હાઈસ્કુલ નંબર-18માં ધોરણ -9 થી 10 નું એજ્યુકેશન મેળવ્યું અને ધોરણ 11 અને ઘોરણ 12 સાયન્સનું એજયુકેશન સમર્પણ હાઈસ્કુલમાં મેળવ્યું હતું. ધોરણ સાયન્સની અંદર સારા એવા માર્ક્સ આવ્યાં અને નીટમાં પણ સારું સ્કોરિંગ થયું એટલે એમને દિવ્યાંગતાની કેટેગરીમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસ(MBBS)માં પ્રવેશ મેળવ્યો છે.
સમગ્ર શિક્ષા સુરત કોર્પોરેશન આઈ.ઈ.ડી. વિભાગ અંતર્ગત વર્ષ 2013-2014માં નાગોથા વૈદીપનું સમગ્ર શિક્ષાની 50000/- ની ગ્રાન્ટ માંથી વલસાડ પાસે ધરમપુર ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં એમના બંન્ને પગનું ક્રમશ: ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વૈદીપના સંઘર્ષને સર્વ શિક્ષા અભિયાન આઈઈડી યુનિટ કેસ સ્ટડીમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું.
વૈદિપના બંને પગ સામાન્ય લોકો કરતાં નાના અને હજુ પણ નાજુક છે. પગ પર વધુ ન આપી શકે અને વધુ ચાલી પણ નથી શકતો. બંને પગના સપોર્ટ માટે હંમેશા પ્લાસ્ટિકના સપોર્ટ આપવામાં આવ્યા છે. જે હમેશા તે પગમાં પહેરેલા રાખે છે. જેના થકી તે થોડું ચાલી શકે છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય