કોરોના મહામારીના કારણે આર્થિક ગતિવિધિ થંભી જતાં અનેક ઉદ્યોગોને ફટકો પડ્યો હતો, ઘણા લોકોની નોકરી ગઈ હતી, રોજગારી ન હોવાથી કેન્દ્ર સરકારે લોકડાઉન દરમિયાન પર્સનલ, હોમલોન સહિતની લોનના હપ્તા ભરવામાં રાહત આપવામાં આવી હતી. એકંદરે સરકારે તા.૧લી માર્ચથી ૩૧ ઓગષ્ટ દરમિયાન મોરાટોરીયમ હેઠળ લોકોને હપ્તા ન ભરવાની છુટ આપી હતી. અલબત બેંકો વ્યાજનું વ્યાજ લેશે તેવી ભીતિએ આ મામલો કોર્ટમાં પણ ગયો હતો.
દરમિયાન કેન્દ્ર સરકારે ગઈકાલે જાહેર કર્યું હતું કે, જે લોકોએ લોકડાઉન દરમિયાન જાહેર કરવામાં આવેલા મોરાટોરીયમનો ઉપયોગ નથી કર્યો તે લોકોને કેશબેક આપવામાં આવશે. એટલે કે, બેંકો રૂા.૨ કરોડ સુધીની લોન લેનારા અને હપ્તા રેગ્યુલર ભરનારા લોકોને રાહત આપશે. વિગતો મુજબ જે લોકોએ હપ્તા ભર્યા છે તેમને સામાન્ય વ્યાજ અને મોરાટોરીયમ ઉપર લાગેલા વ્યાજ વચ્ચેના ફર્કની ગણતરી કરી કેશબેક આપવામાં આવશે.
બેંકો, કો-ઓપરેટીવ બેંકો, હાઉસીંગ ફાયનાન્સ કંપની અને માઈક્રો ફાઈનાન્સ સંસ્થાઓ પોતાના ગ્રાહકોને આ પ્રકારનો લાભ આપી શકે છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એફીડેવીટ ર્ક્યું હતું.