24×7ના અભરખામાં ઢગલાનો ‘ઢ’ તો ઠીક પણ ઠળીયાનો ‘ઠ’ પણ સલવાઇ ગયો: ગાંધીજી વિષે વિવાદિત શબ્દનો પ્રયોગ કરનાર કવિ દેવકૃષ્ણ વ્યાસ સામે પોલીસ ફરિયાદની ડો.નિદત બારોટની માંગ
સૌરાષ્ટ યુનિવર્સીટીમાં આયોજીત કાવ્ય મહા કુંભના એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. ત્યારે દેશના રાષ્ટ્રપિતા અને દેશને આઝાદી અપાવવામાં જેનો સિંહફાળો રહ્યો છે તેવા ગાંધીજીના ’ગ’ને પણ ન જાણનારા એક “ઢગાએ ’ભાંગરા’ વાટ્યા છે. કાવ્ય મહાકુંભના એક બાદ એક વિવાદ સર્જતા શૈક્ષણિક જગતમાં આ વાતે જોર પકડ્યું છે. 24×7ના અભરખામાં ઢગલાનો ’ઢ’ તો ઠીક પણ ઠળીયાનો ’ઠ’ પણ સલવાઇ ગયો છે. આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્રના પ્રવક્તા ડો.નિદત બારોટ મેદાને આવ્યા છે અને સમગ્ર મામલે ગાંધીજી વિશે વિવાદિત શબ્દનો પ્રયોગ કરનાર કવિ સામે પોલીસ ફરિયાદની માંગ કરી છે.
આ મામલે ડો.નિદત બારોટે જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની ગુલાબદાસ બ્રોકર ચેર અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના ઉપક્રમે યોજાયેલ કાવ્ય મહા કુંભના કાર્યક્રમમાં મધ્યપ્રદેશ દેવાસથી આવેલા દેવ કૃષ્ણ વ્યાસે પોતાની કવિતાઓ રજૂ કરી તેમાં પૂજ્ય બાપુ માટે વિવાદિત શબ્દ પ્રયોગ કર્યા છે.સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે, આઝાદી અપાવનાર ગુજરાતના પુત્ર અને દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની ધરતી પર આવીને સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના પટાંગણમાં દેવ કૃષ્ણ વ્યાસે કાવ્ય પઠન કર્યું.
તેમાં જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે તે માત્ર ગુજરાતને નહીં સમગ્ર દેશને અપમાન કરનાર છે.વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે કાર્યક્રમનું સંચાલન બ્રોકર ચેરના કોર્ડીનેટર મનોજ જોશી કરી રહ્યા હતા. ગાંધીજી વિશે વિવાદિત ટિપ્પણી પૂર્ણ કરીને જ્યારે કવિએ પોતાની વાત પૂરી કરી ત્યારે મનોજ જોશી જે રીતે કવિ ના વખાણ કરતા શબ્દોનો પ્રયોગ કર્યો છે તે નબળી માનસિકતાનું ઉદાહરણ પૂરું પાડે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાંબો સમય સેનેટ સભ્ય રહેલા ડો.પ્રિયવદન કોરાટ આ કાર્યક્રમમાં હાજર હતા તેઓએ મનોજ જોશી નું ધ્યાન પણ દોર્યું હતું અને કવિને સ્ટેજ પરથી દૂર કરવા જોઈએ તેવી વાત પણ કરી હતી.પ્રિયવદનભાઈ કોરાટ આ કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા. ત્યારે સમગ્ર મામલે બ્રોકર ચેર ના કોઓર્ડીનેટર પદેથી મનોજ જોશીને દૂર કરવામાં આવે અને વિવાદિત ટિપ્પણી કરનાર દેવ કૃષ્ણ વ્યાસ ની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેમ કુલપતિ સમક્ષ માંગ કરવામાં આવી છે.
કાર્યક્રમના સંચાલકની પુછપરછ બાદ આગળની કાર્યવાહી કરાશે
કાવ્ય મહાકુંભ જે રીતે વિવાદમાં આવ્યો છે ત્યારે આ મુદ્દે સૌરાષ્ટ યુનિવર્સીટીના કુલપતિનો સંપર્ક સાધતા તેઓએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, આજે રક્ષાબંધનની રજા હોવાથી આવતીકાલે યુનિવર્સીટી સમગ્ર મામલે કાર્યક્રમના સંચાલક મનોજ જોશીનો સંપર્ક સાધશે અને ત્યારબાદ પુછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.