હવે મધ્યપ્રદેશમાં પણ લવ જેહાદ વિરૂઘ્ધ કાયદો
કોઈનું બળજબરીથી પરિવર્તન કરાવી નહીં શકાય: ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક ૨૦૨૦ને શિવરાજ સરકારની મંજુરી
ઉતરપ્રદેશ બાદ હવે મધ્યપ્રદેશની શિવરાજસિંહ સરકારે લવજેહાદ વિરોધી વિધેયકને મંજુરી આપી છે. હવે મધ્યપ્રદેશમાં પણ કોઈનું ગેરકાયદે ધર્મ પરિવર્તન નહીં કરાવી શકાય કે કોઈ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરાવી નહીં શકાય. ધર્મ છુપાવીને કે સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરાવનાર શખ્સને ૧૦ વર્ષની કેદ અને ૫૦ હજારના દંડની નવા કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે.
મધ્યપ્રદેશની કેબિનેટે મંજુરી આપેલા લવ જેહાદ કાયદામાં કુલ ૧૯ જોગવાઈ છે જે મુજબ ધર્મ પરિવર્તનના મામલે પીડિતાના પરિવારજનો ફરિયાદ કરશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. નવા કાયદાની જોગવાઈ મુજબ કોઈ શખ્સ સગીરા કે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની બાળકીને લલચાવી ફોસલાવી લગ્ન કરશે અને દોષિત ઠરશે તો તેને બેથી લઈ ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે. જો કોઈ શખ્સ ધન કે સંપતિની લાલચ આપીને કે ધર્મ છુપાવી લગ્ન કરશે તો તેના લગ્ન ગેરકાયદે ઠરશે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજયમાં બળપૂર્વક ધર્મપરિવર્તન કરાવવાની કોઈને મંજુરી આપવામાં નહીં આવે. લોભ, લાલચ, છેતરપિંડી કરી કોઈનું ધર્મ પરિવર્તન કરાવી નહીં શકાય. જો આવું થશે તો નવા કાયદા મુજબ આવું કૃત્ય કરનારને ૧૦ વર્ષ સુધીની કેદ અને ૫૦ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોતમ મિશ્રાએ જણાવ્યું હતું કે, રાજયમાં દેશના સૌથી કડક કાયદા કર્યા છે હવે આ નવા વિધેયકને વિધાનસભાના સત્રમાં મુકવામાં આવશે.
૨૮ ડિસેમ્બરથી મધ્યપ્રદેશ વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવશે. યુપીમાં આ અંગેનો જે કાયદો કરાવ્યો છે તેની સાથે કાયદાની સરખામણી થઈ શકે તેમ નથી પણ એ કાયદો આખા દેશમાં કડક છે.
લગ્ન વિચ્છેદના કેસમાં પણ બાળકોને સંપતિનો અધિકાર હશે માતા પણ જીવનનિર્વાહ ભથ્થા માટે હકદાર રહેશે. આ નવા કાયદામાં ૫૦ હજારના દંડની જોગવાઈ અંગે તેમણે જણાવ્યું કે આટલો મોટો દંડ રાખવામાં આવે તો લોકોમાં આવું કૃત્ય કરતા ડર પણ લાગે. ઉતરપ્રદેશ કેબિનેટે નવેમ્બર માસમાં જ લવ જેહાદ પ્રતિબંધનો કાયદો મંજુર કર્યો હતો. આ કાયદા મુજબ છેતરપિંડી કરી ધર્મ પરિવર્તનના કેસમાં ૧૦ વર્ષ સુધીની કેદ થઈ શકે છે. આ ઉપરાંત ધર્મ પરિવર્તન માટે જિલ્લા અધિકારીને બે માસ અગાઉ જાણ કરવી પડશે.