બુધવારે સંસદ ભવનની બહાર અને અંદરથી ધરપકડ કરાયેલા ચાર આરોપીઓની પોલીસ પૂછપરછ ચાલુ છે. પોલીસે આ ચાર વિરુદ્ધ યુએપીએ હેઠળ કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોએ આપેલી માહિતી મુજબ, આ ચાર લોકો દોઢ વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા અને ભગત સિંહના નામે બનેલા ગ્રુપનો ભાગ છે. ગુરુગ્રામમાં તેના ઘરેથી પોલીસે ધરપકડ કરેલ પાંચમો આરોપી વિક્કી શર્મા છે જ્યારે અન્ય આરોપી લલિત ઝા હજુ પોલીસની પકડમાંથી બહાર છે.
6 આરોપીઓ પૈકી 4ની ધરપકડ : ચોમાસુ સત્ર દરમિયાન સંસદની રેકી કર્યાનો ખુલાસો
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ગૃહમાં કૂદી ગયેલા મનોરંજન ડી અને સાગર શર્મા અને સંસદની બહાર વિરોધ કરનારા અમોલ શિંદે અને નીલમ આઝાદ થોડા દિવસો પહેલા અલગ-અલગ માધ્યમથી દિલ્હી પહોંચ્યા હતા. લલિત ઝા ચારેયને ગુરુગ્રામમાં તેના મિત્ર વિકીના ઘરે લઈ ગયો. લલિત ઝાએ બુધવારે સોશિયલ મીડિયા પર નીલમ અને અમોલનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં બંને સંસદની બહાર સ્મોક એટેક કરતા જોવા મળે છે.
સમાચાર અનુસાર આરોપીએ જાન્યુઆરીમાં જ સુરક્ષાનો ભંગ કરવાની યોજના બનાવી હતી અને મનોરંજન ડીએ ચોમાસા સત્ર દરમિયાન સંસદ સંકુલની રેકી કરી હતી. પ્રાથમિક પૂછપરછના આધારે, સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીઓએ દાવો કર્યો છે કે તેઓ વર્તમાન સરકારની કાર્યશૈલીથી ખુશ નથી અને મણિપુર, મોંઘવારી અને ખેડૂતોની સમસ્યાઓ અંગે દેશને સંદેશ આપવા માંગતા હતા.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મનોરંજનને તેમના સ્થાનિક સાંસદ પ્રતાપ સિંહાના અંગત સ્ટાફ સાથે સંકલન કર્યું હતું અને 14 ડિસેમ્બર માટે વિઝિટર પાસ માંગ્યા હતા. સત્તાવાર સ્ટાફે તેને મંગળવારે બોલાવ્યો અને 13મી ડિસેમ્બર સુધીમાં પાસ કલેક્ટર કરવા કહ્યું હતું. આ માટે તેઓ વિક્કીના ઘરેથી રેડિયો ટેક્સી દ્વારા સવારે સંસદ પહોંચ્યા હતા.