જરાસંઘ છલબલ દીખલાલે, અંતિમ વિજય હમારી હૈ ભીમ પરાક્રમ પ્રગટીત હોગા, યોગેશ્વર ગીરધારી હૈ ॥
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી અવિરતપણે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે શોભાયાત્રા તથા અન્ય કાર્યક્રમોની વણઝાર યોજવામાં આવે છે. આ અંતર્ગત ચાલુ ૩૩માં વર્ષે પણ ભવ્યાતિભવ્ય રીતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ મહોત્સવને ઉજવવામાં આવશે.
કાર્યક્રમની પૂર્વ તૈયારીરૂપે તથા માહોલને કૃષ્ણમય બનાવવા માટે ગત બુધવારના રાત્રે વિશ્વ હિન્દુ પરીષદ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ કાર્યાલય ખાતે યુવક મંડળો, લતા મંડળો વિગેરેના પ્રતિનિધિઓ કાર્યકરોની એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે વિહિપનાસર્વ ગોપાલજી, અશોકભાઈ રાવલ, ભુપતભાઈ ગોવાણી, હરીભાઈ ડોડીયા, હસુભાઈ ચંદારાણા, હરેશભાઈ ચૌહાણ, નિતેશભાઈ કથીરીયા, વિનુભાઈ ટીલાવત, કૃણાલભાઈ વ્યાસ વિગેરે પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
૩૨ વર્ષથી દર વર્ષે યોજાતી શોભાયાત્રામાં દર વખતે એક નવા જ સુત્રની જાહેરાત અને એક થીમની જાહેરાત કરવામાં આવે છે અને આ થીમ પર શોભાયાત્રાના મુખ્ય રથની કૃતિ બનાવવામાં આવે છે. તે વિષય આધારીત રથને શોભાયાત્રામાં સૌપ્રથમ સ્થાન આપવામાં આવે છે.
આ વખતે અવિરત ૩૩માં વર્ષે જન્માષ્ટમીની થીમ તથા સુત્રની ઘોષણા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ-૨૦૧૮ના વિશ્વ હિન્દુ પરીષદના ગુજરાત ક્ષેત્રના સંગઠન મંત્રી ગોવિંદજી દ્વારા કરવામાં આવી હતી. જેમાં આ વર્ષે જરાસંઘ છલબલ દીખલાલે, અંતિમ વિજય હમારી હૈ ભીમ પરાક્રમ પ્રગટીત હોગા, યોગેશ્વર ગીરધારી હૈ॥ ની જાહેરાત કરવામાં આવી છે.
આ વર્ષે લતા સુશોભન, ઝંડી સુશોભન, ફલોટના માધ્યમથી જોડાવવા માંગતા યુવક મંડળો, ગ્રુપોને જન્માષ્ટમી મહોત્સવ સમિતિ કાર્યાલય, ૮-મીલપરા, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ ખાતે સંપર્ક કરવા વિ.હિ.પ. રાજકોટ મહાનગર મંત્રી નિતેશ કથીરીયા દ્વારા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ કાર્યાલય મંત્રી કલ્પેશભાઈ મહેતાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.