ચાના ઉત્પાદનમાં વધુ ૧૦ ટકાનું ગાબડુ પડતા ભાવમાં તોળાતો વધારો
ભારે વરસાદના કારણે આસામ અને વેસ્ટ બંગાળમાં ચાના ઉત્પાદનમાં ૧૦ ટકાનું ગાબડુ પડી ગયું છે. અગાઉ પણ ચા ઉદ્યોગને ઓછા ઉત્પાદન અને બગડેલી ક્વોલીટીના કારણે ફટકો પડ્યો હતો. જેના પરિણામે ચાના ભાવમાં ૫૦ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. ચાની ક્વોલીટી મુજબ ભાવમાં વધારો નોંધાયો હતો.
ચાલુ વર્ષે મોંઘી થયેલી ચા હવે વધુ મોંઘી થવા જઈ રહી છે. લોકડાઉનના કારણે ચાના પાંદડાનું કટીંગ કરવાનું મોડુ થઈ ગયું હતું. જેથી કેટલીક ચાની ક્વોલીટી પણ બગડી હતી. આ ઉપરાંત ચાને વધુ પાણી નહીં અને વધુ તડકો પણ નહીં તેવું માપસરનું વાતાવરણ જોઈતું હોય છે પરંતુ હાલ ભારે વરસાદના કારણે આસામ અને પં.બંગાળમાં ચાના ઉત્પાદન પર પાણી ફરી વળ્યું છે. જુલાઈ મહિનાના અંત સુધીમાં ચાના ઉદ્યોગને મસમોટું નુકશાન જાય તેવી વકી છે.
ગત વર્ષે બંગાળ અને આસામમાં ૩.૭ કરોડ કિલો ચાનું ઉત્પાદન જાન્યુઆરીથી જૂન દરમિયાન થયું હતું. ચાલુ વર્ષે નિષ્ણાંતોના આંકડા મુજબ પ્રથમ છ મહિનામાં ચાનું ઉત્પાદન ૨.૩ કરોડ કિલો થશે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૧.૩ કિલો ચાના ઉત્પાદનની ઘટ પડશે. ચાની આવક ઓછી હોવાના કારણે થોડા સમય માટે ચાના ભાવમાં પણ વધારો થશે. કેટલીક પ્રકારની ચાના ભાવમાં તો ૬૦ ટકા સુધીનો વધારો થઈ ચૂકયો છે. આસામ અને પં.બંગાળમાં ચાના ઉત્પાદકોને કિલો દીઠ રૂા.૨૫ થી ૩૦નો વધારો કરવો પડે તેવી શકયતા છે. માર્ચ અને મે મહિનાના સમયગાળામાં મહામારીના કારણે શ્રમિકો ઓછા હોવાથી સંપૂર્ણ પાક લઈ શકાયો ન હતો. ઉલ્ટાની ક્વોલીટી ઉપર પણ અસર પડી હતી. સામાન્ય રીતે પ્રથમ બે પાકમાં આવેલી ચા સારી ગુણવતાની માનવામાં આવે છે. આ ચાની માંગ પણ વધુ હોય છે. મોટી કંપનીઓ આવી ચા ખરીદવાનો આગ્રહ રાખતી હોય છે. પરંતુ આ બે સીઝન નબળી જવાથી એકાએક ચાના ભાવમાં વધારો થવા પામ્યો છે. એટલે એમ કહી શકાય કે, કડવી બનેલી ચા હવે ઝેરી થવા તરફ છે.