મહામારીના સમયમાં લોકોએ આપેલો સહકાર દેશની સાચી ઓળખ, હવે દેશના વિકાસનો માર્ગ એકદમ ચોખ્ખો ચણાક
મહામારીના કારણે વૈશ્ર્વિક અર્થતંત્રની રણનીતિઓ બદલાઈ ચૂકી છે. ભારત વિશ્ર્વ ગુરૂ તરીકે ઉભરી આવે તેવી આશાઓ જાગી છે. આવા સમયે ભારતીય ઉદ્યોગપતિઓ પણ ભારત વિશ્ર્વ ગુરૂ બનશે તેવી અપેક્ષા રાખે છે. ત્યારે વર્તમાન સમયે ભારતમાં રોકાણ કરવાનો જે અવસર છે તેનાથી મોટો અવસર ક્યારેય નહીં મળે તેવું બિઝનેશમેન ગૌતમ અદાણીએ કહ્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ (એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦) સુધીમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ ૧૪.૨ ટકા સરી પડ્યો હતો. છેલ્લા દસકામાં સૌથી ઓછો વિકાસદર નોંધાયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સાથો સાથ આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સીઓ દ્વારા પણ સ્લોડાઉન રહેશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી હતી. ત્યારે બિઝનેશમેન ગૌતમ અદાણી વર્તમાન સમયને દેશમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ તક ગણાવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, ઘણા દેશોએ ભારત કરતા સારી સાધન સંપતિ હોવા છતાં કોરોના સામેના જંગમાં મોટી ખુવારી અનુભવી છે. ત્યારે કોરોનાને રોકવામાં ભારતના પગલા ઘણા અસરકારક નિવડ્યા છે. હજુ મહામારી સામે ઘણુ લડવાનું બાકી છે. મહામારીની અસર માત્ર ભારતને નહીં પરંતુ આખા વિશ્ર્વને થશે.
તેમણે ઉમેર્યું કે, મહામારીના કારણે બિઝનેશ ધંધાને નુકશાન થયું છે. અનેક લોકોએ નોકરીઓ પણ ગુમાવી છે. પરંતુ આફતને અવસરમાં બદલવાની તક છે. આપણા દેશના નેતાઓ, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ, આર્મી, નાના ફેરીયાઓ અને સામાન્ય નાગરિકોએ એકબીજાને આપેલો સહકાર ખરેખર ભારતની સાચી ઓળખ બની રહ્યો છે. આપણે હાલ જ્યાં ઉભા છીએ તેના પરથી જણાય આવે કે, ભૂતકાળ પોતાની આગવી અદાથી દોહરાવાશે. ભારતમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ તક ઉભી થઈ છે.
ભારત આગામી સમયમાં વિશ્ર્વમાં સૌથી ઉંચી માગનું કેન્દ્ર બની રહેશે. તેમણે કહ્યું કે, ઉત્પાદન અને સર્વિસ હબ બનવા પાછળ સરકારના નિર્ણયો જવાબદાર રહેશે. જો ભારતમાં મુડી રોકાણની કોઈ શ્રેષ્ઠ તક આજ સુધી સામે આવી હોય તો તે અત્યારની સ્થિતિ છે. નોંધનીય છે કે, ગૌતમ અદાણી અદાણી ગેસ લીમીટેડના ચેરમેન છે. ઉપરાંત અનેકવિધ ઉદ્યોગ-ધંધા અને સેવાઓ સાથે સંકળાયેલા છે. તેમણે આશાવાદ વ્યકત કર્યો હતો કે, મહામારીમાં જે ગુમાવ્યું છે તેનું કરેકશન ખુબજ ઝડપથી થશે. આગામી સમયે વિકાસનો પાથ એકદમ સ્વચ્છ રહેશે.