જામીન મેળવવા માટે ખોટું મેડિકલ સર્ટિફિકેટ આપનાર તબીબ અને હોસ્પિટલ વિરુદ્ધ તપાસના આદેશ આપતી હાઇકોર્ટ

તબીબી વ્યવસાયને લાંછન લગાડતો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જેમાં કેદીને જામીન પર છોડાવવા માટે કથિત બોગસ મેડિકલ સર્ટિફિકેટ તબીબ અને હોસ્પિટલ દ્વારા રજૂ કરાયાનું સામે આવ્યું છે. હાલ આ મામલે ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે સુરતના ડૉ. એમ એલ પટેલ અને ડ્રીમ્ઝ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કથિત બોગસ મેડિકલ સર્ટિફિકેટ જારી કરવા બદલ ડૉક્ટર અને કેદી સામે એફઆઈઆર નોંધવા અંગે વધુ તપાસનો નિર્દેશ આપ્યો છે. જરૂર જણાય તો તબીબ વિરુદ્ધ ગુન્હો નોંધવા પણ હાઇકોર્ટે આદેશ આપ્યા છે.

હોસ્પિટલ અને ડૉક્ટર સામે તપાસનો આદેશ આપ્યા બાદ કોર્ટે અનસ રંગરેઝ નામના એક વ્યક્તિની કામચલાઉ જામીન લંબાવવાની અરજીને ફગાવી દીધી હતી અને ખોટા મેડિકલ સર્ટિફિકેટના આધારે જામીન મેળવવા માટે અન્ડરહેન્ડ પ્રેક્ટિસનો આશરો લેવા બદલ તેના પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત માતાની સર્જરીના બહાને જામીન પર બહાર આવેલા કેદીને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

જસ્ટિસ નિઝર દેસાઈએ સુરત પોલીસ કમિશનરને 26 મેના રોજ આપેલા આદેશના જવાબમાં સુરત ક્રાઈમ બ્રાન્ચના અહેવાલ પછી તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

રંગરેઝ નામના એક કેદીએ ડૉ. એમ. એલ. પટેલનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું કે તેની માતાએ શસ્ત્રક્રિયાની જરૂર છે અને તેની અસ્થાયી જામીનની મુદત વધારવાની માંગ કરી હતી. અન્ય કેદી દિલીપ ગૌડાએ પણ ડૉ. પટેલનું પ્રમાણપત્ર આપ્યું હતું.  આ સર્ટિફિકેટમાં અલગ-અલગ હોસ્પિટલોના નામ હોવાનું ધ્યાને આવતાં કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચે તેનો રિપોર્ટ મૂક્યો હતો કે રંગરેઝની માતા તેની કથિત સર્જરીની તારીખ 5 જૂનના રોજ સુરત શહેરમાં ન હતી. તેણે 10 મે પછી ડૉ. પટેલનો સંપર્ક કર્યો ન હતો અને ડૉ. પટેલ માત્ર એમબીબીએસની ડિગ્રી ધરાવે છે અને શસ્ત્રક્રિયા માટે અધિકૃત નથી. તદુપરાંત આ પ્રમાણપત્રના સંબંધમાં તેને જે ફોન આવ્યા હતા તે ઓડિશાથી કરવામાં આવ્યા હતા.  પોલીસે અહેવાલ આપ્યો કે તેમને ડૉ. પટેલનું વર્તન “શંકાસ્પદ” લાગી રહ્યું છે.

કોર્ટે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું છે કે કેદી, ડૉ. પટેલ અને ડ્રીમ્ઝ હોસ્પિટલે અસ્થાયી જામીન અને એક્સ્ટેંશન મેળવવા માટે કોર્ટને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું હતું. વિષયની ગંભીરતાને ધ્યાનમાં લેતા કોર્ટે પોલીસ કમિશનરને આ વિષયની વધુ તપાસ કરવા અને જો જરૂર હોય તો ડૉક્ટર સામે ગુનો નોંધવા આદેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.