- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને પૂ.મોરારિબાપુ સહિતના મહાનુભાવોના આશિર્વાદ સાથે દીકરીઓને પિતાનો સાથ અને પતિનો હાથ મળ્યો
- આ લગ્ન અને એ પછી દીકરીની જવાબદારી એ એક સાધુ કાર્ય છે : પૂ.મોરારિબાપુ
- પર્યાવરણ સંરક્ષણના સામાજિક સંદેશ સાથે 50,000 તુલસીના છોડનું વિતરણ
પીપી સવાણી ગ્રુપ દ્વારા આજે ‘પિયરીયું’ નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં દીકરીઓએ આજે મહાનુભાવોની હાજરીમાં પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પી.પી.સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી. લગભગ 5275 દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે. આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું ક્ધયાદાન પણ કર્યું હતું.
પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે શનિવારની સાંજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સાકરના મંત્રી મુળુભાઈ બેરા, હર્ષભાઈ સંઘવી, પ્રફુલ્લભાઇ પાનસેરિયા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, જનકભાઈ તળાવીયા, મેયર દક્ષેશ માવાણી જેવા રાજકીય મહાનુભાવોની સાથે સંતો મોરારીબાપુ, સત સ્વામી, ઇન્દ્રભારતી બાપુ, નૌતમ સ્વામી, શેરનાથ બાપુ, સંતોષનાથ બાપુ, ગીરી બાપુ, પૂજ્ય પીપી સ્વામી જેવા સંતની સાથે આઇમા દેવળમા દિપાલી દીદી, પણ આશીર્વાદ આપવા પધાર્યા હતા.
સ્વાગત પ્રવચન મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ સમારોહ એ સમૂહ લગ્ન નથી આ મારી દીકરીઓના લગ્ન છે. એક પિતા તરીકે હું જયારે દીકરીઓના અભ્યાસ, આરોગ્ય સહીતની જવાબદારી ઉઠાવું છું એમ જ લગ્નની જવાબદારી એક પિતા તરીકે નિભાવું છું. મારી દીકરીને કરિયાવરમાં હું બાપ તરીકેની જવાબદારી આપું છું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ પ્રાસંગિક ઉદબોધનમાં સવાણી પરિવારની સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું કે, છેલ્લા 13 વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે 5274 દીકરીના પિતા બની ગયા છે. વર્ષ 2011 થી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિ:સ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. પોતે કમાઈને પોતે ખાવું એ પ્રકૃતિ છે, અન્યએ કમાયેલું ખાવું એ વિકૃતિ છે, પરંતુ પોતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ અર્જિત કરેલી સદ્દસંપત્તિને સામાજિક સેવા તેમજ પિતાવિહોણી દીકરીઓના જીવનમાં નવા રંગો પૂરવાની આગવી સંસ્કૃતિ એ ગુજરાતી મહાજનોની સખાવતી પરંપરાને ઉજાગર કરી છે.
મોરારીબાપુ જણાવ્યું હતું કે, મહેશભાઈ એ કાસ્ટને નહિ પણ રાષ્ટ્રને મહત્વ્ય આપ્યું છે. એટલે જ દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરી એમના આંગણેથી પરણી છે. બાપ તરીકે દીકરીની દેખભાળ રાખી તેમનાં સંતાનની અને એમના શિક્ષણ, આરોગ્યની સંભાળ છે એ મારા માટે સુખદ આશ્ચર્ય થયું છે. નવદંપતીને સમ્પન્ન અને પ્રસન્ન રહેવાના આશીર્વાદ આપ્યા હતા. એમને જણાવ્યું હતું કે આપણે ત્યાં ચાર ફેરાની પરંપરા છે એમાં સત્ય-પ્રેમ-કરુણા ભેળવી દઈએ તો સાત ફેરા થાય.
આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણના સામાજિક સંદેશ સાથે દરેક મહેમાનોને કુલ 50,000 તુલસીના છોડનું વિતરણ સાથે પર્યાવરણ અને અંગદાન જાગૃતિ’ના પ્લેકાર્ડથી લોકોને પ્રેરિત કરાયા હતા. આજે પ્રથમ દિવસે 55 દીકરીઓની વિદાય લીધી હતી. આવતીકાલે રવિવાર 15મી તારીખે બીજી 56 દીકરીઓ વિદાય લેશે.
સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પીને દંપતીએ ફેરા લીધા
પી.પી.સવાણી ગ્રુપ આયોજિત ‘પિયરીયું’ લગ્ન સમારોહમાં આજે બીજા દિવસે 56 દીકરીઓની વિદાય સાથે બે દિવસમાં 111 દીકરીઓએ સવાણી પરિવારના આંગણેથી ભાવસભર વિદાય લીધી હતી. પી.પી.સવાણી પરિવારે દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરીઓના લગ્નનું આયોજન કરી સામાજિક એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છેલ્લા દોઢ દાયકાથી પૂરું પાડે છે. આજે 15મી ડીસેમ્બર સરદાર પટેલની પુણ્યતિથી એ એમની પૂર્ણ કદની પ્રતિમા આગળ દરેક દીકરી અને જમાઈએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને એ પછી એમણે લગ્નવિધિમાં જોડાયા હતા. લગ્ન પહેલા સરદાર સાહેબને અંજલી આપવાની એક અનોખી ઘટના આજે પિયરીયું લગ્નસમારોહમાં બની હતી.
લગ્ન સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા પી.પી.સવાણી પરિવારના મહેશભાઈ સવાણી સમાજના આગેવાનોને દરવર્ષે સમાજ, ગામ, તાલુકો કે જીલ્લાના જે મિલન સમારોહ થાય છે એમાં પિતા વિહોણી દીકરીના લગ્નની શરૂઆત કરવાનું આહ્વાન કર્યું હતું. સ્નેહમિલનની સાથે લગ્નોત્સવ થતા થાય તો અનેક વિધવા અને અનાથની ખૂબ મોટી સેવા થશે.