“આ ગામની સીમમાં દર વર્ષે બે ચાર કાલરા (ખેતીની તૈયાર મોલાત)માં આગ લાગી સળગી જતા ખેડૂતો દુ:ખી હતા, તેનું જયદેવે કાયમી ધોરણે નિરાકરણ કર્યું !
એક દિવસ સવારના નવેક વાગ્યે લાઠી ફોજદાર જયદેવ ચાવંડ દરવાજે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફીસે બેઠો હતો. કોઈ કામ સબબ ગામના અગ્રગણ્ય વેપારી અંતુભાઈ ભાયાણી તથા ઓફીસ માલિક ઘનશ્યામસિંહ અને સાર્દુલભાઈ આહિર બેઠા હતા. દરમ્યાન એક ડબલ સવારી મોટર સાયકલ ત્યાં આવ્યુંને તે બે ખેડુતો જયદેવની પાસે કાંઈક ઉચાટ જીવે આવ્યા અને કહ્યું કે ‘સાહેબ પ્રતાપગઢ અમારી વાડીમાં મગફળીનાં કાલરાને કોઈકે રાત્રીનાં સળગાવી દીધું છે. અને રૂપીયા પચ્ચીસેક હજારનું કાલ‚ કે જેમાં મગફળી હતી. તે બળીને રાખ થઈ ગઈ છે. આથી જયદેવે પૂછયું કે ફાયર બ્રિગેડના બંબા બોલાવવા જરૂરી છે. આથી આ ખેડુતોએ કહ્યું ‘ના આગ તો રાત્રિના જ ઠરી ગઈ હશે આતો અમે સવારે વાડીએ જતા ખબર પડતા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને જતા હતા પરંતુ તમને યુનિફોર્મમાં જ અહિં બેઠેલા જોઈને થયું કે તમારા કાને પણ વાત નાખતા જઈએ.
જયદેવ જાણતો હતો કે બાબતો ગંભીર જ લાગે છે. તેથી ખેડુતો ને વધુ પુછપરછ કરી કેમકે આગથી બીગાડનાં ગુન્હા સામાન્ય રીતે વણ શોધાયેલ જ રહેતા હોય છે. કેમકે ગુન્હા કે બનાવ વાળી જગ્યાએ જે કોઈ થોડો ઘણો પુરાવો મળી શકે તેમ હોય તે પણ લાગેલી આગમાં નાશ પામે છે. છતા જયદેવે પુછી લીધું કે આરોપીઓના પગલા કે કાંઈ બીજી ચીજ વસ્તુ તે જગ્યાની આજુબાજુમાં પડેલી છે? આથી હોંશિયાર ખેડુતે કહ્યું ‘હા સાહેબ મગફળી કાઢી લીધા પછી જમીનમા દાતી મારી દીધેલી અને રાંપ પણ ફેરવેલી તેથી પોચી જમીનમાં સળગેલ કાલરાથી થોડે દૂરસુધી ગુનેગારોના પગલા પડેલા જણાય છે. આથી જયદેવે કહ્યું તો એમ કરો કે એક જણ કે જેને ફરિયાદ આપવાની છે તે અહી રોકાય ને મારી સાથે પોલીસ સ્ટેશને આવે અને બીજા તાત્કાલીક ગુન્હા વાળી જગ્યાએ જઈજે ગુનેગારોના પગલા પડેલા જણાય છે અને ખાસ તો જે ઉંડા પગલાની છાપો હોય તેની ઉપર તગારા કે તપેલા ઢાંકીને તેના ઉપર વજનદાર વસ્તુઓ મૂકી દેજો.
આમ કરવાનું કારણ એવું હતુ કે જેમ જેમ તડકો ઉપર પડતો જાય તેમ પગલામાં જે તે વ્યકિતની ખાસ પ્રકારની વાસ કે સ્મેલ હોય તે તડકાને હિસાબે ઉડી જતી હોય છે. વળી હજુ અમરેલીથી ડોગ સ્કોડને અહિં આવતા તો બપોરના બાર વાગી જશે અને પગલાની છાપ અદ્રશ્ય થઈ જશે. આ પોલીસના ડોગ સ્કોડના ડોગ ખાસ પ્રકારની તાલીમ પામેલા હોય છે.જે દરેક મનુષ્યની ઓળખ તેના શરીરની વાસ ઉપરથી ચોકકસ પણે કરી શકે છે. કેમકે કૂતરાની ધ્રાણેન્દ્રીય કુદરતે ખૂબજ સચેત બનાવેલ છે. વળી આ તાલીમ પામેલા કુતરાને તો વાતાનુકુલીત રહેઠાણમાં રાખવામાં આવે છે. અને એવો નિયમ છે કે બપોરના બાર વાગ્યાથી સાંજના સાડા ચાર પાંચ સુધી જેવી ઋતુતે પ્રમાણે ડોગને તડકામાં બહાર કાઢીને ટ્રેક (તપાસમાં દોડવવામા) કરાવવામાં નથી આવતા. આથી પગલા ને સાંજના પાંચ વાગ્યા સુધી એરટાઈટ ઢાંકવા જરૂરી હતા. જેથી ગુનેગારોની વાસ તેમાં જળવાઈ રહે. આથી એક ખેડુત મોટર સાયકલ લઈને પાછો પ્રતાપગઢ જવા રવાના થયો.
ટ્રાન્સપોર્ટ ઓફીસમાં બેઠેલા અંતુભાઈ શેઠ કહ્યું સાહેબ આ પ્રતાપગઢ ગામે દર વર્ષે મોલાત લેવાની સીઝન ઉપર અને ખાસ કરીને દિવાળી ટાણે સીમ વગડે રેઢા પડેલ કાલરા અને ખળામાં પડેલ તૈયાર માલમાં આગ લાગવાના બે ત્રણ બનાવ તો બને જ છે. પોલીસ ફરિયાદો પણ થાય છે. પણ કોઈ ગુનેગારો પકડાતા નથી અને આગ પણ બંધ થતી નથી બીજે કોઈ ગામે આવુ થતું નથી આથી તમે એવો કાંઈક દાખલો બેસાડો કે ગુનેગારો આ બિચારા ખેડુતોની આખા વર્ષની મોલાત ઉપર આગ લગાડીને ઘડીના છઠ્ઠા ભાગમાં રાખ કરી નાખે છે તે બંધ થાય. ઘનશ્યામસિંહે પણ વાતમાં ટાપશી પૂરાવી કે ‘હા સાહેબસાચી વાત છે. આનો કાંઈક કાયમી ઉપાય શોધો કે આગ જ લાગતી બંધ થાય ! જયદેવે કહ્યું કે પોલીસ વણશોધ્યો ગુન્હો શોધવા મહેનત તો કરતી જ હોય પણ આવા આગ થી બીગાડના ગુન્હામાં પૂરાવો પણ બળી જતો હોઈ આરોપીઓ ને પકડવા મુશ્કેલી રહે છે.
આ ગુન્હા રોકવા માટે તો જો આરોપી એક વખત પકડાય તોજ બીજો બનાવો અટકે અને તે માટે ફરિયાદી કાંઈક લાઈન દોરી આપે કે આંગળી ચીંધે; તો કોઈકને પૂછપરછ માટે બોલાવી શકાય. આથી હાજર રહેલો ખેડુત જ બોલ્યોકેસાહેબ અમારે કોઈ સાથે વાંધો નથી અને કોઈ ને જોયા પણ નથી તો શકદારમાં ખોટા નામો થોડા અપાય? જો ગુનેગાર સાબીત ન થાયતોએક નવુ વૈમનસ્ય અને દુશ્મની ઉભી થાય’ ખેડુતની વાત પણ સાચી હતી, ગામડામાં તો જો ભૂલે ચૂકે પોલીસમાં શકદાર તરીકે નામ ગયું તોશકદારપક્ષ ના લોકો એક બે વર્ષ નહિ પણ બે ત્રણ પેઢી સુધી આ શકદારમા નામ આપ્યાનોવાંધો યાદ રાખે છે અને વ્યવહારો તો બંધ થાય પણ આ વાંધો પણ ખૂબ લાંબો ચાલતા જીવવાની પણ મજા ચાલી જતી હોય છે. આથી જયદેવ પણ આવી બાબતોમાં ગામડાના લોકો વચ્ચે ખોટા અને બીન જ‚રી મનદુ:ખ ન થાય અને સુલેહ સંપ જળવાય રહે તેનું ખાસ ધ્યાન રાખીને જ ગુન્હાઓની તપાસ કરતો.
જયદેવે પોલીસ સ્ટેશને આવીને પ્રતાપગઢના ખેડુતની ફરિયાદ ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૩૫ મુજબની આરોપીઓનાનામ નમુદ વગરની નોંધી લીધી વળી એફ.આઈ.આર.માં ખાસ લખી લીધું કે ગુન્હાવાળી જગ્યાની નજીક આરોપીઓના પગલા થોડે દૂર સુધી પડેલા હોઈ તેને તગારાથી ઢાંકી ઉપર વજન મૂકીને આવેલ નો પણ ઉલ્લેખ કર્યો. જયદેવે એફ.આઈ.આર. નોંધીને ડોગ સ્કોડ તથા ફોરેન્સીક્સાયન્સ મોબાઈલ વાનને લાઠી મોકલવા માટે અમરેલી જિલ્લા પોલીસ વડાને વાયરલેસ મેસેજ મોકલી દીધો અને પોતે જીપમાં વિરસીંગ જમાદાર વિગેરેને લઈને પ્રતાપગઢ ગામની સીમમાં અવ્યો.
આ પ્રતાપગઢ ગામ પ્રસિધ્ધ રાજવી કવી અને તે સમયના લાઠીના રાજા સ્વ.સુરસિંહજી તખ્તસિંહજી યાને ‘કવી કલાપી’ના મોટા પુત્ર પ્રતાપસિંહના નામ ઉપરથી નવું વસાવેલું ગામ હતું. આજ ગામમાં કવી કલાપીના બીજા પુત્ર જોરાવરસિંહને બારસો વિઘા જમીન આપવામાં આવેલી પરંતુ જોરાવરસિંહજી રાજકોટની પ્રખ્યાત રાજકુમાર કોલેજના પ્રિન્સીપાલ તરીકે નિયુકત થતા તે જમીનમાં ખેતી અન્ય શ્રમજીવી પરિવારો કરતા હતા. ત્યારે તે સમયે સૌરાષ્ટ્રની સરકાર જમીન ટોચ મર્યાદાનો કાયદો લાવી. જેમાં કોઈ વ્યક્તિ અમુક મર્યાદા કરતા વધારે જમીન ધારણ કરી શકે નહીં. આમ કવી કલાપીના પુત્ર જોરાવરસિંહની જમીન ટોચ મર્યાદામાં ગઈ તેમ જયદેવને નગર શેઠે જણાવેલું.
આ કાયદો જે ભારતીય બંધારણમાં વ્યક્તિ મિલ્કત ધારણ કરવાનો હકક ધરાવવાનું જણાવે છે તેની વિરુધ્ધનો હતો. પરંતુ રાજકારણીઓ મતની લાલચે ગમે તે કરે. હાલમાં રાજયમાં કે કયાંય આવી ટોચ મર્યાદા નથી. રાજકારણીઓ ઉપરાંત ઉદ્યોગપતિઓ, વેપારીઓ પણ સેંકડો એકર જમીન ધરાવે છે. આ તો ટોચ મર્યાદા જે તે વખતે એક જ વખત લાગુ કરવામાં આવેલી. હાલમાં ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ વિગેરે જમીનદારો તેમની સેંકડો એકર જમીન ઉપર શ્રમજીવીઓ પાસે જ ખેતી કરાવે છે પરંતુ શ્રમજીવીઓને ઘર ખેડનો લાભ મળતો નથી ! આતો જે તે વખતે મતની લલસાએ લવાયેલ ટોચ મર્યાદા ધારો હતો. આજ રાજકારણીઓ પોતાના પગાર પેન્શન ભથ્થા માટે એક જુટ થઈને પોતે લાભ લે છે. પરંતુ મુળ મિલકતના માલિકો, રાજાઓના સાલીયાણા વિગેરે નાબુદ કરી નાખ્યા હતા !
આઝાદી આવી તે પહેલા સત્તાધારી અંગ્રેજોએ રાજકીય સ્વાર્થ માટે દેશના બે ટુકડા કર્યા ભારત-નાપાક અને પછી લોકશાહીના નામે રાજકારણીઓએ મત માટે આમ જનતામાં આવા અને બીજા અનેક ગતકડાઓ કરી વર્ગવિગ્રહ ઉભા કર્યા. હાલમાં પણ મત માટે સોશીયલ મીડિયા વિગેરેનો દૂરઉપયોગ કરી ગમે તેવું જનતાને ફસાવવામાં આવે છે !
આ ગુન્હા વાળી જગ્યા પ્રતાપગઢ ગામની દક્ષિણે દોઢેક કિલોમીટર દૂર આ ખેડુતની વાડીની બરાબર વચ્ચે આવેલી હતી જયાં કાલ‚ સળગી ગયેલાની રાખ પડી હતી અને ત્યાંથી થોડે દૂર શેઢા તરફ જતી દિશામાં બે તગારાથી પગલા ઢાંકેલા હોય તેમ જણાતું હતુ જયદેવે પંચો બોલાવીને ગુન્હા વાળી જગ્યાનું પંચનામું શ‚ કર્યું ત્યાં જ અમરેલીથી ડોગ સ્કોડ ખાસ વાહનમાં આવી ગયો. ડોગ હેન્ડલરે નીચે ઉતરી જયદેવને સલામ કરી અને તડકો તથા સમય જોઈને કહ્યું ‘સાહેબ અત્યારે ડોગ બરાબર ટ્રેક નહિ કરી શકે સાંજના ટાઢા પહોરે રાખીએ તો? જયદેવે કહ્યું બરાબર તમે લાઠી જાવ ડોગને દૂધ પાણી પીવરાવી તમે પણ જમીને વિશ્રામ ગૃહ પંહોચી જાવ સાંજે પાછા આવી જજો.
જયદેવે પંચનામુ કરી ને સાહેદો તથા ચતુર્સિમા વાળાઓના આડોશ પડોશ વાળાઓને પુછપરછ કરીને નિવેદનો નોંધી લીધા અને શકદારોના પગલા ઢાંકેલા જ રહેવા દીધા.સાંજ ના પાંચ વાગ્યે ફોરેન્સીક સાયન્સ મોબાઈલ વાન પણ આવી ગઈ જયદેવે પાછો જીપ લઈને ડોગ તથા એફ.એસ.એલ. મોબાઈલ લઈને પ્રતાપ ગઢ આવ્યો.
સૂર્ય પશ્ર્ચિમમાં અસ્તાચળ તરફ ઢળી રહ્યો હતો જયદેવે સૌ પ્રથમ ડોગ હેન્ડલર સાથે આ ગામના આજ પ્રકારનાં ગુન્હાઈત ઈતિહાસની ચર્ચાકરી અને કહ્યું આ ગામના ખેડુતોની કાયમી મુશ્કેલી એટલે કે દર વર્ષે કાલરામાં લાગતી આગ જે ખરેખર કોઈક વ્યકિત જ લગાવતો હતો તેનો શીલશીલો બંધ કરવા કાંઈક તો થોડુ ઘણું આડુ અવળુ કરવું પડશે અને આ પડકાર રૂપ પ્રશ્ર્ન નો ઉકેલ લાવવો જ પડશે. તેમ જણાવ્યું. હેન્ડલર ડોગ મણીને લઈને કાલ‚ સળગીને રાખ થઈ ગયું હતુ ત્યાં આવ્યો પણ ત્યાં રાખમાં તો કોઈ સ્મેલ લેવા જેવું કાંઈ હતુ જ નહિ ત્યાંથી થોડે દૂર તગારાથી ઢાંકેલ પગલા પાસે લાવી હેન્ડલરે તગા‚ ઉંચકીને ડોગ હુકમ કર્યો ‘સ્મેલ…. સ્મેલ ’ અને ડોગ મણીએ પગલાને બરાબર સુંધ્યું અને મણી ચાલ્યો બીજા તગારા પાસે તે તગા‚ ઉપાડી લેતા ત્યાં પણ ડોગે બરાબર સ્મેલ લીધી અને પછી ડોગ મણી વાડી પડાની બહાર શેઢા ઉપર આવ્યો ને શેઢાને ઓળંગીને પડતર રાવળી જમીનમા ચાલતો થયો.
આ જમીનમાં એક મોટી કાંટાળી કંથાર હતી તેની ફરતે ડોગ મણણી ચકકર લગાવવા માંડયો તમામે બારી કાઈથી કંથારમાં જોયું તો એક લાકડી જે ઝાડની ડાળીની ચટ્ટાપટ્ટાવાળી પડી હતી તેલાકડી બીજી લાકડીઓની સહાયથી કંથારના કાંટા હટાવી ને બહાર કાઢી આવી ચટ્ટાપટ્ટાવાલી લાકડી બનાવવાની તરકીબ એવી છેકે કોઈ ચોકકસ જોડની ડાળી કાપી તેડાળીના અમુક ચોકકસ અંતરેથીક છાલ તીક્ષ્ણ હથીયારથી કાઢી નાખવામાં આવે છે અને અમુક અંતરે છાલ રહેવા દેવામાં આવે છે. તે પછી આ લાકડીને ભઠ્ઠામાં કે આગમાં શેકવામાં આવે છે. પછી કાઢી લઈ જે છાલ કાઢવાની બાકી હોય તે પણ દૂર કરવામાં આવે છે. જેથી ભઠ્ઠામાં રહેલો ખૂલ્લો ભાગ કાળો પટ્ટાવાળો અને પાછળથી છાલ કાઢેલો ભાગ પીળો કે સફેદ જેવો રહે છે. આમ આ લાકડી કાયમી કુદરતી ચટ્ટાપટા વાળી બની ચોકકસ ઓળખ વાળી બને છે. અને આ આવી લાકડીઓ અમુક ચોકકસ જ્ઞાતિના માણસો જ રાખતા હોવાનો જયદેવને ખ્યાલ હતો.
કંથારમાંથી કાઢેલી લાકડીની ડોગ મણીએ બરાબર સ્મેલ લીધી અને વળી ચાલતુ થયું પણ મુખ્ય માર્ગ ઉપર આવી ડોગ એક બે ચકકર મારી ઉભુ રહી ગયું એટલે કે ત્યાંથી સ્મેલ મળતી ન હતી ગામ હજુ અહિંથી દોઢેક કીલોમીટર દૂર હતુ અને હવે ડોગ આગળ ટ્રેકીંગ કરતો જ ન હતો. આથી હેન્ડલરે પણ હાથ ઉંચા કરી દીધા કે બસ સાહેબ હવે મણી આગળ નહિ જાય કેમકે રસ્તા ઉપર સખત તડકો પણ પડયો છે. અને ઘણી હાલ ચાલ પણ થયેલી છે. તેથી મૂળ સ્મેલ જતી રહી લાગે છે. જયદેવે કહ્યું અરે યાર હજુ તો ગુન્હો ડીટેકટ કરવાનો છે. આમ નાસીપાસ થાવ તે કેમ ચાલે. તેમ કહી કંથારમાંથી મળેલ ચટ્ટાપટ્ટા વાળી લાકડી જીપમાં રાખી દીધી અને કોઈએ તેને અડકવું નહિ તેનીતાકીદ કરી દીધી.
હવે એફ.એસ.એલ.ના અધિકારીઓને ગુન્હાવાળી જગ્યાએ મેદાનમાં ઉતાર્યા અગાઉ જણાવ્યા પ્રમાણે આરોપીઓના પગલા સિવાય કોઈ બીજા પૂરાવો ન હતો. એફ.એસ.એલ. અધિકારીએ કહ્યું કે ‘આરસન કેસ’ (આગથી બીગાડ)ના ગુન્હામાં કોઈ પૂરાવો મળતો જ નથી સારૂ કર્યું તમે પગલા તો જાળવ્યા જયદેવે તેમને આ પગલાઓની છાપ (ફૂટપ્રિન્ટ) પ્લાસ્ટર ઓફ પેરીસથી ડેવલપ કરવા જણાવતા તેમણે સફાળાપૂર્વક બંને પગલાની છાપો પી.ઓ.પી.માં ઉપસાવી દીધી.
હજુ સાવ સાંજ પડી નહતી ખેડુતે ચા પાણીની વ્યવસ્થા કરી ચા-પાણી પીધા પછી જયદેવે જમાદાર વિરસીંગને કહ્યું શું લાગે છે. ગામના ઘણ (માલ ઢોર) ગામમાં પાછા સીમમાંથી આવી ગયા હશે? વિરસીંગે કહ્યું નકકી ન કહેવાય છતા હું મોટર સાયકલ લઈને ખાત્રી કરી આવું તેમ કહી તેણે અડધા એક કલાકમાં ચકકર મારીને આવીને કહ્યું બધો માલ પાછો આવી ગયો છે. અને માલને માલધારીઓએ પાછો પોત પોતાના જોખમાં પુરી દીધો છે.
આથી જયદેવે જીપ અને ડોગ સ્કોડનું વાહન લઈ પ્રતાપગઢ ગામના પાદરમાં જે બાજુ માલધારીઓના જોખ આવેલા હતા ત્યાં આવ્યો અને પેલી ચટ્ટાપટ્ટા વાળી લાકડી જીપમાંથી કાઢીને ડોગ મણીને ફરીથી તેની સ્મેલ અપાવી ટ્રેક કરવા માટે તૈયાર કર્યો મણી લાકડીની સ્મેલ લઈને ઉપડયો ઘેટા બકરાની જોખ તરફ જોખ બાવળ અને બોરડીના કાંટાળા ઝાંખરથી વાળેલો હતો તેમાં પાંચેક માલધારીઓ બેઠા બેઠા હોકાનો કશ ખેંચી રહ્યા હતા અને આખા દિવસનો સીમવગડે રખડયાનો થાક ઉતારી રહ્યા હતા.
પણ પોલીસને જોઈને તમામ ઉભા થઈ ગયા અને વિરસંગે જેવો જોખનો ઝાંપો ખોલ્યો તેવો જડોગ મણીઆ માલધારીઓ તરફ ગયો અને એક જણ તરફ ભયંકર રીતે ભસવા લાગ્યો અને તેના હાથની સાળ પકડવા જાવા મારવા લાગ્યો પણ હેન્ડલરે રસ્સી વડે પાછો ખેંચવા પ્રયત્ન કર્યો. માલધારી આ હુમલાથી બોલી ઉઠ્યો સાહેબ પહેલા આને આધો કરો બધુ સાચુ કહી દઉ છું કુતરો દૂર થતા જ તેણે રાહતનો દમ લીધો અને ચુપ થઈ ગયો પણ કોન્સ્ટેબલ રાજયગુ‚એ પેલી ચટ્ટાપટ્ટા વાળી લાકડી તેને બતાવી ને ઈશારો કર્યો આથી તે લાકડી જોઈને બધુ સમજી ગયો અને બોલ્યો ‘હા સાહેબ લાકડી મારી જ છે ભૂલ થઈ ગઈ પણ હું એકલો કયાં હતો.’
આ રીતે માલધારીએ તમામ હકિકત જણાવી દીધી વાંધામાં તો ખાસ કાંઈ હતુ નહિ પણ મગફળી ઉપાડી લીધા પછી ખેડુતે વાડીમાં ઘેટા બકરાનું ભેલાણ (ચરવા) કરવા દીધું નહિ અને વાડીબારોબાર ખેડી નાખી તે જણાવ્યું. આમ ડોગ મણી તો ગુન્હાવાળી જગ્યાએથી ચાલીને રસ્તા ઉપર આવીને વાસ (સ્મેલ) નહિ મળતા ત્યાંજ અટકી ગયેલો પણ જયદેવે તર્ક લડાવીને ડોગને ગામનાં પાદરમાં લઈ જઈ લાકડીની સ્મેલ ફરીથી આપી ટ્રેક કરાવતા ડોગે સાચો આરોપી પકડી પાડયો ડોગનું વિગતવારનું ટ્રેકીંગ પંચનામું કરીને એફ.એસ.એલ.ના અધિકારી પાસે આરોપીના પણ ફૂટપ્રિન્ટ લેવડાવ્યા.
તે પછી તો પ્રતાપગઢમાં બીજી કોઈ આગ લાગી નહિ અને વરસો વરસ લાગતી આગની પરંપરા પણ બંધ થઈ ગઈ. તે પછીના વર્ષોમાં જયારે જયદેવ કોર્ટ મુદતમાં લાઠી આવતો ત્યારે ચાવંડ દરવાજે ટ્રાન્સ્પોર્ટ ઓફીસમાં મિત્રો મળવા એકઠા થતા ત્યારે ખાસ અંતુભાઈ શેઠ હંસીને કહેતા કે બીજુ બધુ તો ઠીક તમે પ્રતાપગઢની આગ કાયમી ધોરણે ઠારી દીધી પછી કયારેય લાગી નથી અને પ્રતાપગઢના ખેડુતોને કાયમી શાંતિ થઈ ગઈ છે.