ગુજરાત સમાચાર
કચ્છના જિલ્લા મથક ભુજથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલું માધાપર ગામ આજથી નહીં પરંતુ 1934થી પ્રગતિશીલ છે. 1934માં તે સમયની ભવ્ય પ્રાથમિક શાળાનું નિર્માણ થયું ત્યારે લોકો તેને જોવા આવતા હતા. જ્યારે ભૂકંપમાં ગામને નુકસાન થયું હતું, ત્યારે તે સમયે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ એ જ શાળાને ફરીથી બનાવી હતી. આજે માત્ર આ ગામના લોકોની ગામમાં આવેલી બેંકોમાં જ 5000 કરોડ રૂપિયાથી વધુની થાપણો છે.
માધાપરના લેઉઆ પટેલ સમાજના વડા અને કચ્છના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય જયંતભાઈ માધાપરિયાએ જણાવ્યું હતું કે “ગામ છેલ્લા પાંચ દાયકાથી સમૃદ્ધ છે. 1975માં લોકો પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવતા હતા, તે સમયે આખા ગુજરાતની પોસ્ટ ઓફિસમાં સૌથી વધુ થાપણ માધાપર ગામની હતું અને તે રકમ હતી 500 કરોડથી વધુ રૂપિયા. અને આજે 2024માં ગામની 13 બેંકોમાં 5000 કરોડથી વધુની થાપણો છે. મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં હશે તે અલગ.”
કચ્છ જિલ્લાનાં 18 ગામોમાં આવેલું માધાપર ગામ છે, જેમાં ગામની સરેરાશ વ્યક્તિની માથાદીઠ ડિપોઝિટ આશરે રૂ. 15 લાખ છે. ગામમાં 17 બેન્કો સિવાય સ્કૂલ, કોલેજ, સરોવર, હરિયાળી, ડેમ, આરોગ્ય સુવિધા અને મંદિર છે. આ ગામમાં એ અત્યાધુનિક ગૌશાળા છે.
ગામમાં આટલો બધો પૈસો અને સમૃદ્ધિ કેમ છે ?
1940થી લેઉઆ પટેલ સમાજના પરિવારના યુવાનો અમેરિકા, ઈંગ્લેન્ડ, આફ્રિકા, દુબઈ, કેનેડા જેવા દેશોમાં જઈને પૈસા કમાવાની શરૂઆત કરી .પહેલા તેઓ પોસ્ટ ઓફિસમાં જમા કરાવતા હતા અને 1990 પછી જ્યારે બેંકો આવવા લાગી ત્યારે બેંકોમાં સીધા વિદેશથી પૈસા આવવા લાગ્યા. આજે મોટી ખાનગી અને સરકારી સહિત 13 બેંકો છે. હવે ગ્રામજનો શેરબજારમાં અને મ્યુચલ ફંડમાં પણ રોકાણ કરે છે.”
હવે ગામ એક લાખની વસ્તી ધરાવતું મોટું થયું છે. ભૂકંપ બાદ માધાપરમાં અનેક લોકો સ્થાયી થયા હતા. આજે ગામમાં આધુનિક ગૌશાળા, રમતગમત સંકુલ, મંદિર, ચેકડેમ, શાળા સહિતની તમામ સુવિધાઓ છે. મોટાભાગના લોકો ખેતી કરે છે. લંડનમાં માધાપર વિલેજ એસોસિએશનની પણ રચના કરવામાં આવી છે જે ગામને દરેક રીતે મદદ કરે છે.ભારતે 1971માં પાકિસ્તાન સામે યુદ્ધ કર્યું હતુ,અને જીત્યું હતું. ભુજમાં જ્યારે પાકિસ્તાને એરસ્ટ્રીપ પર હુમલો કરી નુકસાન પહોંચાડ્યું ત્યારે માધાપર ગામની મહિલાઓએ એરફોર્સને રનવે બનાવવામાં મદદ કરી હતી. અજય દેવગન અને સોનાક્ષી સિન્હાની ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ ફિલ્મ પણ તેના પર બની છે.