‘અમારા ગામને ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટની ઉત્તમ સુવિધા ઉભી કરી કોરોનામુક્ત બનાવીશું’: સરપંચ પ્રતાપભાઈ મહીડા
વિઠ્ઠલપુર ગામના સરપંચે જણાવ્યું હતું કે, આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમારા ગામને ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટની ઉત્તમ સુવિધા ઉભી કરી ગામને કોરોનામુક્ત બનાવીશું. વિઠ્ઠલપુર ગામ કોરોનાને લઇ બહુ સાવેચેતી રાખે છે. ગામને સેનેટાઇઝ કરવા ઉપરાંત કોરોનાના નાશ માટે નાસ કેન્દ્ર, ઓક્સીજનની તંગી વચ્ચે કોઇ જાનહાની ના થાય તે માટે 10 ઓક્સીજન બેડ સાથે જુના આરોગ્ય કેન્દ્ર ખાતે કોવીડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. દરરોજ લોકોને વેકસીનેશન માટે અને કામ વગર ઘરની બહાર ન નીકળે અને માસ્ક પહેરે તે માટે માઇક દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે. તેમજ આરોગ્યના કર્મચારી સાથે લોકોના ઘરે-ઘરે જઇ ઘરમા રાખવાની થતી તકેદારી તથા ઉકાળા વીશે માર્ગદર્શન આપવામાં આવે છે. ગામના લોકો પણ સહયોગ આપતા વેકસીનેશન માટે આગળ આવે છે અને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પણ ચુસ્તપણે પાલન કરે છે. ગામમાં કોઇ માસ્ક વગર વ્યક્તિ જોવા મળે તો તેમની પાસે રૂા.500 પંચાયત દ્વારા દંડ લેવામાં આવે છે. આ ગામમાં જો બહારના કોઇ વ્યક્તિ આવે તો કોરોનાટેસ્ટ કરીને જ પ્રવેશ આપવામાં આવે છે.
3000ની વસ્તી ધરાવતું કોડીનાર તાલુકાનું વિઠ્ઠલપુર ગામ મારૂ ગામ
કોરોનામુક્ત ગામ સુત્રને સાર્થક કરવા કટિબધ્ધ છે.
ગામના જ રહેવાશી ડો.હાર્દીકભાઇ પરમાર અને આશાબેન પરમાર કોવીડ સેન્ટરમાં આવેલા દર્દીઓને તેમજ ગામમા જે લોકોને કોરોના લક્ષણો વર્તાય તેઓને આરોગ્યની વિનામુલ્યે સારવાર સેવા આપે છે. આ જ ગામના રહેવાશી નયનભાઇ નાનજીભાઇ ગોહીલે કોવીડ સેન્ટરમાં ઓક્સીજન કીટ સહિત એક ઇકો ગાડી કોરોનાકાળ માટે સેવામાં આપેલ છે. જેથી દર્દીઓને સરકારી દવાખાનામાં અથવા બીજી કોઇ વધુ આરોગ્યલક્ષી જરૂરીયાત માટે રીફર કરવામા કોઇ મુશ્કેલી ના પડે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિઠ્ઠલપુર ગામ જિલ્લા માટે પ્રેરણારૂપ બન્યું છે. દરેક ગામ જો તંત્રના સહયોગથી અને જાગૃતતા સાથે આ અભિયાનમાં જોડાય અને ગ્રામજનો જો પુરેપુરો સહકાર આપે તો દરેક ગામ કોરોનામુક્ત ગામ બનશે અને મુખ્યમંત્રીના આ રાજ્યવ્યાપી અભિયાનને ખરાઅર્થમા સાકાર કરી શકાશે.