મનુ કવાડ, ગીર ગઢડા: ભારત આઝાદ થયું તેને આજે 74 વર્ષ થયા. આઝાદીની સાથે બધાને સમાનતા અને સ્વતંત્રતાના હકો આપવામાં આવ્યા. જેમાં બધા લોકો સરખા હોય, બધાની એક સાથે પ્રગતિ થાય. પરંતુ હાલ ઘણા એવા ગામો છે, જ્યાં હજી પણ ઘણા બધા હકો આપવામાં નથી આવતા, ત્યાં આજના જમાનાની ટેક્નોલોજી નથી. આવું જ એક ગામ ગીર જંગલના વિસ્તારોમાં જોવા મળ્યું છે. જે આજે પણ ઓગણીસમી સદીમાં જીવે છે.
જસાધાર રેન્જમાં આવેલ ધોડાવડી ગામ સરકારી સેવાઓથી વંચિત છે. જંગલ ખાતાના કાયદા હેઠળ જીવતા લોકો આજે પણ ઓગણીસમી સદીમાં જીવી રહ્યા છે. જંગલ ખાતાના કાયદા એવા છે કે, એક ને ગોળ ને એક ને ખોળ આપવામાં આવે છે. જંગલ ખાતાના અધિકારીઓ માટે બંગલા બનાવવા ની છુટ છે. આ બાબતે ધોડાવડી ગામના (500/700ની વસ્તી) લોકો આવાજ ઉઠાવે તો તેની સાથે અંગ્રેજો જેવુ વર્તન કરવામાં આવે છે.
આતે કેવો ન્યાય કહેવાય કે, ભારતના નાગરિક હોવા છતાં અંગ્રેજોના રાજમાં જીવતા હોય તેવુ લાગી રહ્યુ છે. ગામ લોકોનું કહેવું છે કે, જયારે તેની ઘરે કોઈ મહેમાન આવે તો જંગલ ખાતાના અધિકારીઓ જાણે મહેમાનો પાકિસ્તાનની બોર્ડર પાર કરીને આવ્યા હોય તેવું વર્તન કરે છે.’
આ ગામમાં નેતાઓ ફક્ત ચૂંટણી વખતે આવે છે, અને મત લેવા માટે ગામ લોકોને ખોટા વાયદાઓ કરે છે. આ ગામમાં સુવિધાની વાત કરીયે તો અહીંયા મોબાઈલ નેટવર્કની સુવિધા પણ નથી. આ સાથે પાણીનો બોર, લાઈટ કે, રોડ રસ્તાની સુવિધા આજના યુગ જેવી ઉપલ્ભધ નથી. આ બધા વચ્ચે ગામ આખું ઓગણીસમી સદીમાં જીવી રહ્યું છે.