26મી જાન્યુઆરીનાં રોજ એક ખાસ ગુજરાતી ગીત રિલીઝ થવાનું છે,જે તમને અખંડ દેશભક્તિનાં જુસ્સા સાથે ભરી દેશે.ગણતંત્ર દિવસ નિમિતે દેશને નામ એક સંદેશ આપવાના હેતુથી ગુજરાત ના જાણીતા અભિનેતા – અભિનેત્રીઓને આવરીને એક ખાસ ગીત રજૂ થઇ રહ્યું છે.
જાણીતા ફિલ્મ પ્રોડયુસર મુન્ના શુકુલ અને જયેશ પટેલ દ્વારા શુકુલ મ્યુઝીકની આ ખાસ દેશભક્તિથી ભરપૂર પ્રસ્તુતિ છે. આ ‘વંદેમાતરમ’ સોંગ દ્વારા દેશની અખંડતા અને ગરિમાનું રક્ષણ કરતા તથા સરહદ પર આપણી રક્ષા કરી રહેલા આપણા બહાદુર સૈનિકો ને આપણા દેશના જાગૃત નાગરિકો તરફથી તહેદીલથી આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.
આ ગીતમાં જાણીતા ગુજરાતી કલાકાર એવા મલ્હાર ઠાકર, યશ સોની, રોનક કામદાર, મિત્રા ગઢવી, મયૂર ચૌહાણ, ગૌરવ પાસવાલા, મનન દેસાઇ, સ્મિત પંડ્યા, ઓજસ રાવલ, દિપ વૈદ્ય, ઓમ ભટ્ટ સાથે ખાસ ગુજરાતી અભિનેત્રીઓમાં તર્જની ભડલા, આરોહી પટેલ, એશા કંસારા, સર્વરી જોષી અને નેત્રી ત્રિવેદી જોવા મળશે. કેદાર ઉપાધ્યાય અને કુશાલ ચોક્સીએ આ ગીતમાં મ્યુઝિક આપ્યું છે. તેમજ ગીતના ગાયક એન્ડ કંપોઝર છે આદિત્ય માધવાણી.
મહત્વનું છે કે, દેશ 72મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે , જે ભારતમાં બંધારણનાં અમલની ખાસ ઘટનાને ઉજવતો દિવસ છે.