દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ફટાકડા બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટમાં અવનવા ફટાકડા આવી ગયા છે. જેમાં એન્ગ્રીબર્ડ, જો બકાની નવી વેરાઈટી માર્કેટમાં આવી ગઈ છે. જોકે બીજી તરફ ચાઈનીઝ ફટાકડાની મનાઈ અને GSTના કારણે આ વર્ષે અંદાજિત 40 ટકા જેટલો ધંધો ઓછો થયો હોવાનું ફટાકડાના વેપારીઓ જણાવી રહ્યા છે. તેમ છતાં રાજકોટવાસીઓ અંદાજે 4 કરોડના ફટાકડા ફોડશે તેવું પણ માની રહ્યા છે.
તો આ તરફ દિવાળી પર કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે ફાયર બ્રિગેડ પણ સજ્જ થઈ ગયું છે. આગામી 17થી 20 ઓક્ટોબર સુધી ફાયર બ્રિગેડનો 200 જેટલો સ્ટાફ 24 કલાક ખડેપગે રહેશે. અને ફટાકડાના સ્ટોલ પર કોઈ કારણોસર આગની ઘટના ન બને તેમજ આગની કોઈ ઘટના બને તો તાત્કાલિક જરૂરી સાધનો ઉપલબ્ધ રહે તે માટે ફટાકડાના વેપારીઓ પાસે ફાયર NOC લેવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા ફટાકડાના દરેક સ્ટોલ પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.