ગઈકાલે રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. ઉનાળાની અસહ્ય બનેલા લોકોને હવે રાહત મળે તેવો વરસાદી માહોલ પ્રિ-મોન્સુન એક્ટિવીટી શરૂ થતાં જ ઉભો થયો છે. રાજ્યમાં ગઈકાલથી જ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના 35 તાલુકામાં અડધાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, બહુચરાજી, પાટણ, ભરૂચ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા અને સાબરકાંઠામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારતમાં જુનથી સપ્ટેમ્બર સુધી ચાલતા નૈઋત્ય ચોમાસાની એન્ટ્રી કેરળથી થાય છે ત્યારબાદ ગુજરાત સુધી પહોંચવામાં તેને 20 દિવસ લાગે છે. ચાલુ વર્ષે વાવાઝોડાના કારણે ગુજરાતમાં ચોમાસાની આગાહી 20 જૂન બાદ કરવામાં આવી રહી છે.
રાજ્યમાં આજે ઉત્તરીય જિલ્લામાં એકાએક વાતાવરણ બદલાયું હતું અને 35 તાલુકામાં અડધાથી અઢી ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. યાત્રાધામ બહુચરાજીમાં એકાએક વાતાવરણ પલ્ટાની સાથે વરસાદ શરૂ થયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજે વહેલી સવારે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલ્ટાની સાથે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. હિંમતનગર, ઈડણ, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. બાજરી જેવા ઉનાળુ પાકને માવઠાથી નુકશાનીની ભીતિથી ખેડૂતો ચિંતીત બન્યા હતા.
બનાસકાંઠામાં પ્રિ-મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે ગત રાત્રે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભાદર ગામે રાતના 1 કલાક સુધી ભારે પવનથી મકાનના પતરા ઉડ્યા હતા. વરસાદ અને વાવાઝોડાના લીધે ખેતરમાં એક ગાયનું મોત નિપજયું હતું. બનાસકાંઠા જિલ્લામાં દાતા, અમીરગઢ, ધાનેરા, લાખણી, દિયોદર સહિતના પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો જેથી બાજરી અને મગફળીના પાકને નુકશાન પહોંચ્યું હતું.
આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારમાં હવામાનમાં પલ્ટો આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારે પલ્ટો આવતા કમોસમી માવઠુ પડ્યું હતું. બે દિવસના ભારે ઉકળાટ બાદ એકાએક આજે વહેલી સવારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યું હતું. જિલ્લાના શહેરા, મોરવાહડફ અને ગોધરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અરવલ્લીના મોડાસા, મેઘરજ, ભીલોડા, ધનસુરા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બીજીબાજુ ઉત્તર ગુજરાતના પાટણમાં મધ્ય રાત્રીએ જોરદાર ઝાપટું પડ્યું હતું. છોટાઉદેપુરમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સવારથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. આ ઉપરાંત દાહોદના સંજેલી, લીંમડી, લીમખેડામાં વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટીની અસરતળે વરસાદનો પ્રારંભ
રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગત મોડી રાત્રે અને આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠા, હિંમતનગર, બનાસકાંઠા, પાટણ, ભરૂચ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જો કે હજુ સૌરાષ્ટ્રમાં કોઈ વરસાદી માહોલ સર્જાયો નથી. જો કે, રાજ્યભરમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટીની અસરતળે ધીમે ધીમે સમગ્ર વિસ્તારમાં વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા શકયતા છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે અને 15 જૂનથી 20 જૂન વચ્ચે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસુ બેસશે તેમ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.