જિલ્લા અને રાજયકક્ષાએ ગ્રાન્ટ ઇન હાઇસ્કુલ શ્રેષ્ઠ શાળા તરીકે ઉપસી આવવા માટે પ્રેરાય તે માટેના પ્રોત્સાહક ઇનામ આપવાની સરકારી યોજના અંતર્ગત વર્ષ 2020-21 માટે જામનગર જિલ્લાની જી.એમ. પટેલ ક્ધયા વિદ્યાલયે સમગ્ર ગુજરાત રાજયમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે. ધોરણ 9થી 12ના કુલ 29 વર્ગો ધરાવતી આ શાળાને રાજયભરમાં દ્વિતીય નંબર આવતા રૂપિયા 3 લાખ (રાજયકક્ષાએ) 1 લાખ (જિલ્લા કક્ષાએ)પ્રોત્સાહક ઇનામ શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડના પરિણામો તથા સહ અભ્યાસિક પ્રવૃતિઓને તથા કોરોના કાળમાં દીકરીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું જેવા મુદાઓ ધ્યાને લેવામાં આવ્યા હતા.
જામનગર માટે ગૌરવ કહી શકાય તેમ આ શાળા દ્વિતીય નંબરે આવતા જિલ્લા શિક્ષણધિકારી કચેરી-જામનગર ની નોંધ લેવામાં આવી છે. જી.એમ. પટેલ ક્ધયા વિદ્યાલય ધ્રોલના આચાર્યા વિજયાબેન અશોકભાઇ છત્રોલાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતુ કે શ્રેષ્ઠ શાળાની દરખાસ્ત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આવેલ પરિપત્રોમાં વિવિધ પ્રશ્ર્નોના વિગતવાર સચોટ જવાબ સાથે, પ્રેસનોટ, ફોટા વગેરેનો સમાવેશ કરીને 50 પાનાની ફાઇલ બનાવીને રજુ કરવાની હોય છે. કલર પ્રિન્ટ કરીને ફાઇલ તથા પ્રેઝન્ટેશનની ઉત્કૃષ્ટ કામગીરી શાળાના કમ્પ્યુટર શિક્ષકો દ્વારા શાળા પર જ કરવામાં આવી હતી. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં શાળામાં કેવી કેવી સહઅભ્યાસિક પ્રવૃતિઓ અને શિક્ષણ આપવામાં આવ્યું? શાળાની ભૌતિમ સુવિધા શાળા ભાવાવરણ, રમતગમત પ્રવૃતિઓ, સાંસ્કૃતિક, સામાજિક, ધામિક, વિજ્ઞાનની પ્રવૃતિઓ વગેરે જેવા અનેક મુદ્દાઓના સમાવેશ કરવામાં આવ્યો હતો. શાળાની વિદ્યાર્થીઓ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં રાજય અને રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર રહી છે.
ખાસ કરીને કોરોનાના સમયમાં સંસ્થાઓ પોતાની ‘એજયુકેશન ઓન ધવે’ ચેનલના માધ્યમ દ્વારા 1800 જેટલા વિડીયો બનાવીને 1400 જેટલી દિકરીઓને યુ ટયુબના માધ્યમથી શિક્ષણ ચાલુ રાખ્યું હતું. તેની પણ નોંધ લેવામાં આવી. આ ઉપરાંત કોરોના સમય દરમિયાન ઇતર પ્રવૃતિઓ ઓનલાઇન કરાવવામાં આવતી હતી. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ, કારોબારી સદસ્યે જિલ્લા શિક્ષણધિકારી એસ.એલ. ડોડીયા તથા ડીઇઓ કચેરીનો સ્ટાફ, કર્મયોગી શિક્ષકમિત્રો બિનશૈક્ષિણક સ્ટાફ તથા વહાલી દીકરીઓનો આભાર વ્યકત કર્યો હતો.
ગુજરાતભરમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બી.એચ. ઘોડાસરા જેરામભાઇ વાંસજાળીયા, ડાયાભાઇ ભીમાણી, ભગવાનજી ભાઇ કાનાણી, ડો. આર.સી. ભુવા, ગોવિંદભાઇ અમૃતિયા, રૂગનાથભાઇ સંતોકી, રમેશભાઇ રાણીયા, ધરમશીભાઇ બોડા, રમેશભાઇ ઝાકાસણીયા, ભીમજીભાઇ ચનિયારા તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સદસ્યોએ શાળાના આચાર્યા વિજયાબેન એ. છત્રોલા તથા સ્ટાફગણ અને વિદ્યાર્થીનીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.