અમુક દેશોમાં નવા વાયરસ મંકીપોક્સના કેસોની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર અને ICMRને સ્થિતિ પર સતર્ક રહી નજર રાખવાના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એરપોર્ટ અને પોર્ટના સ્વાસ્થ્ય અધિકારીઓને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. એક સત્તાવાર સૂત્રએ કહ્યું કે, તેમને નિર્દેશ આપવામા આવ્યા છે કે, મંકીપોક્સ પ્રભાવિત દેશોમાંથી મુસાફરી કરીને આવેલા બિમાર મુસાફરોને અલગ રાખવામાં આવે અને તેમના ટેસ્ટ કરીને પુણેની નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીની BSL4 સુવિધાને મોકલવામાં આવે. તેમણે કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રીએ ગુરૂવારે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર અને ICMRને ભારતમાં આવેલા સ્થિતિ પર કડક નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
દુનિયાના અમુક દેશોમાં મંકીપોક્સ વાયરસના વધતા કેસોએ ચિંતામાં વધાર્રો કર્યો છે. આ તમામની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે તાકીદે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ મીટિંગનો મુખ્ય એજન્ડા આ વાયરસના ટ્રાંસમમિશનના કારણો અને માધ્યમ પર ચર્ચા કરવાનો રહેશે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સમલૈંગિક લોકોની વચ્ચે આ વાયરસના પ્રસાર થવાનો સૌથી વધારે ખતરો છે. રશિયાની એક ન્યૂઝ એજન્સીએ શુક્રવારે આ પ્રકારનું તારણ કાઢ્યું હતું. મે મહિનાની શરૂઆતમાં બ્રિટેન, સ્પેન, બેલ્ઝિયમ, ઈટલી, ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહિત કેટલાય દેશોમાં મંકીપોક્સ વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.
વૈજ્ઞાનિકોના મતે મંકીપોક્સ શીતળાના વાયરસના સાથે સંબંધિત છે. જો કે તે બહુ ગંભીર નથી અને નિષ્ણાતો કહે છે કે, ચેપની શક્યતા ઓછી છે. તેના શરૂઆતી લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સોજો, પીઠનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને સામાન્ય સુસ્તીનો સમાવેશ થાય છે.
જાણો મંકીપોક્સના લક્ષણો
એકવાર તાવ ઉતરી ગયા પછી, આખા શરીરમાં ફોલ્લીઓ થઈ શકે છે. આ ફોલ્લીઓ ઘણીવાર ચહેરા પર શરૂ થાય છે, પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે, સામાન્ય રીતે હાથની હથેળીઓ અને પગના તળિયા. ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી મંકીપોક્સ થઈ શકે છે.
મંકીપોક્સ વાયરસ ત્વચા, શ્વસન માર્ગ અથવા આંખો, નાક અથવા મોંઢા દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. તે વાંદરાઓ, ઉંદરો અને ખિસકોલી જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્ક દ્વારા અથવા વાયરસથી દૂષિત વસ્તુઓ, જેમ કે પથારી અને કપડાંના સંપર્ક દ્વારા પણ વાયરસ ફેલાય છે.