થોડા સમયથી ભારત અને ચીનના સંબંધો ગૂંચવણમાં રહ્યા છે. પરંતુ હવે ભારત અને રશિયા વચ્ચે હવે સંબંધોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે, જેની અંદર ખાદ્યચીજોની જરૂરિયાતો પૂરી કરવા માટે ભારત અને રશિયા વચ્ચે ખેતીની નવી યોજના સાકાર થઈ રહી છે. આ યોજના માટે તાજેતરમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને રશિયાના નાયબ વડા પ્રધાન દિમિત્રી રોગોજિન વચ્ચે ચર્ચા થઈ હતી.
આ બંને નેતા વચ્ચે થયેલી ચર્ચા મુજબ ભારત રશિયામાં પડતર પડેલી જમીન પર ખેતી કરી પોતાના દેશ માટેની ખાદ્યચીજોની જરૂરિયાતોને પૂરી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ અંગે બંને દેશ વચ્ચે અગાઉ પણ વાત થઈ છે.
આમ પણ ચીન પહેલાંથી જ રશિયામાં પોતાની જમીન લઈ તેમની વસ્તી માટે અનાજ અને શાકભાજી તેમજ ફળની ખેતી કરી રહ્યું છે અને હવે આ જ રીતે ભારત પણ દેશવાસીઓની ખાદ્યચીજોની જરૂરિયાતો માટે રશિયામાં ખેતી કરવા માગે છે.
આ અંગે તાજેતરમાં જ આ બંને નેતાઓ વચ્ચે મળેલી બેઠકમાં કૃષિને લગતી બાબતો પર ખાસ ભાર મૂકીને તેને લગતાં તમામ ક્ષેત્રમાં સહયોગ આપવા માટે સમિતિની રચના કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કૃષિ અને ફાર્માસ્યુટકલ્સ એમ બે જ એવાં ક્ષેત્ર છે કે જે આવનારા દિવસોમાં ભારત અને રશિયાના સંબંધોને નવી દિશા આપશે. ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અત્યાર સુધી સંરક્ષણ અને ઊર્જા સુધી જ સીમિત રહ્યાં છે અને તેથી જ હવે બંને દેશ તેમના સંબંધોને નવી દિશા આપવા માગે છે.
થોડા સમય પહેલાં ભારતમાં દાળની અછત ઊભી થઈ હતી ત્યારે ભારતે મ્યાનમાર, મોઝામ્બિક અને નાિમબિયાની સરકાર સાથે વાત કરી હતી અને તે મુજબ હવે ભારત રશિયાની પડતર જમીન પર તેમના દેશના લોકોની ખાદ્યચીજોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખેતી કરી આગળ વધવા માગે છે, જોકે આ ઉપરાંત ભારત થાઈલેન્ડ, મલેશિયા અને ઈન્ડોનેશિયા સાથે પણ ચર્ચા કરી રહ્યું છે. તે દિશામાં હવે રશિયા સાથે આગળની યોજના અંગે ભારત તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.