કેન્દ્રીય સેન્સર બોર્ડે નામ બદલવાની શરત સાથે ફિલ્મને યુ/એ સર્ટીફીકેટ આપીને રજુઆત માટે મંજુરીની મહોર મારી
કેન્દ્રીય સેન્સર બોર્ડ (સીબીએફસી)એ અંતે આજે બપોરે આ લખાય છે ત્યારે ફિલ્મ પદ્માવતીને યુ/એ સર્ટીફીકેટ સાથે રજુઆત માટે મંજુરી આપી દીધી છે. જોકે ફિલ્મનું નામ બદલવાનો આદેશ આપતા હવે ફિલ્મ પદ્માવતીનું નામ પદ્માવત થઈ ગયું છે. મતલબ કે પદ્માવતીના સ્પેલીંગમાંથી અંગ્રેજીનો આઈ નિકળી ગયો છે. આ સમાચાર પ્રસરતા જ ટયુટર પર એક વ્યકિતએ લખ્યું છે કે, નામમાંથી માત્ર આઈ દુર કરવાથી શું થશે ?
આ સિવાય સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. જે મુજબ એક વ્યકિતએ એવું લખ્યું છે કે, હું તો આ ફિલ્મની કાગડોળે રાહ જુવુ છું ભલેને ફિલ્મનું નામ જુનુ હોય કે નવું મને કંઈ ફેર નથી પડતો. હું તો આ ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાનું છું.
આ સિવાય સોશિયલ મીડિયા પર જનજાગરણ મંચ નામના એક બિનરાજકીય સંગઠને એવું લખ્યું છે કે, વિવાદ પર પડદો પાડવા માટે પ્રોડયુસર અને ડાયરેકટર સંજય લીલા ભણશાળીએ ફિલ્મની શ‚આતમાં જ એવું લખી દેવું જોઈએ કે આ ફિલ્મનું નામ હવે પદ્માવતી નથી અને તે માત્ર કાલ્પનિક કથા છે. રાણી પદ્માવતીના જીવન સાથે તેને કંઈ જ લેવા-દેવા નથી.
સેન્સર બોર્ડે આ ફિલ્મને યુ/એ સર્ટીફીકેટ આપતા હવે ૧૨ વર્ષથી નીચેની વયના દર્શકો એટલે બાળકો પણ માતા-પિતા સાથે સિનેમાઘરમાં જઈને ફિલ્મ પદ્માવત (નવું નામ) જોઈ શકશે. ફિલ્મનું નામ પદ્માવતીમાંથી પદ્માવત શું કામ કરાયું તેનું લોજીક હજુ બહાર આવ્યું નથી પરંતુ સમજી વિચારીને આ નામ પદ્માવત રાખવામાં આવ્યું હોય તેમ લાગે છે.
કેમ કે હવે કોઈ રાણી પદ્માવતીને લઈને વિવાદનો ઝંડો હાથમાં લઈને વિરોધ પ્રગટ ન કરી શકે. આ ઉપરાંત આ ફિલ્મનો પ્રચાર પદ્માવતી તરીકે જ થયો છે. તેથી જો નામમાં ધરખમ ફેરફાર કરવામાં આવે તો નવેસરથી પ્રમોશન કરવું પડે અને કદાચ તેના વેપાર પર પણ પ્રતિકૂળ અથવા નકારાત્મક અસર પડે તેમ હતી. તેથી જ તેના નામમાંથી માત્ર અંગ્રેજી અક્ષર આઈ દૂર કરીને નવું નામ પદ્માવત કરવામાં આવ્યું છે. ફિલ્મ પદ્માવતની રીલીઝ તારીખ હવે જારી થશે.