આ ચોમાસુ સત્ર દેશ માટે ખૂબ મહત્વનું સાબિત થવાનું છે. કારણકે આ સત્રમાં અનેક મહત્વના બિલો રજૂ થવાના છે ત્યારે નેતાઓ પોતાની અંગત તું તું મેમે બંધ કરી માત્ર દેશ હિતાર્થે જ આ સત્રમાં કામ કરે અને ખોટો સમય ન વેડફે તે જરૂરી બન્યું છે. ભારત અત્યારે એવા સ્થાને પહોંચ્યું છે કે સમગ્ર વિશ્વની નજર તેના ઉપર છે. તેવામાં લોકશાહીના તમામ ગુણો જળવાઈ રહે તે જરૂરી છે.
કેન્દ્ર સરકાર શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં કુલ 31 વિધેયકો પર ચર્ચા કરી શકે છે. આ 31 વિધેયકોમાં તે વિધેયકો પણ સામેલ છે, જે નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે અને સંયુક્ત સમિતિઓને પણ મોકલાયા છે. કેન્દ્રના મુખ્ય એજન્ડામાં ડેટા પ્રોટેક્શન બિલ છે. જોકે હાલ તમામની નજર દિલ્હી સરકાર (સંશોધન) વટહુકમ-2023 પર રહેશે, જેનો આમ આદમી પાર્ટી સરકાર કડક વિરોધ કરી રહી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, ચોમાસા સત્રના યોગ્ય સંચાલન માટે એક સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 34 પક્ષો અને 44 નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસદનું ચોમાસુ સત્ર 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
કેન્દ્ર સરકાર સંસદમાં રજુ કરી શકે 31 વિધેયકો રજૂ કરી શકે છે. જેમાં રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સરકાર (સુધારા) બિલ-2023 (વટહુકમને બદલવા માટે), સિનેમેટોગ્રાફ (સુધારા) બિલ, 2019, ડીએનએ ટેકનોલોજી (ઉપયોગ અને એપ્લિકેશન) નિયમન બિલ, 2019
મધ્યસ્થતા બિલ, 2021, જૈવવિવિધતા (સુધારા) બિલ, 2022, બહુ-રાજ્ય સહકારી સોસાયટી (સુધારા) બિલ, 2022, નિરસન અને સંશોધન બિલ, 2022, જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) બિલ, 2023, વન (સંરક્ષણ) સુધારો બિલ, 2023, બંધારણ (અનુસૂચિત જનજાતિ) આદેશ (ત્રીજો સુધારો) બિલ, 2022 (હિમાચલ પ્રદેશ રાજ્યના સંબંધમાં), બંધારણ (અનુસૂચિત જનજાતિ) આદેશ (પાંચમો સુધારો) બિલ, 2022 (છત્તીસગઢ રાજ્યના સંબંધમાં), ડાક સેવા બિલ, 2023, રાષ્ટ્રીય સહકારી વિશ્વવિદ્યાલય બિલ, 2023, પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો (સુધારો) બિલ, 2023, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2023, અંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ અને બેંક બિલ, 2023, પ્રોવિઝનલ કલેક્શન ઓફ ટેક્સ બિલ, 2023, નેશનલ ડેન્ટલ કમિશન બિલ, 2023, નેશનલ કમિશન ફોર નર્સિંગ એન્ડ મિડવાઈફરી બિલ, 2023, ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનો બિલ, 2023, જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) બિલ, 2023
જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારો) બિલ, 2023, સિનેમેટોગ્રાફ (સુધારા) બિલ, 2023
પ્રેસ અને સામયિક નોંધણી બિલ, 2023
એડવોકેટ્સ (સુધારા) બિલ, 2023, ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારો બિલ, 2023, રેલવે (સુધારા) બિલ, 2023
નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ, 2023, બંધારણ (જમ્મુ અને કાશ્મીર) અનુસૂચિત જાતિ આદેશ (સુધારો) બિલ, 2023
બંધારણ (અનુસૂચિત જાતિ) આદેશ (સુધારા) બિલ, 2023 અને બંધારણ (જમ્મુ અને કાશ્મીર) અનુસૂચિત જનજાતિ આદેશ (સુધારા) બિલ, 2023નો સમાવેશ થાય છે.
બીજી તરફ રાજકીય પક્ષોના નવા ગઠબંધન ‘ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લૂસિવ એલાયન્સ’ના નેતાઓ સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે તૈયાર છે. રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની સંસદ ભવનમાં આવેલી ચેમ્બરમાં વિપક્ષી ગઠબંધનની બેઠક પણ યોજાઈ હતી. બીજી તરફ વિપક્ષ મણિપુર હિંસા, બંગાળ હિંસા, રેલવે સુરક્ષા, મોંઘવારી અને અદાણી મામલે જેસીપી બનાવવાની માંગ સહિત અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.