ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિતે બે દિવસીય લાઇવ યોગા મેગા ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વર્ચ્યુઅલ યોગા મેગા ઇવેન્ટનું ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઇઝ તેમજ યુ-ટ્યુબ ચેનલ પર પ્રસારણ થશે. યોગા ઇવેન્ટનો સર્વે ભાવિક-ભક્તોને લાભ લેવા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલ સહિત ટ્રસ્ટી મંડળ વતી અનુરોધ કરાયો છે.
યોગાની સાથો સાથ મુંબઇના નિષ્ણાંત ડોક્ટર દ્વારા પ્રી અને પોસ્ટ કોવિડ અને રસીકરણ અંગેની માહિતી અપાશે
20 અને 21 જૂનના રોજ સવારે 6.30 કલાકે ઇવેન્ટનું ફેસબુક અને યુટ્યૂબના માધ્યમથી લાઇવ પ્રસારણ
હાસ્ય કલાકાર, લેખક, કવિ અને શિક્ષક એવા સાંઇરામ દવે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને હેલ્થ મેનેજમેન્ટ અંગે જાણકારી આપશે
છેલ્લા કેટલાક વર્ષોથી 21 જૂને વિશ્ર્વ યોગ દિવસ ઉજવાય છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા પણ સતત પાંચમી વખત યોગા ઇવેન્ટનું આયોજન થઇ રહ્યું છે. તારીખ 20 જૂન, 2021ને રવિવારે સવારે 6.30 થી 7.30 કલાકે આયોજીત કાર્યક્રમમાં ગેસ્ટ સ્પીકર એશિયાના સુપ્રસિદ્વ ડોક્ટર સુજીત રાજન,મુંબઇ, પ્રી અને પોસ્ટ કોવિડ કેર અને રસીકરણથી માહિતગાર કરશે. તેમજ બીજા ગેસ્ટ સ્પીકર દેશ અને વિદેશમાં લોકપ્રિય એવા હાસ્ય કલાકાર, લેખક, કવિ અને શિક્ષક સાંઇરામ દવે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને હેલ્થ મેનેજમેન્ટની જાણકારી આપશે.
બીજા દિવસે એટલે કે 21 જૂન 2021ને સોમવારના રોજ સવારે 6.30 થી 7.30 કલાક દરમિયાન ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઇઝ તેમજ યુટ્યુબ ચેનલ પર વર્ચ્યુઅલ યોગા મેગા ઇવેન્ટનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. બંને દિવસ યોગા ઇવેન્ટનું લાઇવ પ્રસારણ ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી લોકો ઘરે બેઠા નિહાળી શકશે.કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વર્ચ્યુઅલ યોગાનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
આ વર્ષે પણ બે દિવસીય વર્ચ્યુઅલ યોગા મેગા ઇવેન્ટમાં તમામ લોકોને જોડાવવા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળે અનુરોધ કર્યો છે.ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આયોજીત વર્ચ્યુઅલ યોગા મેગા ઇવેન્ટમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની તમામ સમિતિઓ, સર્વ સમાજ, જ્ઞાતિ સંસ્થા, તમામ એસોસિએશન, શૈક્ષણિક સંસ્થાઓ જોડાઇને દેશ-વિદેશ સુધી વિશ્ર્વ યોગ દિવસની તૈયારીમાં સહકાર આપી રહ્યાં છે.
ગુજરાતના વિશ્ર્વ વિખ્યાત લોકસાહિત્યકારો, સુપ્રસિદ્વ હાસ્યકારો, ભજનિકો, સુગમ સંગીતના કલાકારો વગેરે આ વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાઇને દરેક ઘરના લોકો સુધી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ‘માનવસેવા પરમો ધર્મ’ના સેવા કાર્યમાં સહયોગ આપવા ઉત્સાહિત છે.યુવાન ભાઇઓ-બહેનોને ખાસ ભલામણ છે કે સોશ્યલ મિડિયાનો સાચા અને સારા સત્કાર્યો માટે ઉપયોગ કરીએ. ચાલો, કાયમ યોગ કરીએ અને તંદુરસ્ત સમાજ અને ભવ્ય ભારત બનાવવા સહયોગ આપીએ. યોગ ઉપરાંત કોરોના મહામારીમાંથી બહાર આવવા માટે વેક્સીન જરૂરથી લઇએ.