કોરોના અટકાવો આપણા જ હાથમાં છે, માનવ જ માનવને બચાવી શકશે, બસ થોડી સાવચેતી રાખશો તો સ્વસ્થ રહી શકશો, સાંપ્રત સમયમાં કોરોનાની જંગ જીતવા જનતાએ કરવા જેવા કેટલાંક કાર્યો અત્રે  પ્રસ્તુત છે.

  •  મહેરબાની કરી નાક અને હોઠ ઢંકાઈ રહે એ મુજબ જ માસ્ક પહેરવું અને ઘરથી બહાર નીકળ્યા બાદ ઘર આવીને જ માસ્ક કાઢવું.
  •  એન. 95 માસ્ક જ પહેરવું, સાદું કાપડનું માસ્ક પહેરી શકાય પરંતુ ગ95 માસ્ક કોરોના વાયરસથી વધુ રક્ષણ આપે છે.
  •  માસ્ક જેટલું જ જરૂરી સેનેટાઈઝર છે. હાથ વાંરવાર ધોતા રહો અને સેનેટાઈઝર કરતા રહો. સોશિયલ ડિસ્ટન્સનું પણ અવશ્ય પાલન કરો અને કરાવો.
  •  સવાર, બપોર અને સાંજનાં સમયે નાશ લો. અજમા, સૂંઠ, કપૂરનો ઉપયોગ વધારો. ગરમ પૌષ્ટિક ખોરાક જમો.
  •  શાકભાજી, ફળ, દહીં-દૂધ કે કરિયાણું જેવી નાની-મોટી જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા ઘરથી દૂર ના જાઓ. તમામ વસ્તુઓ ઘર પાસેથી જ લેવાનો આગ્રહ રાખો. વસ્તુઓ લઈ તેને ધોવાનું અથવા સેનેટાઈઝ કરવાનું ન ભૂલો.
  •  ફેરિયાઓ કે વસ્તુઓ વેંચનારાઓએ માસ્ક ન પહેર્યું હોય, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા હોય તો સૌ પ્રથમ તેમને માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું કહો અને પછી જ વસ્તુઓ ખરીદો.
  •  શાકભાજી અને ફળ વીણવાને બદલે તે વેંચનારને જ કહો કે તમારા વાસણ અથવા થેલીમાં એ મૂકી આપે. શાકભાજી અને ફળ ઘર લાવ્યા બાદ તેને સ્વચ્છ પાણીથી સાફ કરી ઉપયોગમાં લેવા.
  •  શાકભાજી અને ફળ સિવાય ઘરમાં આવતી દહીં-દૂધની કોથળીઓને સૌ પ્રથમ સ્વચ્છ પાણીથી સાફ કરી ઉપયોગમાં લેવાની આદત પાડો.
  •  કોઈ પરબીડિયું કે કવર, મેગેઝિન કે પાર્સલ ઘેર આવે તો તેને એક જગ્યા નિશ્ચિત રાખી તેને ત્યાં 24 કલાક સુધી પડ્યું રહેવા દો. જરૂરી હોય તો જ એ દિવસે તેને ખોલવું. ડિસઇન્ફેક્શન પંપનો છંટકાવ કરી હાથમાં લેવું.
  •  જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું. કામ સિવાય ઘર બહાર ન નીકળો. ઘર બહારથી આવીને સૌથી પહેલા ક્યાંય પણ અડ્યા વિના તરત જ સ્નાન કરી લેવું.
  •  જરા પણ તબિયત બગડે કે કોરોનાનાં લક્ષણો જણાય તો તરત જ પોતાને એક રૂમમાં સેલ્ફ કોરોન્ટાઈન કરી લેવા. અન્ય પરિવાર જનો સાથેનો સંપર્ક ટાળવો. ઓક્સિટોમીટર વસાવી લેવું. ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી.
  •  કામ વગર કોઈનાં પણ ઘર જવું નહીં. કોઈનાં ઘરે જઈ એમના પરિવારનું જોખમ વધારીએ નહીં. સામાજિક અંતર જાળવવું, સામાજિક સંબધો જાળવી રાખવા ટેકનોલોજીનો ઉપયોગ કરવો.
  •  સ્વજનોનાં ખબરઅંતર પૂછવા કે સગાસબંધી સાથે વિડિયો કોલથી વાત કરી લેવી. જેથી મળ્યા જેવું લાગે પરંતુ રૂબરૂ જવાનું જોખમ ન લેવું. વડીલોને પણ બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવા ન દેશો.
  •  ખાસ બાબત કે, ઘરમાં આનંદિત અને હળવું વાતાવરણ રાખવા પ્રયાસ કરવો. શક્ય હોય તો નકારાત્મક સમાચાર જોવાનું ટાળો. ખાસ કરીને અફવાઓથી દૂર રહો.
  •  હાલમાં સરકારની વ્યવસ્થા મુજબ 45થી વધુ ઉંમરના દરેક વ્યક્તિને કોરોનાની રસી લેવડાવો. રસી લેવાથી કોરોના થાય તો પણ તબિયત ઓછી ખરાબ થાય છે એવો ડોક્ટરોનો મત છે. તેથી 45 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિએ રસી લેવી અને રસી લીધા બાદ કોરોના થશે નહીં એવું સમજી બેફિકર થશો નહીં.
  •  ફક્ત આટલું કરવાથી કોરોના થશે જ નહીં એવું નથી પરંતુ આટલું કરવાથી કોરોના થવાનું જોખમ ઓછું કરી શકાય છે.

આજે એપ્રિલ મહિનાની 14 તારીખ થઈ છે. છેલ્લા 7 દિવસથી કોઈ જાણીતા સગાસબંધીઓનાં રોજ સવાર પડેને કોરોના થયાના કે કોરોનાથી મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, પરિસ્થિતિ વિકટ છે. કોરોનાનાં આંકડા વૃધ્ધોને ખૂબ ડરાવી રહ્યા છે. એમના સાથીદારો, મિત્રો દુનિયા છોડી જઈ રહ્યા છે.

એ સમયે એમનું મનોબળ મજબૂત બનાવો, સહારો આપો.

આપણે સૌ સાથે મળી આ પરિસ્થિતિમાં સરકાર અને સમાજને ઉપયોગી થવા એક નમ્ર પ્રયાસ કરી શકીએ.

સાંપ્રત સ્થિતિમાં ઘણાં લોકો સરકારનો કે અન્ય લોકોનો વાંક કાઢે છે! ચૂંટણી કે લગ્નપ્રસંગે થયેલી ભીડને દોષ આપે છે! પરંતુ એ ભીડમાં જનાર આપણે જ લોકો હતા. માસ્ક ન પહેરવાનું અને સામાજિક અંતરનાં નિયમોમાં ન માનનારા આપણા સમાજનાં લોકો જ હતા. માટે ફરિયાદો કરવા કરતાં હવે સામાજિક જવાબદારીનાં ભાગરૂપે આપણે ફરીથી થોડી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.  અન્ય લોકો નિયમોનું પાલન કરે કે નહિ આપણે આપણી પોતાની ફરજ જવાબદારી પૂર્વક નિભાવીએ. યાદ રાખો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. સાવચેત રહો, સતર્ક રહો અને કોરોનાથી બચી સ્વસ્થ્ય રહો.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.