બાબા રામ રહીમ દોષિત ઠેરવાયા બાદથી પંચકુલામાં ઠેર ઠેર હિંસા અને આગચંપી થઇ. જો કે હરિયાણામાં 144ની કલમ લાગુ હોવા છતાં ડેરા સમર્થકોએ જુદા જુદા સ્થળોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. જેને લઇને હરિયાણા સરકાર શંકાના ઘેરામાં આવી ગઇ છે. જ્યારે આ અંગે હરિયાણાના શિક્ષણપ્રધાન રામવિલાસ શર્માને ગુરૂવારે સવાલ કરવામાં આવ્યો. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે સીઆરપીસીની કલમ 144 વિશ્વાસ ઉપર લાગુ થઇ શકે નહીં. શર્માએ તેમ પણ જણાવ્યું કે ડેરા સમર્થકો તેમના મહેમાન હતા. 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ડેરા સચ્ચા સૌદાએ ભાજપને સમર્થન આપવાનું એલાન કર્યું હતું અને ત્યારબાદ ચૂંટણીમાં ભાજપની જીત થઇ હતી.

બીજી તરફ કોર્ટે ગુરમીત રામ રહીમને દોષિત ઠેરવ્યા બાદ પણ હરિયાણાની ભાજપ સરકાર રામ રહીમને વીઆઇપી ટ્રીટમેન્ટ આપતી નજરે પડી. કોર્ટના ચુકાદા બાદ હરિયાણાના જેલ પ્રધાન ક્રિષ્ના લાલ પનવારે એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ડેરા ચીફ રામ રહીમને અમુક સમય માટે રોહતક જિલ્લાની સુનારિયા જેલના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવશે. જેલ કોમ્પલેક્ષમાં આવેલા આ ગેસ્ટ હાઉસને જેલમાં પરિવર્તિત કરવામાં આવ્યું.. જ્યારે રામ રહીમને વીઆઇપ ટ્રીટમેન્ટ અંગે પુછવામાં આવ્યુ તો પનવારે જણાવ્યું કે જ્યારે જગ્યાની અછત હોય ત્યારે અમે આ પ્રકારના નિર્ણય લઇએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે બાબા રામ રહીમ પર ચુકાદા સંભળાવ્યા બાદ હરિયાણા સહિત પાંચ રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં ખાસ કરીને હરિયાણા અને પંજાબમાં ભારે જાનહાનિ તેમ જ સરકારી સંપત્તિઓ નુકસાન કરાયું છે. આ હિંસામાં અત્યાર સુધી 29થી વધુ લોકોના મોત નીપજ્યા છે જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થવાના અહેવાલ સાંપડ્યાં છે. જ્યારે ડેરાના 1000થી વધુ સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.