મંગળવારે વડોદરા ખાતે રાહુલ ગાંધીએ કરેલા નિવેદનનો ભાજપ દ્વારા ઠેરઠેર વિરોધ કરવામાં આવ્યો છે. ગઈકાલે જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યું હતું કે મહિલાઓએ શું પહેરવું તેની ચિંતા રાહુલે કરવાની જરૂર નથી. ત્યારે આજે બુધવારે રાજકોટમાં ભાજપ મહિલા મોરચાએ પણ કોગ્રેસ ઉપાધ્યક્ષનો વિરોધ કર્યો હતો. રાજકોટ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ રાહુલ ગાંધીના પૂતળાને સાડી પહેરાવી વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં આવેલા ત્રિકોણબાગ ખાતે ભાજપ મહિલા મોરચાએ રાહુલ ગાંધીના પૂતળાને સાડી પહેરાવી હતી ત્યારબાદ જાહેરમાં માર મારી મહિલાઓ વિરુદ્ધ કરેલી કોમેન્ટ પર માફી મગાવી હતી.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડોદરા શહેરના સર સયાજીનગર ગૃહ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જ્યાં સ્ત્રી સશક્તિકરણ અંગેની વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપનું મુખ્ય સંગઠન આરએસએસ છે. કેટલી મહિલાઓ છે તેમાં? તમે ક્યારેય આરએસએસમાં મહિલાઓ જોઇ છે? શાખામાં ક્યારેય તમે મહિલાઓને શોર્ટ્સમાં જોઈ છે? મેં તો નથી જોઈ. સંગઠનથી તમને ખબર પડી જાય છે. કોંગ્રેસમાં દરેક જગ્યાએ મહિલાઓ છે. આરએસએસમાં એક મહિલા નથી દેખાતી. ખબર નહીં શું ભૂલ કરી છે મહિલાઓ કે, તેમાં મહિલાઓ જઇ શકતી નથી.
રાહુલ ગાંધીના નિવેદન બાદ પ્રતિક્રિયા આપતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, તમારી દ્રષ્ટિ એ છે. કોંગ્રેસની દ્રષ્ટિ એ છે. તમે મહિલા સામે જ જુઓ છો, એણે શું પહેર્યું છે? આવું બોલીને રાહુલે ગુજરાતી મહિલાઓનું અપમાન કર્યું છે. તે મહિલાઓની માફી માંગે, નહીંતર બધી મહિલાઓ ભેગી થશે. કોંગ્રેસ બાકી બચેલી સીટો પણ ગુમાવશે. કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ કોંગ્રેસને પૂછીને પહેરે છે? કોંગ્રેસ માંફી માંગે. ગુજરાતની મહિલાઓ સંસ્કારી છે. દેશની સેવા માટે કામ કરે છે. ઘણી મહિલાઓ સંસ્થાઓ પણ ચલાવે છે. આવા શબ્દો બોલનાર સામે તાકાતથી સામનો કરે છે. આ અંગે સોનિયા ગાંધીને પૂછવું કે, તમારો પુત્ર મહિલાઓ વિશે આવું બોલ્યો તે યોગ્ય છે? તેમની બહેનને પૂછો. આ કોંગ્રેસનો સ્વભાવ છે. સંઘમાં મહિલાઓ માટે અલગ શાખા છે. એમને ખબર જ નથી. દેશમાં લાખો શાખાઓ ચાલે છે, જ્યાં મહિલાઓ કામ કરે છે. યુ-ટ્યુબ પર સર્ચ કરીને જાણી લે.