જૂનાગઢને બે ખાનગી યુનિ. મળતા રાજ્યના શિક્ષણ મંત્રીનું જિલ્લા સ્વનિર્ભર સંચાલક મંડળ દ્વારા કરાયું અભિવાદન
અબતક, દર્શન જોશી, જૂનાગઢ
શિક્ષણના હબ બનવા જઈ રહેલા જૂનાગઢમાં બે ખાનગી યુનિવર્સિટી ડો.સુભાષ યુનિવર્સિટી અને નોબલ યુનિવર્સિટીને મંજૂરી મળતા જૂનાગઢમાં જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ મારું નહીં પરંતુ રાજ્ય સરકારનું સન્માન છે. સરકારની કર્તવ્ય નિષ્ઠા અને જન સેવાને સમર્પિત સરકારની વિકાસ લક્ષી નીતિનું અભિવાદન છે.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ તકે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં રહેલી વિકાસની તકો અને છેલ્લા બે દાયકામાં આવેલા બદલાવ અંગે વિગતો આપી પ્રવાસનને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેમ જણાવી, શાળા સંચાલક મંડળને માતા-પિતા વિહોણા વિદ્યાર્થીઓને મદદ કરવા અને તેના શૈક્ષણિક વિકાસમાં યોગદાન આપવા આજના અભિવાદનના પ્રત્યુતરમાં અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય અને ડો.સુભાષ યુનિવર્સિટીના ચેરમેન જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, 1976માં તેમના પિતાશ્રી પેથલજીભાઈ ચાવડાએ દીકરીઓના શિક્ષણને કેન્દ્રમાં રાખીને શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી. જે આજે વટ વૃક્ષ બની છે. શિક્ષણ એ અમારા માટે વ્યવસાય નહીં પરંતુ પરંપરા છે. તેઓએ સાથે મળીને શૈક્ષણિક સર્વાંગી વિકાસની વાત કરી હતી. નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયાએ 2007થી શરૂ કરવામાં આવેલી શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે આગળ વધી રહી છે અને હજુ આગળ સુવિધા માટે અમે કટિબદ્ધ છીએ તેમ જણાવી ગુણવત્તાલક્ષી શિક્ષણ યુવાનોને મળે તે માટે અમારા પ્રયાસો છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે નોબલ યુનિવર્સિટીના પાર્થ કોટેચા તથા ડો.સુભાષ યુનિવર્સિટી ડો.બલરામ ચાવડા એ પણ પ્રાસંગીક વક્તવ્ય આપ્યું હતું.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ જી.પી. કાઠીએ સમગ્ર કાર્યક્રમનો ઉદ્દેશ જણાવી સૌનું સ્વાગત કરી મંત્રી એ વ્યક્ત કરેલી લાગણીને ધ્યાને લઈ અનાથ બાળકોના વિકાસ માટે મંડળ સેવાકીય નિર્ણયો લેશે તેમ જણાવ્યું હતું.
આજના કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, રાષ્ટ્રીય ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, યુનિવર્સિટીઓના કુલપતિ ડો. ચેતનભાઇ ત્રિવેદી અને ડો. નરેન્દ્ર ગોટીયા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, નોબલ યુનિવર્સિટીના કે.ડી. પંડ્યા, વી.પી ત્રિવેદી, સુભાષ યુનિવર્સિટીના પ્રમુખ રાજ ચાવડા, બી.જે.વાટલીયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, રાજકોટના શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતા, ઉપ-પ્રમુખ જતીનભાઈ ભરાડ તેમજ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો, આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સંજીવ મહેતાએ કર્યું હતું.