જોગનો ધોધ: ભારતનો સૌથી ઊંચો ધોધ છે
કુદરતનાં વિવિધ સ્વરૂપો જેવાં કે નદી, પર્વતો, ખીણો, સાગર, ધોધ, જંગલો, આકાશ, તારા- આ બધામાં સૌથી વધુ આકર્ષક સ્વરૂપ સ્વરૂપ કદાચ ધોધ છે. ધોધ જોવાનું કોને ના ગમે?ઊચેથી પડતું અને સંગીતમય અવાજ કરતું પાણી જોવાની કેટલી બધી મજા આવે..સામાન્ય રીતે નદીના વહેણમાં સખત ખડકો આવે અને આગળનો ભાગ ધોવાઇ જાય ત્યારે ધોધ રસાઇ જતો હોય છે. નદીના પાણીનો જથ્થો, ખડકોની ઊંચાઇ અને આકાર તથા નદીની પહોળાઇ પ્રમાણે જાતજાતના ધોધ બનતા હોય છે.જોગનો ધોધ ભારતના ઊંચા ધોધમાંનો એક છે. તે કર્ણાટક રાજયમાં શરાવતી નદી પર આવેલો છે. નોનાબાર પાસે આવેલા અંબુતીર્થમાંથી શરાવતી નદી નીકળે છે અને પશ્ર્ચિમ દિશામાં વહે છે. આ નદી ગેરસપ્પા ગામની નજીક ધોધરૂપે પડે છે. આ ધોધને જ જોગનો ધોધ કહે છે. તે ગેરસપ્પા ગામની નજીકક આવેલો હોવાથી તેને ગેરસપ્પાનો ધોધ પણ કહે છે. શરાવતી નદી અહીં ધોધરૂપે પડ્યા પછી, ૬૦ કી.મી. દૂર હોનાવર ગામ આગળ અરબી સમુદ્રને મળે છે.જોગના ધોધનું પાણી ૮૨૯ ફૂટ એટલે કે ૨૫૩ મીટર ઊંચાઇએથી પડે છે. તેની અ ધ ધ ધ… લાગતી ઉંચાઇને લીધે તે માત્ર ભારતમાં જ નહિ, દુનિયામાં પણ ખૂબ જાણીતો છે. દેશવિદેશના અસંખ્યા પ્રવાસીઓ આ ધોધની મુલાકાતે આવે છે. ધોધની ટોચ આગળ તેની પહોળાઇ આશરે ૧૨૦૦ ફૂટ છે.નેશનલ હાઇવે નં.૨૦૬ પર શીમોગાથી સાગર થઇને ધોધ તરફ જવાય છે. જોગના ધોધથી નજીકનું રેલ્વે સ્ટેશન શિમોગા છે. હાઇવેથી ૨.કી.મી. અંદર જાવ એટલે ધોધોનાં દર્શન થાય.ધોધ મુખ્ય ચાર ધારાઓ રૂપે પડે છે. આ ચાર ધારાઓનાં નામ ડાબેથી જમણે અનુક્રમે રાજા, રોર (રોર, ગર્જના), રોકેટ અને રાણી છે. પહેલી ધારા ખૂબ જ ભવ્ય દેખાવવાળી છે, એટલે એને રાજા નામ આપ્યું છે. બીજો પ્રવાહ ખૂબ મોટી રોદ્ર ગર્જના સાથે પડે છે, એટલે એ ‘રોર ના નામે ઓળખાય છે. ત્રીજી ધારા, એક સાંકડા ભાગમાંથી, રોકેટની જેમ ખૂબ જ ઝડપે મોટા જથ્થામાં પડે છે, એટલે એને રોકેટ કહે છે. અને છેલ્લી ધારા, નૃત્ય કરતી ઠરસાદાર યુવતિની જેમ પડતી હોવાથી તેનું નામ રાખી રાખ્યું છે. ખૂબી એ છે કે આ ચારેય નામની શરૂઆત ‘ર થી થાય છે. ધોધની બીજી બાજુએ ઉપર જઇ, ધોધની નજીક જઇ શકાય છે.ધોધમાં જયારે પુષ્કળ પાણી હોય ત્યારે ધોધ ખૂબ જ જાજરમાન લાગે છે, અને તેના અવાજ પણ ભયંકર હોય છે. ચોમાસામાં કે ચોમાસા પછી તરત જ જાવ તો ધોધમાં પાણી ઘણું હોય અને ધોધ જોવાની મજા આવી જાય. ધોધ પડે ત્યારે, પડતા પાણીમાંથી ઉડતાં કણો અને ફોરાંથી ધોધ આગળનો દેખાવ ધુમ્મસમય લાગે છે. ધોધનું દ્રશ્ય એટલું સરસ દેખાય છે કે તેના વર્ણન માટે શબ્દો જડતા નથી.