ક્રોપ ટોપ કોઈ પણ ગાર્મેન્ટ સાથે મિક્સ ઍન્ડ મેચ કરી શકાય
ફેશનનું ચક્ર ફર્યા જ કરે છે. જે જૂનું હતું એ નવું થઈ જાય છે. જેમ કે એઇટીઝની સાલનાં ક્રોપ ટોપ દરેક યુવતીનાં ફેવરિટ થઈ ગયાં છે. ક્રોપ ટોપ એટલે કે ટોપની લેન્ગ્થ આગળથી થોડી ઓછી હોય અને જે પર્હેયા પછી પેટનો ભાગ દેખાય. સ્લીવ થોડી ઢીલી અને રાઉન્ડ નેક. આમ તો ક્રોપ ટોપના ઘણા પ્રકાર આવે છે.
જેમ કે બોડીહગિંગ જેમાં ક્રોપ ટોપ બોડીને ચીપકી જાય છે અને એમાં સ્લીવનું વેરિએશન આવે છે. જેમ કે ફુલ સ્લીવ, સ્લીવલેસ અથવા ઇનકટ. અને આજકાલ તો યુવતી પોતાનાં લગ્નમાં પણ બ્લાઉઝને બદલે ક્રોપ ટોપ પહેરવાનું પસંદ કરે છે.
૧. ડેનિમ સાથે
ડેનિમ ઑલટાઇમ ફેવરિટ અને ક્લાસિક વેઅર છે જે ક્યારેય આઉટ ઑફ ફેશન થતાં નથી. ક્રોપ ટોપ ડેનિમ સાથે એક સ્માર્ટ લુક આપી શકે. ક્રોપ ટોપની લંબાઈ ઓછી હોવાને કારણે લો-વેસ્ટ અથવા મિડ-વેસ્ટ ડેનિમ ન પહેરવું. એના બદલે હાઈ-વેસ્ટ ડેનિમ પહેરવું જેને લીધે પેટનો ભાગ વધારે નહીં દેખાય. લાંબી અને પાતળી યુવતી પર હાઈ-વેસ્ટ ડેનિમ સાથે ક્રોપ ટોપ સારાં લાગી શકે. હાઈ-વેસ્ટ ડેનિમ પણ લૂઝ ન પહેરવું. પેન્સિલ કટ ડેનિમ પહેરવું અને એની સાથે હાઈ-હીલ્સ અથવા બેલીઝ. ક્રોપ ટોપ ૮૦ની સાલની ફેશન છે એ ધ્યાનમાં રાખી થોડા સોફ્ટ કર્લ કરવા જેને લીધે પ્રોપર લુક મેઇન્ટેન થાય. બોડીહગિંગ અને ઝિપર ક્રોપ ટોપમાં ઘણાં વેરિએશન આવે છે જેમ કે બોડીહગિંગ એટલે કે શરીરને ચોંટી જાય એવાં. આવાં ક્રોપ ટોપ સ્ટ્રેચેબલ હોઝિયરી ફેબ્રિકમાંથી બને છે જેને પહેરવાથી એ આપોઆપ શરીરનો શેપ લઈ લે છે. આવાં ક્રોપ ટોપમાં ઘણી વાર ઝિપ પણ આપવામાં આવે છે. આવાં ક્રોપ ટોપ ફોર્મલ વેઅર તરીકે પહેરી શકાય જેમ કે ટ્રાઉઝર સાથે ક્રોપ ટોપ પહેરી એના પર બ્લેઝર પહેરવું. પ્લેન ક્રોપ ટોપ કરતાં ઝિપરવાળું પહેરવું એનાથી થોડો અલગ લુક આવશે. હાઈ પોની, મિનિમમ જ્વેલરી લુક આપવો.
૨. પલાઝો સાથે
પલાઝો સાથે ક્રોપ ટોપ સારાં લાગે એમાં બેમત નથી. શરત માત્ર એટલી કે પલાઝો અને ક્રોપ ટોપની પસંદગી બરાબર કરવી. પલાઝો સાથે ક્રોપ ટોપ લૂઝ જ પહેરવાં. પલાઝો સાથે ક્રોપ ટોપ પહેરી કેઝ્યુઅલ અને ફોર્મલ બન્ને લુક આપી શકાય. જો લૂઝ ક્રોપ ટોપ પહેરશો તો કેઝ્યુઅલ લુક આવશે અને બોડી ફિટેડ પહેરશો તો ફોર્મલ લુક આવશે. પ્રસંગને અનુરૂપ સ્ટાઇલ સિલેક્ટ કરવી. પલાઝો સાથે ક્રોપ ટોપ ખાસ કરીને પાતળી યુવતીએ જ પહેરવાં. સ્થૂળ કાયાવાળી યુવતીને પલાઝો તેમ જ ક્રોપ ટોપ બન્ને સારાં નહીં લાગે.
૩. સાડી સાથે
સાડી સાથે ક્રોપ ટોપ એકદમ ક્ધટેમ્પરરી લુક આપશે અને જો સાડી ઍબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટવાળી હશે તો વધારે સારી લાગશે. જ્યારે સાડી સાથે ક્રોપ ટોપ પહેરવામાં આવે છે ત્યારે સાડીનો છેડો અલગ સ્ટાઇલમાં રાખવામાં આવે છે. જો ગુજરાતી સ્ટાઇલમાં સાડી પહેરવી હોય તો સાડીનો છેડો આગળ લાંબો રાખવો અને એને ખોસવો નહીં. આ રીતે સાડી સાથે ક્રોપ ટોપ પહેરવા માટે એક અલગ ઇમેજની જરૂર હોય છે. આ સ્ટાઇલનું આંધળું અનુકરણ ન કરવું.
૪. ઘાઘરા સાથે
આજકાલ યુવતીઓ પોતાનાં લગ્નમાં કંઈક હટકે પહેરવાનું પસંદ કરે છે. ઘાઘરા સાથે બ્લાઉઝ તો બહુ કોમન છે. ઘાઘરા સાથે ક્રોપ ટોપ પહેરી એક અનકોમન લુક આપી શકાય. જો ટિપિકલ બ્લાઉઝ પહેર્યું હોય તો છેડો કમ્પલ્સરી ગુજરાતી જ પહેરવો પડે, પરંતુ જો ક્રોપ ટોપ પહેર્યું હોય તો છેડાનું સ્ટાઇલિંગ કરી શકાય. ક્રોપ ટોપની લેન્ગ્થ ઓછી હોવાને લીધે એ દૂરથી બ્લાઉઝ જેવું જ લાગે છે. હેવી વર્કવાળો ઘાઘરો અને એની સાથે પ્લેનમાં થોડું વર્ક કરેલું ક્રોપ ટોપ અને સાઇડ શોલ્ડર પર રાખેલો દુપટ્ટો એક કમ્પ્લીટ બ્રાઇડ લુક આપી શકે.
૫. સ્કર્ટ સાથે
ક્રોપ ટોપ સ્કર્ટ સાથે કેઝ્યુઅલ અને ફોર્મલ બન્ને લુક આપી શકે જેમ કે ખ્-લાઇન સ્કર્ટ સાથે લૂઝ ક્રોપ ટોપ સારું લાગી શકે અને ગોઠણ સુધીના સ્કર્ટ સાથે બોડીટાઇટ સારું લાગી શકે. સ્કર્ટ બહુ લો-વેસ્ટ ન પહેરવાં. ટાઇટ સ્કર્ટ સાથે ક્રોપ ટોપ પહેરવા માટે એક અલગ ઇમેજની જરૂર હોય છે. એની સાથે હાઈ-હીલ્સ જ પહેરવી અને હેરમાં સોફ્ટ કર્લ અથવા સ્ટ્રેટ હેરનો લુક આપવો.