મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને વિદિશા વચ્ચે સલામતપુરના પહાડ પર એક એવું ઝાડ આવેલું છે, જે દેશનું વીવીઆઈપી ઝાડ છે, જેની 24 કલાક માટે સુરક્ષા થાય છે. આ ઝાડ માટે પાણીના ટેન્કરની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.

100 એકરની પહાડી જમીન પર 15 ફૂટ ઉંચી લોખંડની જાળીની વચ્ચે આ ઝાડ આવેલું છે. આ વીવીઆઈપી વૃક્ષ છે બોધિવૃક્ષ. આ બોધિવૃક્ષની સુરક્ષામાં 24 કલાક 4 હોમગાર્ડ્સ રહે છે. આ ઝાડની સિંચાઈ માટે સાંચી નગરપાલિકાએ ખાસ પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી છે. આ બોધિવૃક્ષને બીમારીથી બચાવવા માટે કૃષિ વિભાગના અધિકારીઓ દર અઠવાડિયે તપાસ માટે આવે છે. આ બધું જ જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ થાય છે.

આ સમગ્ર પહાડી વિસ્તારને બૌદ્ધ યુનિવર્સિટી માટે ફાળવવામાં આવ્યું છે. 21 સપ્ટેમ્બર, 2012ના રોજ આ બોધિવૃક્ષને શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેએ વાવ્યું હતું. ઉલ્લેખનીય છે તે તથાગત બૌદ્ધને આ બોધિવૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. સમ્રાટ અશોક આ જ ઝાડની ડાળીને શ્રીલંકા લઈ ગયા હતા અને અનુરાધાપુરમમાં વાવી હતી. આ જ ઝાડની ડાળીને સાંચી બૌદ્ધ યુનિવર્સિટીમાં પણ વાવવામાં આવી હતી.

આ ઝાડનું એક પત્તું પણ સૂકાઈ જાય તો સરકાર તરત જ ચેતી જાય છે. આ ઝાડ સુધી પહોંચવા માટે ભોપાલ-વિદિશા હાઈવે પર પાકો રસ્તો બનાવવામાં આવ્યો છે. આ ઝાડની દેખરેખ અને સંભાળ માટે વર્ષે 12 થી 15 લાખ ખર્ચવામાં આવે છે. એક તરફ આ રાજ્યમાં થોડા દેવા માટે થઈને ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે ત્યાં આવો ખર્ચો થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.