રેડિયો ટેલીમેટ્રી દ્વારા દિપડાઓની અવરજવર પર નિરીક્ષણ રાખી શકાશે
વન્ય પ્રાણી વિભાગ સાસણ ગીર દ્વારા એક પ્રોજેક્ટ અંતર્ગત બે દિપડાઓને રેડિયો કોલર પહેરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ રેડિયો કોલરવાળા દિપડાને જંગલમાં મુકત કરાયા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ પાંચ દીપડાઓને રેડિયો કોલર પહેરાવવામાં આવશે. સિંહ બાદ હવે દિપડાને રેડિયો કોલર પહેરાવતા તેમના રહેણાંક, ખોરાક સહિતની બાબતો પર પૂરતું ધ્યાન રહેશે. વૈજ્ઞાનિક અભિગમ સાથે તૈયાર થયેલા આ પ્રોજેક્ટના હેતુ અનુસાર રેડિયો-ટેલી મેટ્રિ દ્વારા દીપડાઓની અવરજવર પર ઝીણવટભર્યું નિરીક્ષણ રાખવામાં આવશે. રેડીયો ટેલી મેટ્રિ દ્વારા સામાન્ય રીતે મુશ્કેલીથી જોવા મળતા આ પ્રાણીની વિવિધ વર્તણુક જેવી કે તેની અવરજવર, પસંદગીના વસવાટના સ્થળ, વધુ પ્રવૃત્ત રહેવાનો સમયગાળો વગેરે જેવી બાબતોની વૈજ્ઞાનિક માહિતી એકત્રિત થશે અને આ માહિતી ભવિષ્યમાં માનવ અને વન્ય જીવ વચ્ચેનું ઘર્ષણ નિવારવામાં મદદરૂપ થઈ શકશે. તેમ સાસણ વન્ય પ્રાણી વિભાગનાં નાયબ વન સંરક્ષક ડો. મોહન રામ જણાવ્યુ છે.
આ કામગીરીમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્ય જીવ અને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્યામલ ટીકાદર, મુખ્ય વન સંરક્ષક વન્યપ્રાણી વર્તુળ જૂનાગઢના ડી.ટી.વસાવડા, સાસણ વન્યપ્રાણી વિભાગનાં નાયબ વન સંરક્ષક ડો. મોહન રામ ના માર્ગદર્શન હેઠળ વનવિભાગનાં અનુભવી વન્યજીવ પશુચિકિત્સક ડો. જે. પી. દેસાઈ, ડો. ડી. આર. કમાણી અને ડો. દિગ્વીજય રામ અને સ્થાનિક સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર કામગીરી દરમિયાન વૈજ્ઞાનિક માહિતીના એકત્રીકરણ અને અન્ય જરૂરી બાબતો અંગેની કામગીરી સાસણ વન્ય જીવ વિભાગના સંશોધન કાર્ય સાથે જોડાયેલા કરશન વાળા અને લહર એસ. ઝાલા, સાયન્ટીફીક આસીસ્ટન્સ દ્રારા કરવામાં આવી હતી.