ઉતરવું હમેશા સહેલું હોય છે,અઘરું છે ચડવાનું જ , એક પછી એક કર્મના બંધનોને કાપતા કાપતા ધર્મના પગથિયાં ચડવા એનું જ નામ યાત્રા,ભગવાન મહાવીર સ્વામીએ બહુ સહજતાથી સામાંન્ય વાતચીતમાં જે ઉપબોધ કર્યો છે એ છે જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત.
જૈન ધર્મના લાખ્ખો ભાવિક શ્રધ્ધાળુઓ માટે પાવન યાત્રાધામ “શેત્રુજય તીર્થનું આગવું મહત્વ છે . તેમાં પણ ફાગણ સુદ-૧૩ની ‘છ ગાઉની યાત્રા’ જૈન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે
એક માન્યતા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણના બે પુત્રો શામ્બ અને અનિરુધ્ધ આ જગ્યાએ સાડા આઠ કરોડ સાધુ સંતો સાથે નિર્વાણ પામ્યા હતા. અતિ પાવન એવા ‘મોક્ષધામ’ સત્તા આ સ્થળને જૈનોનું શાશ્વત તીર્થ માનવામાં આવે છે.
ભાવનગરની ક્ષિતિજે ૫૦ કિ.મી. દૂર નૈઋત્યમાં વસેલું પાલિતાણા એના નયનરમ્ય વિશેષ સ્થાપત્ય માટે તો જાણીતું છે જ પણ… જૈન ધર્મના પ્રથમ તીર્થકર આદેશ્વર પાર્શ્વનાથ એટલે કે ઋષભ દેવના પુનિત સંસ્મરણો સાચવીને બેઠેલ પાલીતાણા એમની પાવન રજથી તીર્થક્ષેત્ર બન્યું મહાવીર સ્વામીએ અહીં ચૈત્ય કર્યુ હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
પાલીતાણા અતિ પ્રાચીન નગર છે. જૈન આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે પાલીતાણાના નામથી જગવિખ્યાત છે. પાલીતાણાનો ઉલ્લેખ ગોવિંદરાજ પ્રભુતવર્ષના ઈ.સ. ૮૧૮-૧૯ ના દેવલીમાંથી મળેલા દાન શાસનમાં ‘પાલિતાનક‘ તરીકે થયેલો જોવા મળે છે. જૈન પ્રબંધોમાં તેનો સવિશેષ ઉલ્લેખ છે. પ્રભાવત ચરિતમાં જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના શિષ્ય સિદ્ધ નાગાર્જુને વિમલા (શેત્રુંજય પર્વત)ની તળેટીમાં ગુરુના નામથી પાદલિપ્તપુરની સ્થાપના કરી ત્યાં મહાવીર સ્વામી ચૈત્ય કર્યું હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રબંધ ચિંતામણી, પુરાતન પ્રબંધસંગ્રહ, પ્રબંધકોષ વગેરે જૈન પ્રબંધોમાં પાદલિપ્તપુરનો ઉલ્લેખ આવે છે.
આ શહેર પરદેશીઓ માટે દેરાસર સંકુલના બેજોડ સ્થાપત્ય માટે આકર્ષણ જમાવે છે. પાલીતાણા શહેરમાં પણ ઘણાં દેરાસરો અને હવે તો આધુનિક સુવિધાઓ વાળી ઘણી ધર્મશાળાઓ અને ભોજનશળાઓ છે.
જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે. એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવનકાળ દરમ્યાન એકવાર તો પાલીતાણાની યાત્રા કરવી જ જોઇએ. શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીથી સુશોભિત ૧૬૧૬ આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીથઁકર આદિનાથ (ઋષભદેવ)નું છે. ભગવાનને માટે જ બનાવેલા આ દેરાસરસંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇપણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી, પૂજારીને પણ નહીં..
પ્રથમ જૈન તીર્થકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદિશ્વરનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલા છે. તેમણે આ ભુમીને તીર્થભૂમી બનાવી ત્યારથી આ તીર્થસ્થાન પ્રત્યેક જૈન માટે આવશ્યક દર્શન કરવા જેવું પવિત્ર યાત્રાધામ બની ગયું છે. ગુલાબ અહીં બહુ ઉગતા હોવાથી અહીંનું ગુલકંદ બહુ વખણાય છે. ડુંગર ઉપર દેરાસરની પાસે જ મુસ્લિમના અંગાર પીરનું પવિત્ર સ્થાનક છે.