રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના મસમોટા પ્રોજેક્ટ તથા ડામર એક્શન પ્લાનના કોન્ટ્રાક્ટ તગડી ઓન ચૂકવવામાં આવે છે. કોર્પોરેશનના એકપણ કોન્ટ્રાક્ટ ઓન વિના મંજુર થતો ન હોવાનું પુરવાર થઈ ચૂક્યું છે. હવે શ્વાન ખસીકરણના કોન્ટ્રાક્ટમાં પણ 58 ટકા જેવી તગડી ઓન ચૂકવવામાં આવશે.આ કોન્ટ્રાક્ટ 58 ટકા ઓનથી આપવા સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં અલગ-અલગ 52 જેટલી દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શ્વાન વ્યંધીકરણ, હડકવા વિરોધી રસીકરણ, ડોગ ફ્રેન્ડલી કામગીરી અને પોસ્ટ ઓપરેટીવ કેરનો કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.જેમાં બેંગ્લોરની એનિમલ રાઈટ્સ ફંડ અને અમદાવાદની ગોલ ફાઉન્ડેશન નામની એજન્સી દ્વારા ટેન્ડર રજૂ કરવામાં આવ્યું હતું.મહાપાલિકા દ્વારા નિયત કરાયેલા બેઝ રેટ સામે 65 % વધુ ભાવ બેંગ્લોરની એનિમલ રાઈટ્સ લન્ડ સંસ્થાએ જ્યારે 58% ભાવ અમદાવાદની ગોલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ઓફર આપવામાં આવી હતી.એલ વન એવી અમદાવાદની એજન્સી સાથે વાટાઘાટ કરવામાં આવતા એજન્સીએ બેઝ રેટ કરતાં 50 ટકા વધુ ભાવથી કામ કરવા માટેની સહમતી આપી હતી. જેને ધ્યાનમાં રાખી શ્વાન
વ્યંધીકરણ સહિતનો કોન્ટ્રાક્ટ આ એજન્સીને આપવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. પ્રતિ શ્વાનના વ્યંધીકરણના ઓપરેશન માટે રૂપિયા 1500 બેઝ રેટ નકકી કરાયો હતો. 58 ટકા ઓન સાથે ઓપરેશન માટે 2250 રૂપિયા ચૂકવવામાં આવશે. જ્યારે શ્વાનને ફરીથી હડકવા વિરોધી રસી આપવા માટે રૂપિયા 150 નિયત કરાયા હતા જેની સામે ઓન સાથે 225 ચૂકવવામાં આવશે. જ્યારે પોસ્ટ ઓપરેટીવ કેરમાટે 62 રૂપિયા નિયત કરાયા હતા. જેની સામે 93 રૂપિયા ચૂકવવામાં આવશે. જ્યારે જયારે ડોગ ફ્રેડન્લી વર્ક માટે 80 રૂપિયા નક્કી કરાયા હતા.જેની સામે 58 ટકા ઓન સાથે 120 રૂપિયા ચૂકવવામાં આવશે. પ્રથમ વર્ષે નિયત કરાયેલી 50 ટકા ઓન સાથે રકમ ચુકવવા આવશે. ત્યારબાદ બીજા વર્ષે પાંચ ટકાનો ભાવ વધારો આપવામાં આવશે એટલે કે 55% ઓન ચૂકવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ રસીકરણનો કોન્ટ્રાક્ટ અમદાવાદની જ ગોલ ફાઉન્ડેશનને આપવામાં આવ્યો હતો.જેમાં પ્રતિ શ્વાનોના ખસીકરણના ઓપરેશન માટે સંસ્થાને પ્રથમ વર્ષે રૂપિયા 1850 અને બીજા વર્ષે રૂ.1900 ચૂકવવામાં આવતા હતા.ગત કોન્ટ્રાકટમાં રૂપિયા 1000ની બેઝ પ્રાઇઝ સામે 85% કામ આપવામાં આવ્યું હતું અને એક શ્વાનના ઓપરેશન માટે રૂપિયા 1850 ચૂકવવામાં આવતા હતા. છેલ્લા અઢી વર્ષ દરમ્યાન શહેરમાં 8300 વાનના ખસીકરણના ઓપરેશન કરવામાં આવ્યા હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.