પથ્થરબાજીમાં એકનું મોત ૩૦૦ ઘાયલ
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના પંઢુરનામા વાર્ષિક ‘પથ્થર ફેક’ મહોત્સવ દરમિયાન એક વ્યકિતનું મોત થયું છે અને ૩૦૦ લોકો ઘાયલ થયા છે. વાર્ષિક ગોટમાર પથ્થરબાજી ઉત્સવ દરમિયાન સાંવરગામ અને પંઢરના લોકો જામ નદીની બંને તરફ ભેગા થાય છે અને એકબીજા ઉપર પથ્થર ફેંકે છે.
આ દરમિયાન નદીની વચ્ચો વચ્ચ આવેલા એક ઝાડ ઉપર ઝંડો લગાવવાનો હોય છે જેના માટે પથ્થર બાજીનો સામનો કરવો પડે છે.
એવું માનવામાં આવે છે કે લગભગ ૩૦૦ વર્ષ પહેલા શરૂ થયેલી આ પથ્થરબાજીમાં પંઢરનાના એક છોકરાએ સાવર ગામની એક છોકરીનું અપહરણ કર્યું હતું અને ત્યારથી આ પથ્થરબાજી શરૂ થઈ છે. એવી લોકવાયકા છે કે આ વિસ્તારમાં નદી પાર કરતી વખતે પથ્થરમારાનો સામનો કરનાર દંપતિ ગામના લોકોની મદદથી પાંડુરના સુરક્ષિત પહોંચ્યા અને આ રીતે પથ્થરમારાનો સામનો કરનાર સુખી થાય છે.
કલેકટર વેદ પ્રકાશ શર્મા અને પોલીસ અધિક્ષક અતુલસિંહે કહ્યું કે, ૨૮ વર્ષીય શંકર માલવી નામના એક વ્યકિતને પેટમાં પથ્થરો લાગવાથી મોત થયું છે તે બેલ ગામનો રહેવાસી હતો. આ અગાઉ ૨૦૧૧માં પણ એક વ્યકિતનું મોત થયું હતું.