બે શંકાસ્પદોને ઓળખી, સ્કેચ બનાવી તપાસ હાથ ધરાઈ: ફોરેન્સિક ટીમ હવે ફિંગર પ્રિન્ટની તપાસમાં
દિલ્હીમાં ઈઝરાયેલના દૂતાવાસ પાસે શુક્રવારે થયેલા બ્લાસ્ટ કેસમાં તપાસ તેજ થઈ ગઈ છે. ફોરેન્સિક ટીમની તપાસમાં સામે આવ્યું છે કે બ્લાસ્ટ માટે એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરાયો હતો. ઘટનાસ્થળથી ક્રાઈમ બ્રાન્ચની ટીમને અડધો સળગેલો ગુલાબી રંગનો દુપટ્ટો અને ઈઝરાયલી રાજદૂતના નામે એક પરબીડિયું મળી આવ્યાં છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પરબિડીયાની અંદરથી એક ચિઠ્ઠી મળી આવી છે.જેમાં ‘આ તો ટ્રેલર છે’લખેલું છે. ફોરેન્સિક ટીમ હવે ફિંગર પ્રિન્ટની તપાસ કરવામાં લાગી ગઈ છે.
પોલીસે ઘટનાસ્થળ પાસે લાગેલા સીસીટીવીથી બે શંકાસ્પદોની ઓળખ પણ કરી છે. આ બન્ને શંકાસ્પદ એક કેબમાંથી ઊતરતા જોવા મળ્યા હતા. પોલીસે કેબડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી દીધી છે. ડ્રાઈવરની મદદથી બન્ને શંકાસ્પદોનો સ્કેચ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પોલીસે મોડી રાતે ઘણા વિસ્તારોમાં દરોડા પણ પાડ્યા છે.