હજારો લિટર પાણીની ટેન્કથી સ્મૉગ ગન હવામાં પાણીની વર્ષા કરશે
દેશની રાજધાની દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ચૂકી છે અને આની સામે ઉકેલ મેળવવા દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી કોઈ ખાસ પગલા લેવાઈ રહ્યા નથી. જો કોઈ પગલા ઉઠાવ્યા હોય તો તે કારગર સાબિત થયા નથી. એવામાં દિલ્હી સરકાર આજે પ્રદૂષણ સામે ઉકેલ મેળવવા એક નવી રીત અપનાવશે. કેજરીવાલ સરકાર દિલ્હીમાં પ્રથમવાર એન્ટી સ્મૉગ ગનનો ઉપયોગ કરશે. દિલ્હી જ નહીં પરંતુ ભારતમાં આવુ પહેલીવાર બનશે. અત્યાર સુધી આ ટેકનોલોજીનો ઉપયોગ માત્ર ચીનમાં કરવામાં આવ્યો હતો. હવામાં પ્રસરેલા ઝેરીલા કણોને દૂર કરવા માટે એન્ટી સ્મૉગ ગનનો ઉપયોગ કરવા આવે છે. અગાઉ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને પર્યાવરણ મંત્રી ઈમરાન હુસૈન દિલ્હી સચિવાલય પર એન્ટી સ્મૉગ ગનનો ઉપયોગ કરીને જોઈ ચૂક્યા છે, પરંતુ પ્રથમવાર આનો ઉપયોગ જનતાની વચ્ચે કરવામાં આવશે. આનંદ વિહાર વિસ્તારમાં એન્ટી સ્મૉગ ગન દ્વારા વધારે પ્રમાણમાં ટ્રાયલ કરવામાં આવશે. આનંદ વિહાર વિસ્તારને એટલા માટે જ પસંદ કરવામાં આવ્યો છે કેમ કે દિલ્હીમાં સૌથી વધારે પ્રદૂષણ આ વિસ્તારમાં જોવા મળે છે, જો કે તે યુપી બોર્ડર સાથે જોડાયેલ છે. જો ટ્રાયલ સફળ રહેશે તો આનો ઉપયોગ દિલ્હીમાં વ્યાપકરીતે કરવામાં આવશે. હજારો લિટર પાણીની ટેન્ક સાથે જોડાયેલ સ્મૉગ ગન હવામાં પાણીની વર્ષા કરશે. જેનાથી હવામાં પડેલા ઝેરીલા કણ અને ધૂળના કણ જે પ્રદૂષણમાં વધારો કરે છે. તે નમીની સાથે નીચે બેસી જશે. એન્ટી સ્મૉગ ગનથી નીકળેલી વર્ષા ઘણી ઉપર સુધી જાય છે. જો એન્ટી સ્મૉગ ગનની ટ્રાયલ સફળ થાય તો રાજધાનીમાં આ મશીન દ્વારા વ્યાપક સ્તરે છંટકાવ કરવામાં આવશે.