ઇઝરાયેલના આસ્કેલોન શહેરના ડેપ્યુટી મેયર સહિતના પ્રતિનિધિ મંડળે પારસી અગિયારી ખાતે ઇન્ડો-ઇઝરાયેલ ફુડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે આસ્કેલોનના ડેપ્યુટી મેયર ડો.રિકિ શાઉને ભારતીય શાકાહારી ભોજનની ઇઝરાયેલમાં વધતી જતી માગ અંગે કહ્યુ હતુ કે હવે ઇઝરાયેલના લોકો માસાહારનો ત્યાગ કરી રહ્યા છે અને તનને તંદુરસ્ત તથા મનને શાંત રાખતી ભારતીય શાકાહારી ભોજન પ્રણાલી અપનાવી રહ્યા છે.
ઈઝરાયેલથી આવેલા પ્રતિનિધિમંડળના સભ્યોનુ કહેવુ હતુ કે ઈઝારાયેલમાં 70 દેશોમાંથી યહૂદીઓ આવીને વસ્યા હોવાથી ઈઝરાયેલમાં દરેક પ્રકારનુ ફૂડ કલ્ચર જોવા મળે છે.જેમ કે ભારતમાંથી ઈઝરાયેલમાં સ્થાયી થયેલા યહૂદીઓ હજી પણ ઘઉંના લોટ અને ગોળનો ઉપયોગ કરીને લાડુ બનાવે છે અને ડેઝર્ટ તરીકે આ વાનગી ઈઝરાયેલમાં ખાસી એવી લોકપ્રિય પણ થઈ છે.
તેમણે આ અંગે વધુ વાત કરતા કહ્યુ હતુ કે ‘ઇઝરાયેલમાં શાકાહારી ભોજનનો તેમા પણ સાદા શાકાહારી ભોજનનો ક્રેઝ વધી રહ્યો છે. અમુક શહેરોમાં તો એવા પરિવારોના ગુ્રપ પણ છે જેઓએ માસાહારનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે’
આ અંગે કારણો આપતા તેમણે કહ્યુ હતુ કે ‘માસાહાર કરનાર પરિવારમાં હિંસક વાતાવરણ જોવા મળે છે ઉપરાંત માસાહારને કારણે કેટલીક બીમારીઓ પણ વધે છે. ઇઝરાયેલના લોકો ભારતના આધ્યાત્મિક જ્ઞાાનથી વર્ષોથી પ્રભાવિત છે તેમા પણ હવે યોગ અને ધ્યાન તરફ વધુ લોકો વળ્યા છે એટલે યોગનો પુરો ફાયદો જોઇએ તો માસાહાર ત્યાગ કરવો પડે એટલે આ કારણથી પણ લોકો શાકાહારી બન્યા છે. આ ઉપરાંત ઇઝરાયેલમાં ‘અહિંસા’નો સિદ્ધાંત પણ ખુબ મોટાપાયે ફેલાઇ રહ્યો છે લોકો વિચારી રહ્યા છે કે આપણા ડાઇનિંગ ટેબલ પર કોઇ જીવની લાશ નહી પણ જીવનજરૃરી ખોરાક હોવો જોઇએ માટે આ એક પણ કારણ છે કે ઇઝરાયલના લોકો શાકાહારી બની રહ્યા છે. લોકો એવી પણ નોંધ કરી રહ્યા છે માસાહારી પરિવારની સરખામણીમાં શાકાહારી પરિવારમાં વાતાવરણ શાંત હોય છે’