શિવભાણસિંહ, સેલવાસ:
ખાધ પદાર્થોમાં ભેળસેળ કરી લોકો સાથે છેતરપિંડી કર્યાના અનેક બનાવો છાસવારે સામે આવતા હોય છે. ખાધ ચીજ-વસ્તુઓમાં ભેળસેળ, નકલી વસ્તુઓનો ઉપયોગ અને સામે પૈસા મુજબ ક્વોલિટી ન મળતા ગ્રાહકોને ડબલ નુકસાન થાય છે ત્યારે આજરોજ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં નકલી પનીર બનાવટી ફેક્ટરી ઝડપાતા દૂધ, પનીર, ચીઝના રસિયાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
સેલવાસમાં નવી ખુલેલી ડેરી અને દુકાનોમાંથી સસ્તું ચીઝ મળી આવતાં જ આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ હતી. છેલ્લા કેટલાય દિવસોથી તપાસ ચાલુ હતી. સઘન ચેકિંગ કરી રહેલી આરોગ્ય વિભાગની ટીમે આખરે આજે નરોલીમાં આવેલી નકલી પનીરની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો.
સેલવાસથી દક્ષિણ ગુજરાતના નવસારી સુધી નકલી પનીર વેચાતું હોવાનું ખૂલ્યું છે. આરોગ્ય વિભાગની ટીમે ઘટના સ્થળેથી 350 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કરી નાશ કર્યો છે. સેલવાસના નરોલીમાંથી નકલી પનીર બનાવતી આ ફેક્ટરી ઝડપાતા પામોલિન અને હાનિકારક રસાયણોમાંથી બનાવટી પનીરનું મોટું રેકેટ બહાર આવે તેમ છે.