તાજેતરમાં રિલીઝ થતી અનેક ફિલ્મ લોક રોષનો ભોગ બની રહી છે. જેમાં હાલ પઠાણ ફિલ્મ ચર્ચામાં હતી. “પઠાણ” ફિલ્મ વિરોધ દેશના દરેક શહેરમાં થઈ રહ્યો છે તેવામાં વધુ એક ગુજરાતી ફિલ્મ “તખુભાની તલવાર” વિવાદમાં આવી છે. આ ફિલ્મ આવતીકાલે રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ રીલીઝ થાય તે પહેલા જ રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતી ફિલ્મ “તખુભાની તલવાર” આવી વિવાદમાં
રાજપુત કરણી સેના દ્વારા ગુજરાતી ફિલ્મ તખુભાની તલવારનો વિરોધ કરવામાં આવ્યો છે. આવતીકાલે આ ફિલ્મ રિલીઝ થવા જઇ રહ્યું છે. એટલું જ નહીં ફિલ્મ રિલીઝ ન થાય તે માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અપીલ પણ કરવામાં આવી છે. આ ગુજરાતી ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડવામાં આવ્યો છે. ફિલ્મના અમુક અંશોના કારણે રાજપૂત સમાજની લાગણી દુભાઈ રહી હોવાનું કરણી સેનાના અગ્રણીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
કરણી સેના દ્વારા આ ફિલ્મનો કરાયો વિરોધ
કરણી સેનાના અધ્યક્ષ જે.પી. જાડેજાએ આ મુદ્દે જણાવ્યું હતું કે , હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જણાવવા માગુ છું કે, જે સમાજે અખંડ ભારતના નિર્માણમાં 562 રજવાડાઓનું યોગદાન આપ્યું હોય અને હિન્દુ સંસ્કૃતિમાં વિધર્મીઓના આક્રમણને ખાળવા માટે જેણે અસંખ્ય બલિદાનો આપ્યા હોય તેવા ક્ષત્રિય સમાજને આવી રીતે ફિલ્માવવામાં આવતું હોય તેવા નિર્માતાઓને તમે તાકીદ કરો. આ ફિલ્મને રિલીઝ થતું અટકાવો. નહીંતર રાજપૂત કરણી સેના રોડ પર આવશે અને પ્રદર્શન-ધરણા કરી આ ફિલ્મને રિલીઝ થતું અટકાવશે. હું આપ સર્વેને વિનંતી કરવા માગું છું કે આ ફિલ્મને રિલીઝ થતું અટકાવી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરો.
થોડા સમયથી બોલીવુડની “પઠાણ” ફિલ્મ વિવાદમાં
થોડા સમયથી બોલિવૂડની “પઠાન” ફિલ્મ રિલીઝ થાય એ અગાઉથી ભારે વિવાદમાં આવી છે. પઠાન ફિલ્મને લઈને દેશભરની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દીપિકા પાદુકોણે ભગવા કલરનાં વસ્ત્ર પહેરીને બેશરમ જે ગીત ફિલ્મમાં લેવામાં આવ્યું છે, એને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં જાણે ભગવા રંગને બેશરમ રંગ હોય એવું ફિલ્મમાં દર્શાવ્યું હોય એવું જણાઈ રહ્યું છે. એવા મુદ્દા સાથે હિન્દુ સંગઠનો સતત વિરોધ કરી રહ્યા છે