ખંભાળીયાના રામનાથ મંદિર ખાતે સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળસંચય અભિયાન પૂર્ણાહુતિ કાર્યક્રમ ખંભાળીયાના રામનાથ મંદિર ખાતે રાજયના પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. પૂર્વ મંત્રી બોખીરીયાએ જણાવ્યું કે આ સરકાર આફતને અવસરમાં પલટતી સરકાર છે.

પાણીની આફતને અવસરમાં પલટાવી જળ અભિયાનની શરૂઆત કરાવી છે. પૃથ્વીમાં પાંચ તત્વો પૈકી પાણી મહત્વનું છે. જેનો સંગ્રહ કરવો, જાળવવું ખુબ જ અનિવાર્ય છે. ૨૦૦૧થી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી ત્યારથી ચેકડેમો, જળાશયો, નહેરોના અનેક કામો થયા છે.

જિલ્લાના પ્રભારી સચિવ અને સેટમેન્ટ કમિશનર નલીન ઠાકરે જણાવ્યું કે, ખેડુતો અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ અભિયાન સફળ થયું છે. આગામી ચોમાસામાં વધુ પાણીનો સંગ્રહ થશે જેનો લાભ ખેડુતોને થતા લોકોને થશે.

કલેકટર જે.આર.ડોડીયાએ જણાવ્યું કે જિલ્લામાં તા.૧/૫/૨૦૧૮ થી ૩૧/૫/૨૦૧૮ સુધી જિલ્લાના ૪ તાલુકાના ૨૬૬ ગામોમાં કામગીરી કરવામાં આવેલ છે. ૬૪૨ કામોના આયોજન સામે ૭૦૭ કામો કરી ૧૧૦ ટકા સિદ્ધિ હાંસલ કરેલ છે. ૧૬.૭૭ લાખ ઘન મીટર માટી કામ થયેલ છે આશરે ૧૫૦૦ હેકટરમાં માટી પાથરીને જમીનની ફળદ્રુપતા વધારેલ છે.

આશરે રૂ.૯૧૪ લાખનું કામ કરવામાં આવેલ છે. તેમજ ૩૯૯ લાખ રૂપિયાનો લોકફાળો/ લોકસહયોગ મળેલ છે. આ કાર્યક્રમની શરૂઆતમાં ૧૦૮ કપલ દ્વારા નર્મદા જળ પૂજન કરવામાં આવ્યું હતું. આ જળને મહાનુભાવો દ્વારા ખંભાળીયાથી ઘીરૂ નદીમાં કળશમાંથી નર્મદા જળ પધરાવવાની ક્રિયા કરવામાં આવી હતી.

જળ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા થવાથી આગામી ચોમાસામાં બમણા પાણીનો સંગ્રહ થશે જેથી જમીનમાં પાણીના તર ઉંચા આવશે. ખારાશ ઘટશે તથા ખેતરોમાં આ માટી પાથરવાથી જમીનની ફળદ્રુપતા વધતા ખેડુતોને મહતમ ફાયદો થશે તેમ બરડીયાના ધનાભાઈ નાગેશ તથા ગાંગડી ગામના માલદેભાઈએ પ્રતિભાવો આપતા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડા, ખંભાળીયા તાલુકા પંચાયત પ્રમુખ મશરીભાઈ નંદાણીયા, ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ ખીમભાઈ જોગલ, નગરપાલિકા પ્રમુખ શૈલેષ કણઝારીયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા મયુરભાઈ ગઢવી, પાલાભાઈ કરમુર, હરીભાઈ નકુમ, જિલ્લા વિકાસ અધિકારી રાવલ, નિવાસી અધિક કલેકટર વ્યાસ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પટેલ, પ્રાંત અધિકારી જોશી તેમજ અગ્રણીઓ નગરજનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.