ટેકનોલોજીના આધુનિક યુગમાં હવે ગુનેગાર અને ગુન્હાના પ્રકાર પણ આધુનિક થઈ ગયા છે. હવે ગુન્હો આચરવા માટે ક્યાંય જવાની જરૂરિયાત રહી નથી. સોશ્યલ મીડિયા મારફત હવે સાયબર ફ્રોડ ક્ષણભરમાં દુનિયાના એક છેડેથી બેસીને બીજા છેડે આચરી લેવામાં આવે છે.ત્યારે જામનગરમાં પણ આ મુદ્દે પોલીસ સતર્ક બની છે અને સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાયેલા ગુના સંદર્ભે ટીમે મહિલાના નામના ફેક આઈડી બનાવી મિત્રતા કરી વીડિયો કોલ અને રેકોર્ડીંગ કર્યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપનારને દબોચી લેવામાં આવ્યો છે અને પૂછપરછ હાથ ધરી છે.
હાલ સાયબર ફ્રોડો લોકોને વિશ્વાસમાં લેવા નવા નવા કિમીયા અપનાવી રહ્યા છે ત્યારે જામનગરમાં પણ આવી ઘટના બની હતી જેમાં ફરિયાદીને અજાણ્યા નંબરથી વોટસએપમાં મેસેજ કરી મહિલાના નામનું ફેક આઇડી બનાવી મિત્રતા કેળવતો શખ્સ વીડિયો કોલ દરમિયાન કપડા ઉતારી વીડિયો રેકોર્ડીંગ કરી લેતો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર તથા યુ-ટયુબ ઉપર વાયરલ કરવાની ધમકી આપતો હતો.
ન્યુડ વીડિયો મારફત દ્વારા નકલી સીબીઆઈ તથા યુ-ટયુબના અધિકારી તરીકે ઓળખ આપી બ્લેક મેઈલ કરી સેકસ્ટોર્શન કરતી ગેંગના સાગરિતો દ્વારા 20,98,364 જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. ત્યારે જામનગરમાં સાયબર ક્રાઈમ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી તે ફરિયાદના આધારે આરોપીને પકડવાની કાર્યવાહી આરંભી હતી.
ટેકનોલોજીના આધારે આરોપીને પકડી પાડ્યો
ટેકનોલોજીના આધારે ગુન્હેગારો આધુનિક ગુન્હાઓ કરી શકે છે તો પોલીસ પણ તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આરોપીને પકડી શકે છે ત્યારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની, DYSP વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ સાઈબર ક્રાઈમની ટીમના પો.કો. રાહુલ મકવાણા દ્વારા ટેકનિકલ એનાલિસીસ કરીને આરોપીનું લોકેશન શોધી કાઢ્યું હતું. આરોપીને ટે્રસ કરતા હરિયાણાના મેવાત વિસ્તારમાં હોવાનું જણાતા ટીમે હરિયાણા પહોંચી સ્થાનિક પોલીસની મદદથી તેને પકડી પાડ્યો હતો. હરિયાણાના મેવાત વિસ્તારમાંથી મેસરદીન ઈબ્રાહિમ મેઉ નામના શખ્સને દબોચી લીધો હતો.
સાઈબર ક્રાઈમની પૂછપરછમાં થયો આરોપીનો પર્દાફાશ
સાઈબર ક્રાઈમે આરોપીની પૂછપરછ કરતા મેસરદીન સેક્સ્ટોર્શન કરતી ગેંગ સાથે સંપર્કમાં રહી તેની પાસે આવતા ફેક બેંક એકાઉન્ટના નામે એટીએમથી પૈસા વીડ્રો કરી અન્ય આરોપીને મોકલાવતો હતો. આ ગેંગ દ્વારા પ્રથમ ડમી સીમકાર્ડ અને બેંક એકાઉન્ટ મેળવી અન્ય સભ્યોને આપે છે. ત્યારબાદ ગેંગના સભ્યો દ્વારા વોટસએપ પર મહિલાનું પીકચર રાખી મિત્રતા કરી અને મિત્રતા દરમિયાન એકાએક વીડિયો કોલ કરી નિવસ્ત્ર થઈ વીડિયો કોલનું રેકોર્ડીંગ કરે છે અને કોઈ કારણ આપીને બ્લેકમેલ કરીને લોકો પાસેથી નાણા પડાવે છે.
આવી મોડસ ઓપરેન્ડી દ્વારા લોકોની સાથે ઠગાઈ કરતી ગેંગથી બચવા માટે સાઈબર ક્રાઈમ દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત બ્લેકમેઇલ કરતા શખ્સોનો શિકાર થતા બચો અને તેમની સાથે કોઇ નાણાંકીય વ્યવહાર ન કરો તેવી સુચના આપવામાં આવી છે.