આધુનિક પધ્ધતિથી પાંચ એકર જમીનમાં વાવ્યા શકકરટેટી-તરબૂચ

માત્ર 70 દિવસના સમયગાળામાં તૈયાર થાય છે ટેટી-તરબૂચ અને ઓછી ઉપજવાળી જમીનમાં ઓછા પાણીમાં સારૂ ઉત્પાદન મેળવી શકાય છે

ધ્રાંગધ્રા એટલે કે પથ્થરોની ધરા તરીકે ઓળખાતા ધ્રાંગધ્રા પંથકના ધરતીપુત્રો આજે તેમની મહેનત અને કૃષિ તજજ્ઞોના માર્ગદર્શનના સાથે આધુનિક કૃષિને અપનાવીને આર્થિક રીતે સમૃધ્ધ બની રહયાં છે. આજે વાત કરવી છે ધ્રાંગધ્રા તાલુકાના ગાંજણવાવ ગામના એવા જ એક ધરતી પુત્રની કે જેણે 1992 ના વર્ષથી સરકારની યોજનાઓના લાભ લઈ કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનની સાથો-સાથ વારસામાં મળેલા કૃષિ જ્ઞાન દ્વારા તેમની કૃષિને સમૃધ્ધ બનાવી છે.

2 1 scaled

ગાંજણવાવ ગામના કૃષિ ઋષિ એવા મહેન્દ્રભાઈ પટેલે તેમની પરંપરાગત ખેતી છોડીને તેની જગ્યાએ પાંચ એકરના ખેતરમાં આ વર્ષે રવિ પાક તરીકે સક્કર ટેટી અને તરબુચની સફળ ખેતી કરી છે. મહેન્દ્રભાઈના જણાવ્યા અનુસાર કપાસ, એરંડા, ઘઉં અને જીરા જેવા પાકો તેમની પરંપરાગત ખેતીના ભાગ હતા, પણ વર્ષ દરમિયાન અથાગ મહેનત કર્યા બાદ પણ તેમાંથી સંતોષકારક વળતર મળતુ ન હતુ.

1 scaled

સમાચાર પત્રો અને સામાયિકોના વાંચનનો શોખ ધરાવતાં મહેન્દ્રભાઇએ તેમાં આવતી સફળ ખેડૂતોની સાફલ્ય ગાથાઓથી પ્રેરિત થઈને પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ વળવાનો સાહસિક વિચાર કર્યો. તેમના વિચારને કૃષિ તજજ્ઞો અને બાગાયત અધિકારીશ્રીના માર્ગદર્શને નવુ બળ પુરૂ પાડયું, અને મહેન્દ્રભાઈએ તેમની પાંચ એકર જમીનમાં આધુનિક પદ્ધતિથી સક્કર ટેટી અને તરબુચની ખેતી કરી.

સક્કર ટેટી અને તરબૂચ જેવી બાગાયતી ખેતીના ફાયદા વિષે વાત કરતા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, અન્ય પરંપરાગત ખેતીમાં સમય વધારે લાગે છે, જયારે તેના ભાવ પણ બજારમાં ઓછા મળે છે. સક્કર ટેટી અને તરબુચની ખેતી વધીને 70 દિવસના સમયગાળામાં પૂર્ણ થઇ જાય છે અને અન્યની પાકની સરખામણીએ ભાવ અને ઉત્પાદન પણ વધારે મળે છે, તેમજ અન્ય પાકોની સરખામણીએ સક્કર ટેટી અને તરબૂચનું ઓછા પાણીમાં અને ઓછી ઉપજવાળી જમીનમાં પણ સારૂં ઉત્પાદન મળતું હોય છે.3 scaled

મહેન્દ્રભાઈએ આધુનિક પદ્ધતિના ઉપયોગથી ઉચ્ચ ગુણવત્તા વાળી સક્કર ટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે. જેના કારણે સામાન્ય ટેટીનું વજન 700 થી 800 ગ્રામ હોય છે, જયારે મહેન્દ્રભાઈના ખેતરની ટેટીનું વજન દોઢ કિલો સુધીનું જોવા મળ્યુ છે.અભ્યાસમાં થોડા પાછળ રહી ગયેલા મહેન્દ્રભાઈ ખેતીના વિષયમાં જરા પણ પાછળ નથી. ફક્ત સક્કર ટેટી અને તરબૂચ જ નહિ, તેઓ હરહંમેશ ખેતીમાં નવતર પ્રયોગો કરતા રહ્યા છે. આધુનિક ખેતી તરફ જવાની તેમની પહેલ 1992 ના વર્ષથી ચાલું છે. 1992 માં તેમણે સૌપ્રથમ જિલ્લા બાગાયત વિભાગની મદદથી ગોલા બોરનું વાવેતર કરી તેમાં ડ્રિપ પદ્ધતિ અપનાવી હતી અને ત્યારથી લઇને આજ સુધી તેઓ જામફળ, દાડમ, કેરી, લીંબુ, ખારેક જેવા અનેક નવતર બાગાયતી પાકોના વાવેતર દ્વારા અન્ય ધરતીપુત્રોને આધુનિક ખેતી અપનાવવા રાહ ચીંધી રહયાં છે.

આધૂનિક કૃષિ સાથે ટપક સિંચાઈ પધ્ધતિનો ઉપયોગ કર્યો

મહેન્દ્રભાઈએ આધુનિક કૃષિ પધ્ધતિ જેવી કે રેઈઝ બેડ, મલ્ચિંગ, ગ્રો કવરને અપનાવવાની સાથે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો, આ માટે તેમને મલ્ચિંગ, ગ્રો કવર માટે રાજ્ય સરકારના બાગાયત વિભાગ તરફથી સબસીડીનો લાભ પણ મળ્યો. જેનુ ખૂબ સારૂં પરિણામ એમને મળ્યું. પહેલા રવિ સીઝન દરમિયાન તેમને પાંચ એકરમાં જીરાના વાવેતરમાંથી આશરે બે થી અઢી લાખની આવક થતી હતી. તેની સામે આ વર્ષે સક્કર ટેટી અને તરબુચના વાવેતરમાંથી તેમને અંદાજે 12 થી 15  લાખ જેટલી આવક મળશે, તેમ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતુ.

4 scaled

બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા સરકારની અનેકવિધ યોજનાઓ

સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત અધિકારીશ્રી સચિન શેઠએ જણાવ્યું હતું કે, જિલ્લાના ખેડૂતો હવે ધીરે ધીરે બાગાયત ખેતી તરફ વળ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામા આવી છે. જે અન્વયે સક્કર ટેટી અને તરબુચની ખેતી કરતા ખેડૂતો માટે પણ સરકાર દ્વારા ગ્રો કવર માટે હેક્ટર દીઠ 21,000 અને મલ્ચિંગ માટે હેક્ટર દીઠ 16,000 રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ લઇ મહેન્દ્રભાઇએ તરબુચ અને સક્કર ટેટીની સફળ ખેતી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.