દેશની તમામ યુનિવર્સિટીના કુલપતિઓ ઓનલાઇન જોડાશે: પીએમ કેટલીક વિશેષ બાબતોની જાણકારી આપશે
દેશમાં નવી એજ્યુકેશન પોલિસી જાહેર કરવામાં આવી તેને એક વર્ષ પૂરૂ થવાનું છે ત્યારે આજે સાંજે વડાપ્રધાન નવી એજ્યુકેશન પોલિસીની જોગવાઇઓ જાહેર કરશે અને આ માટે દેશની તમામ યુનિવર્સિટીના કુલપતિઓ ઓનલાઇન જોડાવા યુજીસીએ આદેશ આપ્યો છે. સાથોસાથ અઘ્યાપકોને જોડાવા પણ અપીલ કરવામાં આવી છે.
નવી એજ્યુકેશન પોલિસી 2020 લાગુ કરી દેવામાં આવી છે આ પોલીસીમાં કરાયેલી જોગવાઈ અનુસાર હજુ સંપૂર્ણ પોલિસી લાગુ થઈ નથી. પરંતુ ધીમે ધીમેં પોલિસી દેશભરમાં લાગુ થઈ જશે.
તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી શાસ્ત્રી કોલેજ કેમ્પસની છ જેટલી કોલેજોને એકજૂથ કરીને એક ખાનગી કંપની બનાવી તેનું સંચાલન કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
મહત્વની વાત એ છે કે, નવી એજ્યુકેશન પોલિસીમાં આ પ્રકારની વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જ રીતે ઇજનેરીમાં વિદ્યાર્થીઓ એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ડીગ્રી ઇજનેરીમાં ચાલુ વર્ષે હાથ ધરાયેલી પ્રવેશ પ્રકિયામાં પણ આ નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે બાયોલોજીમાં વિદ્યાર્થીઓ ઇજનેરીમાં પણ પ્રવેશ મેળવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.
આ પોલિસીમાં કરાયેલી જોગવાઈઓ ધીમે ધીમે અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આજે સાંજે 4:30 કલાકે યુજીસીના માઘ્યમથી ગોઠવવામાં આવેલા એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી નવી એજ્યુકેશન પોલિસીની કેટલીક વિશેષ જોગવાઈઓ જાહેર કરશે. જેમાં દેશના તમામ કુલપતિઓ હાજરી આપશે.