નરેન્દ્ર મોદી શપથ લેશે ત્યારે આખા દેશમાં દિવાળી જેવો માહોલ હશે: રાજકોટ ભાજપનું જનરેટર, અહીંની ઉર્જા રાજયની ૨૬ બેઠકો ઉપર અસરકર્તા

વિશાળ રોડ-શો બાદ બહુમાળી ભવન ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરસભા સંબોધી: સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કર્યા

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે મોહનભાઈ કુંડારિયાનું વિજય મુહૂર્તે નામાંકન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં આજે ભાજપના ઉમેદવાર તરીકે મોહનભાઈ કુંડારીયાએ રાજકોટ લોકસભા બેઠક પર નામાંકન કર્યું હતું. આ પૂર્વે વિશાળ રોડ-શો અને જાહેરસભા પણ યોજવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, આ લોકસભાની ચુંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે. તેઓએ ઉમેર્યું કે, નરેન્દ્ર મોદી જયારે વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે. વધુમાં તેઓએ રાજકોટ વિશે કહ્યું કે,રાજકોટ શહેર એ ભાજપનું જનરેટર છે. અહીંથી ઉત્પન્ન થતી ઉર્જા સમગ્ર રાજયની ૨૬ બેઠકને અસર કરે છે.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પૂર્વે રામકૃષ્ણ આશ્રમથી બહુમાળી ચોક સુધી રોડ-શો અને બાદમાં બહુમાળી ભવન નજીક જાહેરસભા પણ યોજવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જાહેરસભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા.DSC 8567

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકાર તેના શાસનમાં દેશને પાછળ લઈ ગયા હતા. તેઓ ભ્રષ્ટાચાર અને ગંદકીને જન્મ આપ્યો હતો જેના કારણે દેશના લોકોનું માથું વિશ્વ સમક્ષ ઝુકી જાય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી પરંતુ જયારે નરેન્દ્ર મોદીને લોકોએ વડાપ્રધાન બનાવ્યા એટલે તેઓએ પાંચ વર્ષમાં દેશનું ગૌરવ વધારી અને વિશ્વભરમાં દેશને ખ્યાતી અપાવી છે. આ લોકસભાની ચુંટણી ખુબ જ મહત્વની છે. કારણકે એક તરફ દેશભકિતથી રંગાયેલા રાષ્ટ્રવાદમાં માનનારા લોકોનો પક્ષ છે ત્યારે બીજી તરફ વોટ બેન્કની રાજનીતિ કરનારા જાતિવાદ અને ધર્મવાદ ફેલાવનારા લોકોનો પક્ષ છે. એક તરફ ગરીબ ચા વાળો પીએમ છે તો બીજી તરફ પરીવારવાદવાળો પીએમનો દાવેદાર છે.

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રાસવાદ સામે આકરા પગલા લીધા છે તે કોંગ્રેસના પચતા નથી. કોંગ્રેસ પાકિસ્તાનની ભાષામાં વાત કરે છે. રાહુલના ગુરુ સામ પિત્રોડા હકિકતમાં સેમ પિત્રોડા છે. જેમ ચોર-ચોર માસીયાઈ ભાઈ હોય છે તેમ કોંગ્રેસ અને પાકિસ્તાન માસીયાઈ ભાઈ છે. કોંગ્રેસે તેના અનેક નેતાઓના સગા-વ્હાલાના અપહરણ થયા બાદ ૪૫થી વધુ આતંકવાદીઓને મુકત કર્યા છે. ઉપરાંત આતંકવાદીઓને બિરયાની પણ કોંગ્રેસે ખવડાવી છે. કોંગ્રેસના ગઠબંધન વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસનું ગઠબંધન સ્વાર્થી અને અકુદરતી છે. તેઓને એકબીજા પર ભરોસો નથી. પોતપોતાના સ્વાર્થ માટે તમામે આ ગઠબંધન કર્યું છે. ગઠબંધન કરનારા પણ ખુદ રાહુલ ગાંધીને પીએમ તરીકે જોવા ઈચ્છતા નથી.DSC 8632

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, જયારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે આખા દેશમાં દિવાળી જેવો માહોલ રચાશે. આ ચુંટણીમાં કોંગ્રેસ જીતવાનું તો નથી જ પરંતુ જો કદાચ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફુટવાના છે. આ ચુંટણી ભાજપ અને કોંગ્રેસની નહીં ભારત અને પાકિસ્તાનની વચ્ચેની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને એવી જગ્યાએ લઈ ગયા છે કે કોઈ આલ્યા, માલ્યા ટાપલી મારી જાય તેવી ચિંતા રહી નથી.

મુખ્યમંત્રી વિજયભાઈએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ મત મેળવવા માટે ગરીબોના ખાતામાં રૂ.૭૨ હજાર જમા કરાવી આપવાનું જુઠાણું ફેલાવ્યું છે. રાહુલ ગાંધી જે બેંકના ખાતાની વાત કરી રહ્યો છે તે ખાતા નરેન્દ્ર મોદીએ જ ખોલાવી આપ્યા છે.ઉપરાંત જે પક્ષે ૫૫ વર્ષ સુધી ગરીબો માટે કે ખેડુતો માટે કંઈ કર્યું નથી તે પક્ષને હવે ખેડુતો અને ગરીબો કેમ યાદ આવે છે.

જયારે ભાજપ વાયદાના બદલે યોજનામાં માને છે. અંતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર ભાજપનો ગઢ છે. રાજકોટને ભાજપનું જનરેટર માનવામાં આવે છે. અહીંથી ઉત્પન્ન થયેલી ઉર્જા રાજયની ૨૬ બેઠકોને અસર કરે છે. ભાજપના ગઢમાં રાજકોટવાસીઓ એવી રીતે મત આપશે કે મશીન પણ ગરમ થઈ જશે અને કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ પણ ગુલ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.